સુકેશ ચંદ્રશેખર મહાઠગ છે તો જેકલિન ફર્નાન્ડિઝ પણ કંઇ મહામાયાથી કમ નથી!

Wednesday 04th May 2022 08:52 EDT
 
 

ભારત સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી એ સમાચારે ચર્ચા જગાવી છે. એક એક્ટ્રેસની સંપત્તિ ઈડી જપ્ત કરે એ રીતે તો આ સમાચાર રસપ્રદ છે જ પણ વધારે રસપ્રદ વાત જેકલિનનો પગ જે કારણસર કુંડાળામાં પડયો એ છે.
જેકલિન પર તવાઈ કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવાના કેસમાં તિહાર જેલની હવા ખાઈ રહેલા કર્ણાટક કા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના ગાઢ અંગત સંબંધોના કારણે આવી છે. જેકલિને મોંઘી ગિફ્ટ્સ મળ્યાનું કબૂલ્યું છે. જેકલિને સુકેશ પાસેથી મિનિ કૂપર કાર અને બ્રાન્ડેડ બેગ્સ સહિતની ગિફ્ટ્સ મળ્યાનું પણ સ્વીકાર્યું છે. સુકેશે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ તથા હેલિકોપ્ટર્સની વ્યવસ્થા કરેલી, પોતે તેની સાથે હોટલોમાં રોકાયેલી એ પણ કબૂલ્યું છે.
જેકલિનનો ખોખલો બચાવ
જેકલિન હજુય સુકેશ સાથે અંગત સંબંધો નહીં હોવાનું ગાણું ગાયા કરે છે પણ જેકલિન ઓછી માયા નથી. જેકલિન બહેરીનથી ભારત આવીને બોલીવુડમાં સફળ થઈ છે. જેકલિને બહુ ટૂંકા ગાળામાં બોલિવૂડના મોટાં બેનરોની ફિલ્મો અને મોટા સ્ટાર્સ સામે રોલ
મેળવીને પોતાનામાં ગમે તે રીતે કામ કઢાવવાની આવડત છે એ સાબિત કર્યું છે.
સુકેશ માત્ર 12 ધોરણ પાસ
સુકેશ મૂળ બેંગલુરૂનો છે ને બારમા ધોરણ સુધી જ ભણેલો છે. સુકેશે 17 વર્ષની ઉંમરે જ લોકોને ઠગવાનું શરૂ કરી દીધેલું. બેંગલોર ડેલવપમેન્ટ ઓથોરિટીનો અધિકારી બનીને એ ફોન પર લોકોને ડરાવીને પૈસા ખંખેરતો. 2007માં એ પકડાયો ત્યારે જ ઠગાઈની સદી પૂરી કરી ચૂકેલો. પૈસા વેરીને જામીન પર બહાર આવ્યા પછી સુકેશે મોડસ એપરેન્ડી બદલી.
સરકારી અધિકારી બનીને ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા લોકોને મદદ કરવાના બહાને ખંખેરવાનો ધંધો શરૂ કર્યો. આ દરમિયાન મોડલ લીનાના સંપર્કમાં આવ્યો. મદ્રાસ કાફે મૂવીમાં કામ કરી ચૂકેલી લીના પહેલાં સુકેશને બિઝનેસમેન માનતી પણ પછી અસલિયતની ખબર પડી. સુકેશે લીનાને પણ પોતાની પાર્ટનર બનાવી દીધી. લોકોને ધૂતવાનો નવો ધંધો શરૂ કર્યો ને તેમાંથી કરોડોની કમાણી કરી.
રૂ. 200 કરોડની છેતરપિંડી
સુકેશનો આ ધંધો ધમધોકાર ચાલતો હતો પણ ઉદ્યોગપતિ શિવિન્દર સિંહની પત્નિ અદિતી સિંહને ધૂતવામાં તેણે માઝા મૂકી દીધી તેમાં એ ફસાઈ ગયો. રેનબક્સી ફાર્માના ભૂતપૂર્વ માલિક શિવિન્દરની 2019માં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ પછી તેને બચાવવાના બહાને સુકેશે અદિતીનો સંપર્ક કર્યો હતો. સુકેશે ગૃહ મંત્રાલયના ટોચના અધિકારી તરીકેનો પરિચય આપીને શિવિન્દરને છોડાવવામા મદદની ખાતરી આપી હતી. ગૃહ મંત્રી અમિત શાહ સાથે યોગ્ય સમયે મુલાકાતની ખાતરી પણ સુકેશે આપેલી. આ રીતે તેણે 200 કરોડ રૂપિયા પડાવી લીધાં પછી અદિતીને પોતે છેતરાઈ હોવાની ખબર પડી. સુકેશ ઈડીના રડારમા હતો જ તેથી અદિતી સાથે વાત કરતો હોવાની ખબર પડતાં ઈડીના અધિકારીઓએ તેને ચેતવીને તેની સાથેની વાતચીત રેકોર્ડ કરી લેવા કહેલું. અદિતીએ વાતચીત રેકોર્ડ કરી ને પછી ફરિયાદ કરતાં સુકેશ પકડાયો.
સુકેશની માયાજાળની અનેક લપેટાયા
ઈડીની ચાર્જશીટ પ્રમાણે સુકેશે બોલીવુડની આઈટમ ગર્લ નોરા ફતેહીને પણ 1 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશે નોરાને બીએમડબલ્યુ કાર અને આઇફોન ગિફ્ટમાં આપ્યાં હતાં. ઈડીએ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના માયરા પોલ અને અન્ય છ સામે 200 કરોડના ખંડણીના કેસમાં 7 હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે તેમાં બીજા પણ ઘણા ધડાકા કરાયા છે.
જેકલિન-સુકેશ રિલેશનશીપમાં હતાં?
જેકલિન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખર પોતાના રિલેશન અંગે અલગ અલગ દાવા કરે છે. જેકલિનનો દાવો છે કે, સુકેશ સાથે પોતાને કોઈ સંબંધ નથી અને પોતે તો સુકેશની ઠગાઈનો ભોગ બનેલી છે. જ્યારે સુકેશે જેકલિન સાથે પોતાને સંબંધ હોવાનો દાવો કર્યો છે. જેલમાંથી લખેલા પત્રમાં સુકેશે દાવો કર્યો છે કે, જેકલિન મની લોન્ડરિંગમા સંડોવાયેલી નહોતી તેથી તેના વિશે ખરાબ વાતો કરવાનું બંધ કરો. જેકલિન ગમે તે કહેતી હોય પણ સુકેશ સાથેની તેની તસવીરો સુકેશની વાતને સાચી ઠેરવે છે. જેકલિન-સુકેશની એકબીજાને કિસ કરતાં હોય એવી તસવીરો વાઇરલ થઈ છે. બંને વચ્ચે અંગત સંબંધો ના હોય તો આ રીતે બંને એકબીજાને કિસ ના જ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter