૧૨મી ડિસેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં ભૂતકાળની સરખામણીએ મહિલાઓ દ્વારા સૌથી વધુ વિક્રમી ઉમેદવારી કરાઈ છે જેમાં, લેબર પાર્ટી પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીના આંકડા મુજબ લેબર પાર્ટીએ તેમના કુલ ૬૩૧ ઉમેદવારોના અડધાથી વધુ એટલે કે ૩૩૫ (૫૩ ટકા) મહિલા ઉમેદવાર પસંદ કર્યા છે. બીજી તરફ ટોરી પાર્ટીના કુલ ૬૩૫ ઉમેદવારમાંથી ૧૯૨ (૩૦ ટકા) જ્યારે, લિબરલ ડેમોક્રેટ્સના કુલ ૬૧૧ ઉમેદવારમાંથી ૧૮૮ (૩૧ ટકા), સ્કોટિશ નેશનલ પાર્ટીના ૨૦ (૩૪ ટકા) અને ગ્રીન પાર્ટીના ૨૦૫ (૪૧ ટકા) મહિલા ઉમેદવાર છે. બ્રેક્ઝિટ પાર્ટી તરફથી સાંસદ બનવાં ૫૪ મહિલા ઉમેદવાર ચૂંટણીના જંગમાં લડશે. આ ઉપરાંત, SNPના ૨૦, UKIPના ૧૦ અને ૩૨ મહિલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અન્ય વિશ્લેષણ મુજબ આ વર્ષની ચૂંટણીમાં ૩,૩૨૨ ઉમેદવારમાંથી ૧૧૨૪ ઉમેદવાર મહિલા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં ૯૭૩ મહિલા ઉમેદવારોમાંથી સૌથી વધુ લેબર પાર્ટીએ ૨૫૫, કન્ઝર્વેટિવ્ઝે ૧૮૩, લિબરલ ડેમોક્રે્ટસે ૧૮૪, ગ્રીન પાર્ટીએ ૧૬૫ મહિલા ઉમેદવાર ઉભાં રાખ્યાં હતાં. ગત ચૂંટણીમાં ૨૯ ટકા મહિલા ઉમેદવાર હતાં. ૨૦૧૫ની ચૂંટણીમાં ૧,૦૩૩ મહિલા ઉમેદવાર હતા.
ઈયુમાં રહેવું કે નહિઃ કોર્બીન સ્પષ્ટ નથી
લેબરનેતા જેરેમી કોર્બીન ઈયુ સાથે રહેવા કે નહિ રહેવા બાબતે હજુ સ્પષ્ટ નથી. બીબીસીના એન્ડ્રયુ મારના કાર્યક્રમમાં કોર્બીનને તેમનો અંગત મત પાંચ વખત પૂછાયો હતો પરંતુ, તેમણે નિર્ણાયક જવાબ આપવાનું નકાર્યું હતું. કોર્બીને જણાવ્યું હતું કે ‘હું ભવિષ્યમાં ઈયુ સાથે ગાઢ સંબંધ ઈચ્છું છું.’ જેનાથી તેઓ લેબર સ્ટાઈલનું બ્રેક્ઝિટ પસંદ કરે છે તેવું અર્થઘટન કરી શકાય છે. લેબર પાર્ટીની વર્તમાન નીતિ જો તે ચૂંટણી જીતે તો નવી બ્રેક્ઝિટ સમજૂતી માટે વાટાઘાટો કરવાની અને સમજૂતી થાય તો તેના માટે બીજા જનમત-રેફરન્ડમ યોજવાની છે. કોર્બીને કહ્યું હતું કે અમે નિર્ણય બ્રિટિશ પ્રજા સમક્ષ રાખીશું અને હું તે નિર્ણયથી બંધાયેલો રહીશ. આ લેબર પાર્ટીનો મત છે. કોર્બીને ૨૦૧૬માં રીમેઈન તરફી સત્તાવાર મત આપ્યો હતો. તેમણે દાયકાઓ સુધી યુરોપિયન યુનિયનમાંથી યુકે બહાર નીકળે તેની હિમાયત કરી છે.
