અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન ગત સપ્તાહે હિંસા બાદ થોડા સમય માટે અટકી ગયું હતું અને હવે રાજ્યમાં જનજીવન થાળે પડતું ગયું છે. શાળા-કોલેજો, સરકારી ