સુએઝ કેનાલમાં એક સપ્તાહથી ફસાયેલા મહાકાય જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં સફળતા મળતાં જ ઐતિહાસિક કેનાલમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે. એક સપ્તાહથી દિવસ-રાત મથી રહેલા નિષ્ણાતોની મહેનત સોમવારે લેખે લાગી હતી. ટગ બોટ્સ અને ડ્રેઝરની મદદથી ૪૦૦ મીટર યાને કે ૧૩૦૦ ફૂટ લાંબા જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુએઝ કેનાલનો માર્ગ દુનિયાનો એક વ્યસ્ત અને મહત્ત્વનો દરિયાઈ વેપારી માર્ગ છે.
ઇજિપ્તના અધિકારીઓનું કહેવું છે કે કેનાલમાં ફસાયેલું ‘એવર ગિવન’ તો નીકળી ગયું છે, પરંતુ આના કારણે વિશાળકાય કાર્ગો શિપનો જે ટ્રાફિક જામ સર્જાયો છે તેને ક્લિયર થતાં ચારથી પાંચ દિવસનો સમય લાગી શકે છે. આ દર્શાવે છે કે અહીં કેટલી મોટી સંખ્યામાં જહાજો ટ્રાફિક જામમાં અટવાયા છે.
બીજી તરફ, નિષ્ણાતોનું માનવું છે કે કેનાલમાં સર્જાયેલી ટ્રાફિક જામની સમસ્યાથી વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ પર પડેલી અસર મહિનાઓ સુધી રહેશે. નિષ્ણાતોનું આ તારણ દર્શાવે છે દરિયાઇ માર્ગે થતા માલપરિવહનમાં સુએઝ કેનાલનું કેટલું મહત્ત્વ છે.
જગવિખ્યાત શિપિંગ ગ્રૂપ મર્સ્કનું કહેવું છે કે, ‘સ્પષ્ટ છે કે આની તપાસ થશે કારણ કે આ ઘટનાની ખૂબ વ્યાપક અસર થઈ છે. અમને લાગે છે કે ત્યાં ખરેખર થયું શું હતું એના પર લાંબો સમય ચર્ચા થશે. ફરી આવું ન થાય તે માટે આપણે શું કરી શકીએ એ પણ તંત્રે જોવું પડશે. જહાજો કોઈ અવરોધ વગર સુએઝ કેનાલમાંથી પસાર થતાં રહે એ એમના પણ હિતમાં છે.’
જહાજને કેવી રીતે કાઢવામાં આવ્યું?
‘એવર ગિવન’ જહાજને કાઢવામાં આવ્યા બાદ સુએઝ કેનાલ ઓથોરિટીના ચીફ ઓસામા રબીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગયા મંગળવાર - ૨૩ માર્ચે સવારે તેજ હવા અને રેતીના તોફાન વચ્ચે ફસાયેલા બે લાખ ટન વજનના મહાકાય જહાજને કાઢવાનું કામ બચાવ ટીમો માટે ખરા અર્થમાં ખૂબ જ પડકારજનક હતું. આવા જહાજોને કાઢવા માટે ખાસ રચાયેલી ટીમ એસએમઆઈટીએ સૌથી પહેલા તો ૧૩ ટગ બોટની વ્યવસ્થા કરી. ટગ બોટ એક નાની, પરંતુ ખૂબ શક્તિશાળી નાવ હોય છે જે મોટાં જહાજોને ખેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.
આ પછી ડ્રેઝરને પણ ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતાં. ડ્રેઝરોએ જહાજના આગળના ભાગ નીચેથી ૩૦ હજાર ક્યૂબિક મીટર માટી અને રેત ખોદીને બહાર કાઢી જહાજની મૂવમેન્ટ સરળ બનાવવા પ્રયાસ કર્યો હતો. આમ છતાં ફસાયેલું જહાજ ટસથી મસ થતું નહોતું. આમને આમ અઠવાડિયું વીતી ગયું. એક તબક્કે એવો પણ વિચાર કરવામાં આવ્યો કે જહાજનો ભાર હળવો કરવા માટે અમુક સામાન ઉતારી લેવો જોઈએ. પરંતુ આમાં મુશ્કેલી એ હતી કે આશરે ૧૮,૦૦૦ હેવી લોડેડ કન્ટેનર ઉતારવા પડે તેમ હતું. જોકે, સોમવારે ભરતી વેળા દરિયામાં ઉઠેલી ઊંચી લહેરો ટગબોટ અને ડ્રેઝર માટે બહુ ઉપયોગી સાબિત થઇ અને સોમવારે સવારે સ્ટર્ન (જહાજનો પાછળનો ભાગ) કાઢવામાં આવ્યો. પછી ત્રાંસાં ફસાયેલાં આ જહાજને સીધું કરવાની કવાયત શરૂ થઈ. આના કેટલાક કલાકો પછી જહાજનો આગળનો હિસ્સો પણ મુક્ત થયો અને ‘એવર ગિવન’ ફરી તરવા માટે સજ્જ થઇ ગયું. આ પછી જહાજને ખેંચીને ગ્રેટ બિટલ લેક લઈ જવામાં આવ્યું, જ્યાં તેની તપાસ થશે.
માનવીય ભૂલ જવાબદાર હોઈ શકેઃ ઓસામા રબી
ઇજિપ્તની સુએઝ કેનાલના વડા ઓસામા રબીએ જણાવ્યું હતું કે મહત્ત્વપૂર્ણ જળમાર્ગને અવરોધનાર કાર્ગો શિપની ઘટના પાછળ ટેકનિકલ અથવા માનવભૂલ જવાબદાર હોઈ શકે છે. ટૂંક સમયમાં આ જહાજને ઓફલોડ કરવામાં આવી શકે. આ કટોકટીના કારણે ગ્લોબલ સપ્લાય ચેઇનને ફટકો પડયો છે અને તેના કારણે કાર્ગો કંપનીઓએ રાહ જોવાના અથવા વહાણને લાંબા માર્ગ પર ફેરવીને લઇ જવાના મોંઘા વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની ફરજ પડી
રહી છે.
ચીનથી નેધરલેન્ડ જતું ‘એવર ગિવન’ કઇ રીતે ફસાયું?
ભૂમધ્ય સમુદ્રને રાતા સમુદ્ર સાથે જોડતી ૧૯૩.૩ કિલોમીટર લાંબી સુએઝ કેનાલમાં ચીનથી માલ લઈને નેધરલેન્ડ જઈ રહેલું પનામાનું કાર્ગો જહાજ ‘એવર ગિવન’ ફસાઈ જતાં કેનાલમાં ટ્રાફિકજામ થઈ ગયો છે. મંગળવારે સવારે સુએઝ પોર્ટથી ઉત્તરે બે લાખ મેટ્રિક ટન વજન, ૪૦૦ મીટરની લંબાઈ અને ૫૯ મીટરની પહોળાઈ ધરાવતા જહાજે વંટોળ અને ભારે પવનના કારણે જહાજે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ૨૦૫ મીટર સાંકડી કેનાલમાં ફસાઈ ગયું હતું. તજજ્ઞોનું માનવું હતું કે રવિવારે કે સોમવારે ભારે ભરતી આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડશે અને એવું જ બન્યું છે. સોમવારે ભારે ભરતીના કારણે હેવી મશીનરીનું કામ આસાન બન્યું હતું અને ફસાયેલું જહાજ બહાર કાઢી શકાયું હતું.
નિષ્ણાંતોનું કહેવું છે કે કેનાલમાં ટ્રાફિકજામ થતાં પ્રતિ કલાક ૪૦ કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. આ જહાજમાં ૨૫ ભારતીય ક્રૂ મેમ્બર્સ છે, જેઓ સુરક્ષિત છે.
૧૮૬૯માં જળમાર્ગ તરીકે ઉપયોગ શરૂ થયો
સુએઝ કેનાલ દુનિયાની સૌથી મોટી માનવસર્જિત કેનાલ છે. ૧૮૫૯માં આ કેનાલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને દસ વર્ષની મહેનત બાદ ૧૭ નવેમ્બર ૧૮૬૯માં જળમાર્ગ તરીકે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
આ કેનાલના બાંધકામ માટે શરૂઆતમાં ફ્રાન્સ દ્વારા મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રિટન દ્વારા તેના ઉપર પ્રભુત્વ મેળવવા માટે ૪૪ ટકા હિસ્સો ખરીદી લેવાયો હતો. તે ઉપરાંત આ પ્રદેશ માટે ભૂતકાળમાં ઘણા યુદ્ધ પણ ખેલાયા છે. ૧૯૭૫માં આ મુદ્દે ઇઝરાયેલ સાથે યુદ્ધ થતાં કેનાલને આઠ વર્ષ માટે બંધ કરી દેવાઈ હતી. શરૂઆતમાં કેનાલ ૨૬ ફૂટ ઊંડી અને ૭૨ ફૂટ પહોળી હતી. સમયાંતરે તેની ઊંડાઈ વધારવામાં આવી અને હવે તે દરિયાની સપાટી જેટલી જ ઉંડાઈ ધરાવે છે. તેના કારણે મોટા જહાજો પણ સરળતાથી આવનજાવન કરી શકે છે. વિશ્વનો ૧૨ ટકા વેપાર આ રસ્તે થતો હોવાથી આ વ્યૂહાત્મક જળમાર્ગ માટે વિશ્વની મહાસત્તાઓ વચ્ચે યુદ્ધો થઈ ચૂક્યાં છે.
યુરોપ અને ઇજિપ્ત માટે મહત્ત્વની છે કેનાલ
ઇજિપ્ત માટે આ જળમાર્ગ સોનાનું ઇંડુ આપતી મરઘી સમાન છે. આ જળમાર્ગ થકી દર વર્ષે ઇજિપ્તને ૬ બિલિયન ડોલરનો ટોલ ટેક્સ પ્રાપ્ત થયા છે. ૧૮૬૯માં શરૂ થયેલી આ કેનાલ ઇજિપ્ત માટે વિદેશી હૂંડિયામણ કમાવાનો ઉમદા માર્ગ છે.
સામાન્ય રીતે એશિયા સાથે વ્યાપાર કરવા માટે યુરોપમાંથી પહેલાં જે જહાજો આવતા હતા તે કેપ ઓફ ગુડ હોપના રસ્તે આવતા હતા. ત્યાંથી જ અંગ્રેજો ભારતમાં ઘૂસ્યા હતા. આ રસ્તો ૧૧,૩૦૦ માઈલનો છે. આ રસ્તે ભારત અને એશિયાના દેશોમાં આવવા માટે ૨૪ દિવસ જેટલો સમય લાગે છે. જોકે સુએઝ કેનાલ બન્યા બાદ આ અંતર ઘટીને ૬૩૦૦ માઈલ થઈ ગયું છે અને ૧૪ દિવસમાં પ્રવાસ પૂરો થઈ જાય છે. દર વખતે ૫૦૦૦ માઈલનો પ્રવાસ અને ઇંધણ આ રસ્તે બચી શકે તેમ છે. તેના કારણે મોટાપાયે આર્થિક લાભ પણ થાય છે.
કેનાલ માર્ગે દરરોજ ૧૨ ટકા જેટલો વૈશ્વિક વ્યાપાર
ટ્રાફિકજામને કારણે માલસામાનનું પરિવહન અવરોધાતાં વિશ્વના અનેક દેશોમાં સપ્લાય ચેઇન પ્રભાવિત થશે. આ કેનાલથી દરરોજ ૧૨ ટકા જેટલો વૈશ્વિક વ્યાપાર થાય છે અને તેમાંથી ૧૦ ટકા જેટલો તો ઓઈલ અને ગેસના શિપમેન્ટ જતા હોય છે. ટ્રાફિક ખૂલવામાં બે દિવસનો વિલંબ સર્જાય તો પણ બ્રિટન અને યૂરોપમાં સપ્લાય ચેઈનને ખોરવી શકે છે. મંગળવારે જહાજ ફસાયું તેના બીજા જ દિવસે તેલ અને રસાયણોના ટેન્કર્સ ધરાવતા ૧૮૫ જેટલા મોટા જહાજો કેનાલ પાર કરવા પ્રતીક્ષા કરી રહ્યા હતા. ક્રૂડ તેલના વધી રહેલા ભાવ વચ્ચે કેનાલમાં ટ્રાફિકજામને કારણે પુરવઠો ખોરવાતાં યુરોપની ચિંતા વધી હતી. બે દિવસથી ખોરવાયેલી સ્થિતિને પગલે ક્રૂડના ભાવમાં છ ટકાનો વધારો થઈ ગયો હતો. આ કેનાલ બ્લોક થવાનો અર્થ છે કે, દરરોજ ૫૦થી વધુ જહાજો બીજી તરફ જઈ શકશે નહીં અને દર કલાકે ૪૦ કરોડ ડોલરનું નુકસાન જશે.
રોજ ૯.૫ બિલિયન ડોલરના માલસામાનનું પરિવહન
સુએઝ કેનાલનું ભૌગોલિક સ્થાન અને મહત્ત્વને કારણે તેને ‘ચેક પોઇન્ટ’ ગણવામાં આવે છે, કેમ કે ત્યાં આવનજાવન અટકે તો પુરવઠો અટકી પડે. અમેરિકાની એનર્જી એજન્સી સુએઝ કેનાલને વિશ્વની ઊર્જા તથા બીજી જરૂરિયાતો માટે આવશ્યક માને છે. એક અંદાજ અનુસાર સુએઝ કેનાલમાંથી દર વર્ષે અંદાજે ૧૯ હજાર જહાજો પસાર થાય છે, જેના પર ૧૨૦ કરોડ ટન માલ લાદેલો હોય છે. લોઇડ્સ લિસ્ટના અનુમાન અનુસાર કેનાલમાંથી રોજ ૯.૫ બિલિયન ડોલરના મૂલ્યના માલસામાનની હેરફેર થાય છે. તેમાંથી પાંચ બિલિયન ડોલરનો માલસામાન પશ્ચિમ તરફ જતો હોય છે, જ્યારે ૪.૫ બિલિયન ડોલરનો માલસામાન પૂર્વ તરફ.
ભારતની આ માર્ગે ૨૦૦ બિલિયન ડોલરની આયાત-નિકાસ
આ દરિયાઈ માર્ગે ભારત દ્વારા દર વર્ષે ૨૦૦ બિલિયન ડોલરની ચીજોની આયાત નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપનાં દેશોમાંથી લાવવામાં આવતી અને લઈ જવામાં આવતી તમામ ચીજોનાં જહાજ સુએઝ કેનાલમાંથી જ પસાર થાય છે. ભારત માટે ક્રૂડ ઓઈલ તેમજ અન્ય ચીજવસ્તુઓ લઈને આવી રહેલા જહાજો હાલ ફસાઈ ગયા છે.
સુએઝ માર્ગે ભારતની નિકાસોમાં મુખ્યત્વે ઓઈલ, ટેક્સ્ટાઇલ, ફર્નિચર, કોટન, ઓટો પાર્ટ્સ અને મશીન પાર્ટ્સનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓની યુરોપ તેમજ અમેરિકા અને લેટિન અમેરિકામાં નિકાસ કરવામાં ૧૦-૧૫ દિવસનો વિલંબ થઈ શકે છે. જ્યારે સુએઝ માર્ગે ભારતમાં થતી આયાતોમાં ક્રૂડ ઓઈલ, સ્ટીલ અને કેટલીક કાચી સામગ્રી જેવી કે સ્ક્રેપ અને મશીન પાર્ટ્સ, ફેનોલ અને એનિલાઇન જેવા કેમિકલ્સની આયાતનો સમાવેશ થાય છે.
સરકારનાં વાણિજ્ય મંત્રાલય દ્વારા સંકટમાંથી બહાર આવવા ૪ મુદ્દાનો પ્લાન ઘડયો છે. જેમાં મહત્ત્વની અને જરૂરી ચીજોનાં જહાજો અને કાર્ગોને અન્ય રૂટ પરથી લાવવા પ્રાથમિકતા, ફ્રેઈટ રેટ, પોર્ટ્સને વહેલા ક્લિયરિંગ માટે સલાહ તેમજ જહાજોને અન્ય માર્ગેથી લાવવાનો સમાવેશ થાય છે. સ્પેશિયલ સેક્રેટરી લોજિસ્ટિક્સ પવન અગ્રવાલનાં વડપણ હેઠળ આ બેઠક યોજાઈ હતી.