સાવધાન ગુજરાત! આઇએસના યુવકોની પ્રવૃત્તિ આતંકી ષડયંત્રનો હિસ્સો છે

વિષ્ણુ પંડ્યા Wednesday 01st March 2017 08:43 EST
 
 

રાજકોટમાં પકડાયેલા બે યુવકો આઇએસ (ઇસ્લામિક સ્ટેટ)ના સભ્યો હતા તે પકડાઈ ગયા છે, પણ આ તો હીમશિલાનો એક જ ભાગ છે. ગુજરાતમાં વર્ષોથી અલગ અલગ રીતે દેશદ્રોહી પ્રવૃત્તિ ચાલી રહી છે તેનો આ એક ભાગ છે. દક્ષિણ ગુજરાતમાં આતંકવાદી - અલગાવવાદીઓની અવરજવરના અને કાશ્મીર-મુંબઈ સહિત અન્યત્ર પકડાયેલાઓના તાણાવાણા આ વિસ્તારની સાથે રહ્યા છે. મદરેસાના નામે અહીં આતંકવાદી પ્રવૃત્તિ થઈ રહી છે તેના સગડ છેક દિલ્હીના ગુપ્તચર તંત્ર પાસે છે. 

અગાઉ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે આરડીએક્સ જેવા વિસ્ફોટક પદાર્થોની હેરાફેરી માટે નામચીન દાણચોર ઝડપાયો તે એક રાજકીય પક્ષનો મોટો ટેકેદાર હતો. સુરત નજીકનાં કીમમાં કેટલાંક દેશદ્રોહી તત્વો કામ કરતા હોવાની બાતમી પરથી થોડાંક વર્ષો પહેલાં ગુપ્તચર તંત્રે દરોડો પાડ્યો હતો. કરાચીથી મુંબઈ સુધીની દરિયાઈ ખેપ પછી મુંબઈ ભડકે બળ્યું હતું એ ઘટના જાણીતી છે.

બે સંવેદનશીલ વિસ્તારો

ગુજરાતના બે સંવેદનશીલ જિલ્લાઓમાં કચ્છ અને જામનગરનો સમાવેશ થાય છે ૧૯૬૫નાં યુદ્ધ દરમિયાન આ બન્ને વિસ્તારોમાં પાકિસ્તાની વિમાનોએ હુમલા કરીને બોંબ ફેંક્યા હતા તેમાં દ્વારિકાધીશ મંદિર માંડ બચી ગયું હતું. આ જિલ્લાના સમુદ્રની વચ્ચે એવા કેટલાક નિર્જન બેટ આવેલા છે જેનો ઉપયોગ દાણચોરી અને દેશદ્રોહી પ્રવૃત્તિમાં થતો રહ્યો છે.
કચ્છમાં સીરક્રિક અને ભારત-પાક વચ્ચેનો વિવાદાસ્પદ મુદ્દો બનાવી દેવાયો છે. કચ્છ-પાકિસ્તાન સરહદે એક ‘હરામી નાળું’ આવ્યું છે તે પાકિસ્તાનથી થતી ઘૂસણખોરી માટે જગજાણીતું છે. આ વિસ્તારમાં ચાલતી દેશવિરોધી પ્રવૃત્તિ અને ગેરકાયદે નાગરિકતા મેળવનારાં તત્વોની સામે તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માએ સખત હાથે સફળતાપૂર્વક કામગીરી કરી હતી તેને કચ્છના નાગરિકો હજુ પણ યાદ કરે છે. 
૧૯૮૫માં ગુજરાત બિરાદરીએ રચેલી સરહદી અભ્યાસ સમિતિ - જેના પ્રમુખ પૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ જ. પટેલ અને સંયોજક વિષ્ણુ પંડ્યા હતા - એ ગુજરાતની સરહદોનો વિગતે અભ્યાસ કરીને અહેવાલ આપ્યો હતો. ‘સીમા પર સાવધાન!’ શીર્ષકે આ અહેવાલમાં સરહદ પરની આવનજાવન, ઘૂસણખોરી, દાણચોરી, નશીલાં દ્રવ્યો અને હથિયારોનો વેપાર વગેરે બાબતો સીલસીલાબંધ અપાઈ હતી, તેની અસરરૂપે કેન્દ્રની તત્કાલીન સરકારના ગૃહ પ્રધાન અરુણ નેહરુ કચ્છ દોડી આવ્યા હતા અને પગલાં લેવાની તાકીદે વ્યવસ્થા કરી હતી

આતંકવાદ વાયા પાકિસ્તાન

કચ્છ - બનાસકાંઠા ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે સંવેદનશીલ બની રહ્યા હતા. બનાસકાંઠાની સરહદે આવેલા પાકિસ્તાની વિસ્તાર થરપારકર અને તેના મુખ્ય મથક નગર પારકરથી હજારોની સંખ્યામાં દલિત હિન્દુ તેમજ સોઢા રાજપૂતો હિજરત કરીને ભારતમાં આવી ગયા હતા. ભારતીય સેનાએ છેક નગરપારકર સુધી વિજયનો ધ્વજ ફરકાવ્યો હતો. પરંતુ ભારત-પાકિસ્તાન મંત્રણા પછી આ જીતેલો મુલક પાકિસ્તાનને પાછો સોંપી દેવાયો ત્યારે ‘સૂઈગામ-સત્યાગ્રહ’ તરીકે જાણીતો સત્યાગ્રહ ડો. ભાઈ મહાવીરનાં નેતૃત્વમાં થયો તેમાં તે સમયના વિપક્ષી જનસંઘ નેતા કેશુભાઈ પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા અને નડા બેટ થઈને ભર ઉનાળે પગમાં લોહીના રેલા સાથે નગરપારકર પહોંચ્યા હતા. 

૧૯૬૮માં કચ્છના છાડબેટને પાકિસ્તાનમાં સોંપી દેવા સામે ‘કચ્છ સત્યાગ્રહ’ એક મહિનો ચાલ્યો તેમાં કચ્છના રાજવી, અટલ બિહારી વાજપેયી, રાજમાતા વિજયારાજે, જ્યોર્જ ફર્નાન્ડિઝ, મધુ લિમયે, બેરિસ્ટર નાથપાઈ જેવા ધૂરંધર નેતાઓ સત્યાગ્રહી બનીને ભૂજની જેલમાં મહેમાન બન્યા હતા

યુવતીઓ પણ સામેલ? 

પાકિસ્તાનનો ગુજરાત પર કાયમ ડોળો રહ્યો છે. પકડાયેલા આઇએસના યુવકો રાજકોટના છે, તેમની સંદેશાભૂમિ સિરિયા હતી, પણ પાકિસ્તાન સાથેના તેમના સંબંધોની પૂછપરછ થઈ રહી છે. આ વસીમ-નઈમનો ઇરાદો અમદાવાદ-રાજકોટ વચ્ચે આવેલા જાણીતા તીર્થધામ ચોટિલામાં હુમલો કરવાનો હતો. નઈમ ભાવનગરથી અને વસીમ રાજકોટથી આ ઓપરેશન કરી રહ્યો હતો તેમાં કેટલીક યુવતીઓ પણ સામેલ હોવાની આશંકા છે. તે બધા ‘ટાઇમર બોંબ’ની ટેક્નોલોજીના જાણકાર હતા. વસીમની પત્ની શાહઝીને તો ‘આ કામ માટે ‘આકા’ઓનો આદેશ છે.’ એવું જણાવ્યું હતું એટલે આ ‘આકા’ઓના કેટલાક ગુજરાતમાં પણ છૂપાયેલા હોવાની સામાન્ય શંકા નાગરિકોમાં વ્યાપી છે.

આ અગાઉ સોમનાથ - દ્વારિકાધીશ પર હુમલાઓની દહેશત પેદા થઈ ત્યારે ચાંપતો બંદોબસ્ત થયો હતો. અક્ષરધામ પરનો હુમલો તેવી કડીનો પહેલો હિસ્સો હતો. આ હકીકતોથી એટલું નક્કી થાય છે કે આઇએસઆઇએસની જાળ ભારતમાં પણ વ્યાપક સક્રિય છે તેમાં ગુજરાતનો ઉમેરો થયો છે. સુરક્ષા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આઇએસઆઇએસનું કામ લાંબા સમયથી થતું રહ્યું હોવું જોઈએ. સરહદી રાજ્ય તરીકે આ ઘટનાઓથી તેમાં વધુ તકેદારીનો પડકાર સાબિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter