લંડનઃ જીવલેણ કોરોના વાઈરસની ઝપેટમાં આવેલા યુકેમાં ૩૮૨ કેસ નોંધાયા છે અને છ વ્યક્તિનું મોત થયું છે. વાઈરસના ફેલાવાના કારણે લોકોમાં ભારે ગભરાટ છવાઈ જવાની અસરરૂપે મોટા પાયે ખરીદીઓ થવા માંડી છે પરિણામે, સુપરમાર્કેટ્સની અભરાઈઓ પણ ખાલી દેખાવા માંડી હતી. બિઝનેસીસને આ કટોકટીમાંથી બહાર આવવા સરકારી સહાયની જરૂર પડશે તેમ મનાય છે. ઉત્પાદકોએ ઘરવપરાશની ચીજોનું ઉત્પાદન વધારવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે. જો વાઈરસનો પ્રકોપ વધશે તો ખોરાકી ચીજવસ્તુઓની લૂંટફાટ થવાની ચેતવણીઓ પણ અપાઈ છે.
કોરોના વાઈરસના ગભરાટના કારણે લોકોએ ઘરવપરાશની ચીજોનો સંગ્રહ કરી લેવા ટેસ્કો, સેઈન્સબરીઝ, અસડા અને વેઈટરોઝ સહિતના સુપરમાર્કેટ્સ અને રીટેઈલ દુકાનોમાં ખરીદી વધારી દેતા અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે. એન્ટિ બેક્ટેરિયલ રેન્જમાં હાથના સાબુ અને જેલ, જંતુનાશકો, નેપીઝ, બેબી વાઈપ્સ, ટોઈલેટ પેપર્સ, ડિટર્જન્ટ્સ, પેઈનકિલર્સ સહિતની દવાઓ ઉપરાંત, બોટલ્ડ પાણી, કોફી તેમજ પાસ્તા, ક્રિસ્પ્સ અને ચોખા જેવી સૂકી ખાદ્યસામગ્રીના વિભાગોમાં પણ સામાન ખાલી થઈ ગયો છે. ઘણાં સ્થળોએ અછતનો લાભ લઈ ચીજવસ્તુઓના ભાવ વધારી દેવાની ફરિયાદો પણ થઈ છે ત્યારે કોમ્પિટિશન વોચડોગે આવા સ્ટોર્સને કાનૂની કાર્યવાહી અથવા ભારે દંડની ચેતવણી પણ આપી છે. સુપરમાર્કેટ્સ અને ઉત્પાદકોએ ખાલી અભરાઈઓ ભરવા તેમજ તાત્કાલિક ઉત્પાદન વધારવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઓનલાઈન ખરીદીમાં પણ ઉછાળો આવ્યો છે. બીજી તરફ, રીટેઈલર્સ ઘરવપરાશની આવસ્યક ચીજવસ્તુઓ માટે રેશનિંગ દાખલ કરવાની વિચારણા પણ ચલાવી રહ્યા છે.
રીટેઈલ ઈકોનોમિક્સના એક અભ્યાસ મુજબ કોરોના વાઈરસના કારણે અડધોઅડધ રીટેઈલર્સને નવા સ્ટોકનો ઓર્ડર કરવામાં અને ખાસ તો વિદેશથી માલ મંગાવવામાં મુશ્કેલી પડે છે. અછતના ગભરાટના કારણે દસમાંથી એક ગ્રાહક ચીજવસ્તુનો સંગ્રહ કરી રહ્યો છે. સૂત્રો એમ પણ કહે છે કે સામાન્યપણે કરાતી સરેરાશ ઓનલાઈન ખરીદીની સરખામણીએ લોકો ૫-૧૦ ટકા વધુ ખર્ચ કરી રહ્યા છે.
ગ્રાહકો પર ડિસઈન્ફે્ક્ટન્ટનો છંટકાવ
કોરોનો વાઈરસનો ચેપ વધતો રહેશે તેના ભયના કારણે યુકેના રીટેઈલર્સે તેમના સ્ટોર્સમાં પ્રવેશતા કસ્ટમર્સ પર ડિસઈન્ફે્ક્ટન્ટનો છંટકાવ કરવાનું શરૂ કર્યું છે. ક્રોયડનમાં કોસ્ટકોની બહાર ગ્રાહકો સ્ટોરમાં એન્ટરન્સની બહાર લાઈન લગાવીને ઉભાં છે અને સ્ટોરનો કર્મચારી હેન્ડ સેનિટાઈઝર અને ટિસ્યુ પેપર આપે છે. ગ્રાહકોને પ્રવેશ અપાય તે પહેલા તેઓ પોતાના હાથ સાફ કરતા હોય તેવો વીડિયો ફૂટેજ જોવાં મળે છે. માર્ક્સ એન્ડ સ્પેન્સર સ્ટોર્સમાં ગ્રાહકો સેનિટાઈઝર્સ મર્યાદિત પ્રમાણમાં ખરીદી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.