વડા પ્રધાનનું ઉપેક્ષિત નગરો માટે ખર્ચપેકેજ
બોરિસ જ્હોન્સને દેશના ઉપેક્ષિત નગરો માટે લાખો પાઉન્ડનું ખર્ચપેકેજ જાહેર કર્યું છે, જે મોટાભાગના દૂરસુદૂરના મતક્ષેત્રો પાછળ વપરાશે. હાઈ સ્ટ્રીટ્સની ખરાબ હાલત, બંધ પડી ગયેલી પબ્સ અને પોસ્ટ ઓફિસો, રેલવેલાઈનોનાં પુનઃસ્થાપન પર ધ્યાન આપતા વડા પ્રધાને કહ્યું છે કે નવું પેકેજ જુલાઈમાં જાહેર કરાયેલા ૩.૬ બિલિયન પાઉન્ડના ટાઉન્સ ફંડ ઉપરાંતનું હશે. બ્લેકપૂલ નજીકના ક્લીવલીઝ તેમજ વોલસાલ નોર્થમાં વિલેનહોલ ટાઉનનો સમાવેશ નવા પેકેજ માટે કરાશે જ્યાં ટોરી પાર્ટી તેના ટુંકા વિજયને મજબૂત બનાવવા માગે છે. આ ઉપરાંત, એશિંગ્ટન, સીટ ડેલવાલ, બ્લીથ, ડાર્લાસ્ટોન, સ્કેલમેર્સડેલ, ફ્લીટવૂડ સહિતના નાના નગરોમાં સુવિધાઓ વધારવા ખર્ચા વધારવામાં આવશે.
તમામ ઘરને મફત બ્રોડબેન્ડઃ લેબરનું વચન
લેબર પાર્ટીએ બ્રિટિશ ટેલિકોમનું અંશતઃ રાષ્ટ્રીયકરણ કરીને દેશના તમામ ઘર અને બિઝનેસીસને મફત ‘ફૂલ-ફાઈબર’ બ્રોડબેન્ડ સુવિધા આપવાની ખાતરી ઉચ્ચારી છે. જેરેમી કોર્બીને નવી બ્રિટિશ બ્રોડબેન્ડ પબ્લિક સર્વિસની રચના કરવાનું કહ્યું છે. આ યોજના બ્રોડબેન્ડ સર્વિસીસની જોગવાઈમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે તેમ લેબરનેતા કહે છે. હાલ આ સેવા કંપનીઓ દ્વારા આપવામાં આવે છે જેના માટે પ્રત્યેક ઘર પાસે સરેરાશ માસિક ૩૦ પાઉન્ડનો ચાર્જ લેવાય છે. લેબર પાર્ટી જાહેર ક્ષેત્રના સંપૂર્ણ રૂપાંતરની તેની યોજનાના ભાગરુપે એનર્જી યુટિલિટીઝ, વોટર કંપનીઓ, પોસ્ટલ સેવાઓ અને રેલ્વેઝનું રાષ્ટ્રીયકરણ કરવા માગે છે. મતદારોને આવી આકર્ષક કન્ઝ્યુમર ઓફર કરીને તેઓ ટોરી પાર્ટી સાથે લોકપ્રિયતાની ખાઈને ઘટાડવા માગે છે.
લિબ ડેમ્સ વર્ષે ૬૦ મિલિયન વૃક્ષ વાવશે
લિબરલ ડેમોક્રેટ્સે પર્યાવરણને તેમના ચૂંટણી અભિયાનના કેન્દ્રમાં મૂક્યું છે. લિબ ડેમ નેતા જો સ્વિન્સને જો તેઓ ચૂંટણીમાં જીતે તો વર્ષે ૬૦ મિલિયન વૃક્ષ વાવવાનું વચન આપ્યું છે. તેમણે પાર્ટીના અભિયાનને યુકેના ઈતિહાસમાં સૌથી વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમ તરીકે ગણાવ્યું છે. કન્ઝર્વેટિવ્ઝે દર વર્ષે ૩૦ મિલિયન વૃક્ષ રોપવાનું પ્રોમિસ આપ્યું છે તેની સામે લિબ ડેમ્સ આ ઉત્તર વાળી રહ્યા છે. બોરિસ જ્હોન્સને ૬૪૦ મિલિયન પાઉન્ડના નેચર ફોર ક્લાઈમેટ ફંડની જાહેરાત કરી છે જેનાથી ઈંગ્લેન્ડમાં વૃક્ષોની રોપણી વધશે. સરકાર દર વર્ષે ૩૦,૦૦૦ હેક્ટરના દરે વૃક્ષારોપણ કરવા માગે છે જે ૩૦ મિલિયન વૃક્ષનો વધારો કરશે. જો સ્વિન્સને ૪૦,૦૦૦ હેક્ટરના દરે વૃક્ષારોપણ કરવાનો દાવો મૂક્યો છે.