સુનીતાની ઘરવાપસી હજુ બાકીઃ હવે 45 દિવસ ડોક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં

Wednesday 26th March 2025 05:06 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર લગભગ 9 મહિનાનો સમય પસાર કરીને ગયા બુધવારે પૃથ્વી પર સહીસલામત આવી ગયાં છે. જોકે આટલો સમય અંતરિક્ષમાં વજનરહિત સ્થિતિમાં ગાળ્યા પછી તેમણે પૃથ્વી પર એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે. આ દરમિયાન સુનીતા અને વિલ્મોરને 45 દિવસ સુધી ડોક્ટરોના ઓબ્ઝર્વેશનમાં રહેવું પડશે, આ સમયમાં તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ટેવાશે.

થાક નહીં, જુસ્સો દેખાયો

સ્પેસ સ્ટેશનમાં 286 દિવસ સુધી રહ્યા બાદ 59 વર્ષીય સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ બુધવારે સવારે 3.28 વાગ્યે પૃથ્વી પર પાછા ફર્યા. આ સાથે, 5 જૂન 2024ના રોજ પરીક્ષણ ઉડાન સાથે શરૂ થયેલા મિશનનો અંત આવ્યો. સુનિતા ડ્રેગન કેપ્સ્યૂલમાંથી હસતાં હસતાં બહાર આવ્યાં અને કાર્યક્ષમતા દર્શાવવા માટે હાથ હલાવ્યો. આટલા લાંબા મિશન પછી પણ તેમના ચહેરા પર થાક નહીં પરંતુ ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યા હતા.

પૃથ્વી પર પરત ફર્યા પછી તરત જ સુનીતા વિલિયમ્સને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યાં અને પ્રારંભિક તપાસ કરવામાં આવી. આ પછી તેમને એરલિફ્ટ કરીને પુનર્વસન માટે હ્યુસ્ટનના જ્હોન્સન સ્પેસ સેન્ટર મોકલવામાં આવ્યાં. અહીં તેઓ આગામી 45 દિવસ તાલીમ લેશે. આ પછી જ તેઓ તેમના પરિવારને મળી શકશે. ‘નાસા’એ કહ્યું કે તેમને પૃથ્વી પર સામાન્ય જીવનને અનુકૂળ થવામાં સમય લાગશે.

આ દરમિયાન, ભારતીય અંતરિક્ષ એજન્સી ‘ઇસરો’એ કહ્યું છે કે અમે સુનીતા વિલિયમ્સની અવકાશ સંશોધનમાં કુશળતા અને અનુભવનો લાભ લેવા માટે ઉત્સુક છીએ. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યું હતુંઃ ‘સ્વાગત છે!’ કૂ-9 મિશન પરના અવકાશયાત્રીઓએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે દૃઢતાનો ખરેખર અર્થ શું થાય છે.
અંતરિક્ષમાં રહેવાના કારણે અંતરિક્ષયાત્રીઓનાં હાડકાંની ઘનતાને અસર થાય છે તથા તેમની દૃષ્ટિ પણ કમજોર થઈ જતી હોય છે. આ ઉપરાંત માઇક્રોગ્રેવિટીના કારણે બીજી પણ અસરો થાય છે. આથી જ સુનીતા અને વિલ્મોરે પૃથ્વી પર ઉતરાણ કરતાંની સાથે જ તેમનો 45 દિવસનો વિશેષ રિહેબિલિટેશન પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે.
‘નાસા’ના સ્પેશિયલ પ્રોગ્રામમાં શું હોય છે?
‘નાસા’ના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલો આ રિહેબિલિટેશન પ્રોગ્રામ એસ્ટ્રોનોટ સ્ટ્રેન્થ, કન્ડિશનિંગ એન્ડ રિહેબિલિટેશન (એએસસીઆર) તરીકે ઓળખાય છે. તેમાં દરરોજ બે કલાકના સેશન હોય છે. તેમાં અંતરિક્ષયાત્રીની ગતિશીલતા, સ્નાયુઓની શક્તિ વગેરે પરત લાવવા પર ધ્યાન અપાય છે.
આ પ્રોગ્રામ ત્રણ તબક્કામાં હોય છે જેમાં લાંબા સમય સુધી વજનરહીત અવસ્થામાં રહેવાના કારણે થયેલી મનોવૈજ્ઞાનિક અસરોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હાડકાની ઘનતા ઘટી જવી, મસલ એટ્રોફી (સ્નાયુઓની વિકૃતિ) અને ફ્લુઇડ શિફ્ટ વગેરે અંતરિક્ષમાં રહેવાની આડઅસરો છે.
બંને અંતરિક્ષયાત્રીઓ હવે નિષ્ણાતોએ સૂચવેલી ખાસ કસરત કરશે અને કાર્ડિયોવેસ્ક્યુલર ટ્રેનિંગ સત્રમાં ભાગ લેશે. યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના એક લેખ પ્રમાણે અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી પર પરત આવે ત્યાર પછી 45 દિવસનો રિહેબિલિટેશન પ્રોગ્રામ હોય છે, પરંતુ સામાન્ય રીતે મોટા ભાગના લોકો 30 દિવસમાં પોતાની પૂર્વવત્ સ્થિતિમાં આવી જતા હોય છે. તેમાં જણાવાયું છે કે અંતરિક્ષયાત્રીઓની બેલેન્સ એક્સરસાઇઝ પર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત તેમના શારિરીક કોઓર્ડિનેશન પર વિશેષ ધ્યાન અપાય છે.
માઈક્રોગ્રેવિટીથી શરીર પર કેવી અસર પડે?
અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પરત ફરે ત્યારે હાડકાંની ઘનતાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. કારણ કે પૃથ્વી પર માનવી સતત ગુરુત્વાકર્ષણ બળનો અનુભવ કરે છે જ્યારે અંતરિક્ષમાં અત્યંત સૂક્ષ્મ અથવા માઇક્રોગ્રેવિટી હોય છે. તેના કારણે માનવશરીરમાં ઘણા ફેરફાર થાય છે. એક અહેવાલ અનુસાર, સ્પેસમાં માનવશરીર સિસ્ટમ જે પ્રતિભાવ આપે છે તેનો ‘નાસા’ અભ્યાસ કરે છે. આમાં હાડકાની ઘનતા, સ્નાયુઓ, સેન્સરી મોટર, કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ વગેરે મુખ્ય મુદ્દા છે. આ ઉપરાંત બીજું ઘણું શીખવાનું હોય છે. દરેક અંતરિક્ષયાત્રી પર અંતરિક્ષમાં રોકાણની અસર અલગ અલગ હોઈ શકે છે. તેથી મિશન દરમિયાન પણ દરેક અંતરિક્ષયાત્રીની હેલ્થ પર ‘નાસા’ના ફ્લાઇટ સર્જન સતત દેખરેખ રાખતા હોય છે. તેમના માટે વ્યક્તિગત ડાયટ પ્લાન અને ફિટનેસ રૂટિન તૈયાર કરવામાં આવે છે.
‘નાસા’ કહે છે કે દરેક મિશન અગાઉ અંતરિક્ષયાત્રી પર વિવિધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે તેથી આરોગ્યના માપદંડના એક ધોરણનું પાલન થાય. તેમાં એરોબિક ફિટનેસ, સ્ટ્રેન્થ, સહનશીલતા વગેરે બાબતો સામેલ છે. અંતરિક્ષમાં જતી દરેક વ્યક્તિ આવા મિશન માટે સંપૂર્ણ ફિટ અને તંદુરસ્ત હોય તેની ખાતરી કરવામાં આવે છે.
સુનીતા વિલિયમ્સના નામે રેકોર્ડ
સુનીતા વિલિયમ્સ આઠ દિવસના મિશન માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયાં હતાં, પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણે તેમનું રોકાણ લગભગ નવ મહિનાનું થઈ ગયું જેના કારણે હવે તેમના નામે રેકોર્ડ બની ગયા છે. આ મિશન દરમિયાન સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 121,347,491 માઇલની સફર કરી છે, તેમણે સ્પેસમાં 286 દિવસ વિતાવ્યા છે અને પૃથ્વી ફરતે 4576 વખત પ્રદક્ષિણા કરી છે. વિલિયમ્સે ત્રણ ફ્લાઇટમાં અંતરિક્ષમાં કુલ 608 દિવસ ગાળ્યા છે જ્યારે વિલ્મોરે ત્રણ ફ્લાઇટમાં કુલ 464 દિવસ વિતાવ્યા છે.
સુનીતાના નામે હવે અંતરિક્ષમાં કોઈ પણ મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસવોકનો રેકોર્ડ છે. તેમણે સ્ટેશનની બહાર 62 કલાક અને 6 મિનિટ સ્પેસવોક કર્યું હતું. અત્યાર સુધીમાં બધા અંતરિક્ષયાત્રીઓમાં તેઓ સ્પેસવોકના મામલે ચોથા ક્રમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter