નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલતમાં જજોની નિમણૂકના મુદ્દે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ફરી એક વખત વિવાદનો મોરચો મંડાયો છે. ભારત સરકારે સિનિયર એડવોકેટ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવા મંજૂરી આપી દીધી છે, પરંતુ ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફનું નામ ફેરવિચારણા માટે કોલેજિયમને પરત મોકલ્યું છે.
મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત કેટલાક કાનૂનવિદોએ આક્ષેપ કર્યો છે કે જસ્ટિસ જોસેફે ૨૦૧૬માં મોદી સરકારની ભલામણથી ઉત્તરાખંડમાં લદાયેલું રાષ્ટ્રપતિશાસન રદ કરીને કોંગ્રેસની સરકાર બહાલ કરી હતી. આથી તેમના પ્રમોશનમાં અડચણો ઊભી કરાઇ રહી છે. સુપ્રીમ કોર્ટના બાર એસોસિયેશને આ નિર્ણયને પજવણીયુક્ત ગણાવ્યો છે. જ્યારે સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંહ સહિત ૧૦૦ જેટલાં વકીલોએ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાના વોરંટ પર સ્ટે મૂકવાની અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આ અરજી ફગાવી દીધી છે.
ઇન્દુ મલ્હોત્રા દેશના પ્રથમ મહિલા છે, જે વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બન્યાં છે. જો શુક્રવારે તેઓ શપથ લેશે તો સુપ્રીમ કોર્ટના સાતમા મહિલા જજ બનશે. હાલ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ભાનુમતી એક માત્ર મહિલા જજ છે.
રાજકારણ આક્ષેપ-પ્રતિઆક્ષેપ
જસ્ટિસ જોસેફની સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણૂકને નામંજૂર કરવાના મોદી સરકારના નિર્ણયથી દેશનો રાજકીય માહોલ ગરમ બની ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાનૂનવિદ્ કપિલ સિબ્બલે આક્ષેપ કર્યો હતો કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા જોખમમાં છે. જ્યારે બીજા કોંગ્રેસી નેતા અને કાનૂનવિદ્ પી. ચિદમ્બરમે કએવો સવાલ ઉઠાવ્યો હતો કે શું મોદી સરકાર કાયદાથી પણ પર છે? બીજી તરફ, આ આક્ષેપોનો જવાબ આપતાં કેન્દ્રીય કાયદાપ્રધાન રવિ શંકરે જણાવ્યું કે કોંગ્રેસના રેકોર્ડ બધા જાણે છે.
સરકારનો દાવોઃ નિર્ણય યોગ્ય
કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને પત્ર લખીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની મંજૂરી પછી જ જસ્ટિસ જોસેફનું નામ નામંજૂર કરાયું છે. તેમને સુપ્રીમ કોર્ટમાં મોકલવાનો પ્રસ્તાવ યોગ્ય લાગતો નથી. જો તેમની નિમણૂંક થાય તો તેમનાથી વધુ સિનિયર, લાયક અને યોગ્ય ચીફ જસ્ટિસ તેમજ વિવિધ હાઇ કોર્ટના અન્ય જજો સાથે અન્યાય થશે. હાલમાં જસ્ટિસ જોસેફ સિનિયોરિટીમાં ૪૨મા સ્થાને છે. હાઇ કોર્ટના જજોમાં ૧૧ જજ તેમનાથી સિનિયર છે.
આ ઉપરાંત જસ્ટિસ જોસેફની મૂળ હાઇ કોર્ટ કેરળની છે. જ્યાંનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ સુપ્રીમ કોર્ટમાં છે. જ્યારે ગુજરાત, કોલકાતા, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, કાશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, મણિપુર, મેઘાલયની હાઇ કોર્ટનું પૂરતું પ્રતિનિધિત્વ નથી.
ઇન્દુ મલ્હોત્રાની નિમણૂંક સામે અરજી
સિનિયર એડવાકેટ ઇન્દિરા જયસિંહ સહિત આશરે ૧૦૦ વકીલોએ ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તિ પર સ્ટે આપવા માટે કરેલી અરજી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ફગાવતા જણાવ્યું હતું કે ભલામણ ફેરવિચારણા માટે મોકલવાનું સરકારના અધિકાર ક્ષેત્રમાં છે. તમે તો સ્ટેની માગ કરો છો. અરજી અકલ્પનીય છે. આવું ક્યારેય થયું નથી.