નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણય પર ભારતની સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી છે. સુપ્રીમ કોર્ટે અબજો ડોલરના કોર્પોરેટ જૂથ ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની તરફેણમાં ચુકાદો આપતાં ટાટા ગ્રૂપના માઇનોરિટી શેર હોલ્ડર શાપૂરજી પેલોનજી ગ્રૂપના સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન નિયુક્ત કરવાના નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી)ના ચુકાદાને રદ કરી નાખ્યો છે.
ટાટા ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેની નિયુક્તિને યોગ્ય ઠેરવતા એનસીએલએટીના ચુકાદાને પડકારતી ટાટા સન્સ વિરુદ્ધ સાયરસ ઇન્વેસ્ટમેન્ટની અપીલો પર ૨૬ માર્ચે ચુકાદો આપતાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના નેતૃત્વ હેઠળની ત્રણ જજની બેન્ચે જણાવ્યું હતું કે, અમે ટાટા ગ્રૂપ દ્વારા દાખલ કરાયેલી અપીલને મંજૂરી રાખીએ છીએ. આ વિવાદમાં ઉઠાવવામાં આવેલો દરેક કાયદાકીય સવાલ ટાટા સન્સની તરફેણ કરે છે. ચીફ જસ્ટિસ બોબડેએ જણાવ્યું હતું કે, સાયરસ મિસ્ત્રી વિરુદ્ધ ટાટા સન્સ દ્વારા દાખલ કરાયેલી તમામ અરજીઓને મંજૂરી રાખવામાં આવે છે.
યોગ્ય વળતરની અરજી પણ નકારી
સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની સાથે સાથે જ ટાટા સન્સમાં પોતાના હિસ્સાના શેરોનું યોગ્ય વળતર અપાવવાની માગ કરતી શાપૂરજી પેલોનજી ગ્રૂપની અરજી પણ નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, શાપૂરજી પેલોનજી ગ્રૂપને ન્યાયી વળતર અપાવવાના મામલે સુપ્રીમ કોર્ટ નિર્ણય લઈ શકે નહીં. ગ્રૂપની હિસ્સેદારીના શેરનું મૂલ્ય ટાટા સન્સના શેરોના મૂલ્યો પર આધારિત રહેશે અને સુપ્રીમ કોર્ટ આ શેરોની યોગ્ય કિંમત નક્કી કરી શકે નહીં. ટાટા સન્સ અને શાપૂરજી પેલોનજીએ આ માટે કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ.
બંને પક્ષ સાથે મળી વિવાદ ઉકેલે...
શાપુરજી પેલોનજી જૂથ ટાટા સન્સમાં ૧૮.૩૭ ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય રૂ. ૧.૭૫ લાખ કરોડ બતાવાયું હતું. સુપ્રીમ કોર્ટમાં ટાટા સન્સની દલીલ હતી કે તેનું મૂલ્ય આશરે રૂ. ૭૦-૮૦ હજાર કરોડ વચ્ચે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જૂથના શેરોનું મૂલ્યાંકન, સ્થાવર મિલકતો વગેરે પર નિર્ભર કરે છે. તેનું યોગ્ય મૂલ્યાંકન કોર્ટ ના કરી શકે. બંને પક્ષ પરસ્પર મળીને તેનો ઉકેલ લાવે.
નૈતિકતા - મૂલ્યોને માન્યતા: રતન ટાટા
સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ટાટા જૂથની નૈતિકતા અને મૂલ્યોને માન્યતા અપાઈ છે. આ કોઈ હાર-જીતનો મામલો નથી. ટાટા જૂથના નૈતિક વ્યવહાર અને મારી પ્રતિષ્ઠા પર સતત થઈ રહેલા હુમલા બાદ સુપ્રીમ કોર્ટે તમામ અપીલો માન્ય રાખીને ટાટા સન્સની નૈતિકતા પર મહોર મારી છે, જે હંમેશાં ટાટા જૂથનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. આપણા ન્યાયતંત્રે સચોટ ન્યાય કર્યો છે.
શું હતો મામલો? અને હવે શું?
