નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શનનો મુદ્દો યુએન સુધી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી વાતચીત કરી હતી. લગભગ ૩૦ મિનિટ ચાલેલી આ વાતચીત દરમ્યાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આ વિસ્તારમાં તણાવ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે ક્ષેત્રીય શાંતિ ઉપરાંત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
મોદી - ટ્રમ્પ વચ્ચે ચર્ચા
મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, કેટલાક નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધ ભડકાવનારાં નિવેદનો ક્ષેત્રીય શાંતિ માટે લાભકારક નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત વખતે નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને હિંસામુક્ત વાતાવરણના નિર્માણ પર જોર આપ્યું હતું અને કહ્યું હતું કે આવા વાતાવરણમાં સીમાપારથી આવતા આતંકવાદને કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. ટ્રમ્પ સાથેની વાતચીતમાં અફઘાનિસ્તાનની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરાં થવાનો મુદ્દો પણ આવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે ભારત સંગઠિત, સુરક્ષિત, લોકતાંત્રિક અને સાચા અર્થમાં સ્વતંત્ર અફઘાનિસ્તાન માટે હંમેશાં પ્રતિબદ્ધ રહ્યું છે અને આગળ પણ રહેશે.
ભારત સરકારના એક અધિકારીએ કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં વાતચીત થઈ હતી. મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતથી પાકિસ્તાન ફફડ્યું હોવાના અહેવાલ છે.
યુએનમાં પણ પરિણામ શૂન્ય
વર્ષ ૧૯૭૧ બાદ પહેલી વખત કાશ્મીર મુદ્દે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ચર્ચા થઇ હતી. જોકે યુએનએસસીએ ચર્ચાના અંતે કોઇ જ નિવેદન નહોતું જારી કર્યું અને આ મુદ્દે ભારતનું દબાણ વધતા મૌન રહેવું પડયું હતું. માત્ર ચીને જ અવળચંડાઇ કરીને હતી યુએનએસસીમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપ્યો હતો જ્યારે રશિયાએ ખુલ્લેઆમ ભારતને સાથ આપીને મિત્રતા નિભાવી હતી. પાકિસ્તાનને આશા હતી કે આ બેઠક યોજ્યા બાદ નિવેદન જારી કરીને ભારતની ટીકા કરશે જોકે આવું કઇ જ નહોતું થયું.
આ બેઠક યોજાઇ તે બાદ ભારતે યુએનએસસીમાં સ્પષ્ટતા કરી દીધી હતી અને કહ્યું હતું કે કાશ્મીર ભારતનો જ ભાગ છે અને તેથી તેમાં અન્ય કોઇ પણ દેશ કે સંગઠન દરમિયાનગીરી ન કરી શકે. આ ઉપરાંત કાશ્મીરમાંથી ૩૭૦ કેમ નાબૂદ કરવામાં આવી તેની પણ સ્પષ્ટતા કરી દીધી હતી.
યુએનએસસીના ૧૪ દેશોનો ભારતને સાથ
પાકિસ્તાને કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા સહિતના અનેક દેશો સમક્ષ ખુદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રોદણા રોવાનું શરૂ કરી દીધું હતું. જોકે કોઇ એ સાંભળવા માટે તૈયાર જ નહોતું. આ સ્થિતિ વચ્ચે ચીને અવળચંડાઇ કરી હતી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મામલો ઉઠાવ્યો હતો. આ બેઠકમાં પરિષદ સાથે જોડાયેલા ૧૫ દેશો સામેલ થયા હતા. તેમાંથી માત્ર ચીને જ પાકિસ્તાનને સાથ આપ્યો હતો જ્યારે બાકીના અન્ય ૧૪ દેશો ભારતની સાથે રહ્યા હતા.
કાશ્મીરના હિતમાં ૩૭૦ નાબૂદ કરીઃ ભારત
આર્ટિકલ ૩૭૦ નાબૂદ થયા બાદ પહેલી વખત યુએનમાં આ મુદ્દો ઊઠયો છે. ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા પાંચેય દેશોની સુરક્ષા પરિષદે આ મુદ્દે કોઇ પણ અધિકાર ન હોવા છતાં બેઠક યોજી હતી. આ બેઠકમાં પાકિસ્તાન કે ભારત સભ્ય ન હોવાથી સામેલ નહોતા થઇ શક્યા.પાકિસ્તાનને ખુલ્લા મંચ પર ફટકાર લગાવતા અકબરૂદ્દીને કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદનો વધારો કરી રહ્યું છે તે જેહાદની વાત કરીને હિંસા ફેલાવી રહ્યું છે. અમે અમારી નીતિ પર અગાઉની જેમ જ મક્કમ છીએ. કોઇ પણ સંજોગોમાં હિંસાને અમે સ્વીકારી નહીં લઇએ અને હિંસાનો રસ્તો પણ નહીં અપનાવીએ.
ઇમરાન ખાનને ફડકોઃ મોદી સરકારની નજર પીઓકે પર
પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસે પણ વડા પ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ની વિધાનસભામાં પહોંચ્યા હતા. ગૃહને સંબોધતાં ઇમરાન ખાને કહ્યું હતું કે, કાશ્મીરને મુદ્દે વડા પ્રધાન મોદી અને ભાજપની હકીકતને મેં વિશ્વ સમક્ષ મૂકી છે. તેઓ માત્ર કાશ્મીર સુધી અટકવાના નથી. મને અહેવાલ મળ્યા છે કે તેઓ પીઓકેમાં પણ આવી શકે છે. તેઓ પીઓકેમાં સૈન્ય પગલાં લેવાની તૈયારી કરી રહ્યાં છે. આપણી સેના તૈયાર છે અને કાંઈ પણ ઘટશે તો જવાબ આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાશે તો વિશ્વ તેને માટે જવાબદાર રહેશે, સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે. પીઓકેના મુઝફ્ફરાબાદ ખાતે આપેલા પ્રવચનનું ટીવી પર લાઇવ પ્રસારણ પણ કરાયું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે વડા પ્રધાન મોદીએ વ્યૂહાત્મક ભૂલ કરી છે.
પાક. સાથે હવે પીઓકે મુદ્દે જ વાત: રાજનાથ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવ્યા પછી કાશ્મીર મુદ્દો હાથમાંથી સરકી જવાને કારણે પાકિસ્તાન આઘાતમાં સરી પડયું છે. હવે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે પાકિસ્તાનને વહેલામાં વહેલી તકે પીઓકે મુદ્દે ઘેરવામાં આવશે. હવે પાકિસ્તાન સાથે જે કોઈ વાતચીત કરાશે તે ફક્ત પીઓકે મુદ્દે જ કરાશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગાઉ ૧૮મીએ પાકિસ્તાનને તેની ભાષામાં જ ચેતવણી આપી હતી કે હવે જે કોઈ વાતચીત થશે તે ફક્ત પીઓકે મુદ્દે જ થશે. જ્યાં સુધી કાશ્મીરમાં આતંકનો સફાયો કરવામાં નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટ કરાશે નહીં.
ફર્સ્ટ યૂઝ પોલિસીમાં ફેરફારની વાતથી પાક. ડર્યું
પાક. વડા પ્રધાન ઇમરાન ખાને ભારતના પરમાણુ શસ્ત્રની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં ફરી વખત આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી હતી. ઇમરાન ખાને સતત કેટલીય ટ્વિટ કરી અને ભારતના પરમાણુ શસ્ત્ર અંગે પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. ઇમરાન ખાને લખ્યું હતું કે, ભારતના પરમાણુ હથિયારનું નિયંત્રણ ફાસીવાદી મોદી સરકારના હાથમાં છે. આ એક એવો મુદ્દો છે, જેનાથી ફક્ત ક્ષેત્રમાં જ નહીં પણ આખી દુનિયા પર તેની અસર થશે. ઇમરાન ખાનનું નિવેદન રક્ષા પ્રધાન રાજનાથ સિંહના પહેલા પરમાણુ હુમલો નહીં કરવાની નીતિમાં પરિસ્થિતિ મુજબ ફેરફાર કરવાની જાહેરાત બાદ આવ્યું છે.
પાકે. લશ્કરી વડાનો કાર્યકાળ વધાર્યો
જમ્મુ અને કાશ્મીરને લઈને ભારત સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ પાકિસ્તાન ટેન્શનમાં છે અને તેને તેના કબજા હેઠળનું કાશ્મીર પણ ભારતના કબજામાં જતું રહેશે એવી ચિંતા સતાવી રહી છે એથી વડા પ્રધાન ઈમરાન ખાને તેમના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે વધારી દીધો છે. ૫૮ વર્ષના કમર બાજવા આ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થવાના હતા.