વર્ષ ૨૦૧૨માં ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન પદે શાપૂરજી પેલોનજી ગ્રૂપના સાયરસ મિસ્ત્રીને નિયુક્ત કરાયા હતા. ઓક્ટોબર ૨૦૧૬માં ટાટા સન્સની બોર્ડ મિટિંગમાં સાયરસ મિસ્ત્રીને ગ્રૂપના ચેરમેનપદેથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો. શાપૂરજી પેલોનજી ગ્રૂપ ટાટા સન્સમાંથી વિદાય લેવા તૈયાર છે, પરંતુ તેને પોતાની હિસ્સેદારી માટે યોગ્ય મૂલ્ય જોઈએ છે. ટાટા સન્સ મિસ્ત્રી પરિવારને તેના હિસ્સા માટે રૂપિયા ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ કરોડ ચૂકવવા તૈયાર છે. જોકે મિસ્ત્રી પરિવાર રૂપિયા ૧.૭૫ લાખ કરોડની માગ કરી રહ્યો છે. તેથી બંને બિઝનેસ પરિવારો વચ્ચે જંગ ચાલુ રહેશે એમ મનાય છે.
સાયરસ મિસ્ત્રીને શા માટે દૂર કરાયા હતાં?
• વર્ષ ૨૦૧૬માં રતન ટાટા અને કંપનીના બોર્ડે દુર્વ્યવહારનો આરોપ મૂકી સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવી દીધા હતાં. મિસ્ત્રીને ટાટા જૂથની અન્ય ૬ કંપનીઓના બોર્ડમાંથી પણ રાજીનામું આપવા જણાવવામાં આવ્યું હતું. • ટાટા જૂથે જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીને એટલા માટે દૂર કરવામાં આવ્યા છે કારણ કે બોર્ડે તેમના પ્રત્યે વિશ્વાસ ગુમાવી દીધો હતો. • જૂથે આરોપ મૂક્યો હતો કે મિસ્ત્રીએ જાણી જોઈને અને કંપનીને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી સંવેદનશીલ માહિતી લીક કરી હતી. જેના કારણે ગ્રૂપની માર્કેટ વેલ્યુને મોટું નુકસાન થયું હતું. • મિસ્ત્રીને ઓક્ટોબર ૨૦૧૬માં ટાટા સન્સના ચેરમેનપદેથી દૂર કરવામાં આવ્યા હતાં. તેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતાં. રતન ટાટાની નિવૃત્તિની જાહેરાત પછી મિસ્ત્રી ૨૦૧૨માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતાં. • ઉલ્લેખનીય છે કે મિસ્ત્રી શાપુરજી પેલોનજી પરિવારના સભ્ય છે અને આ પરિવાર પાસે ટાટા સન્સના ૧૮.૪ ટકા શેર છે.
ટાટા વિ. મિસ્ત્રી પરિવારનો કાનૂની જંગ
• ૨૪ ઓક્ટોબર ૨૦૧૬: સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન જાહેર કરાયા.
• ૨૦ ડિસેમ્બર ૨૦૧૬: મિસ્ત્રી પરિવારે માઇનોરિટી શેર હોલ્ડરોને હેરાન કરાતા હોવાનો આરોપ મૂક્યો.
• ૧૨ જાન્યુઆરી ૨૦૧૭: ટાટા સન્સે એન. ચંદ્રશેખરનને ગ્રૂપના ચેરમેન જાહેર કર્યાં.
• ૨૭ માર્ચ ૨૦૧૭: શાપૂરજી પેલોનજી ગ્રૂપની કંપનીઓએ એનસીએલએટીમાં ધા નાખી.
• ૧૮ ડિસેમ્બર ૨૦૧૯: એનસીએલએટીએ સાયરસ મિસ્ત્રીને ચેરમેનપદે નિયુક્ત કરવાનો આદેશ આપ્યો.
• ૨ જાન્યુઆરી ૨૦૨૦: ટાટા સન્સે એનસીએલએટીના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો.
• ૧૦ જાન્યુઆરી ૨૦૨૦: સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ચુકાદા પર મનાઈ હુકમ ફરમાવ્યો.
• ૧૭ ડિસેમ્બર ૨૦૨૦: સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો.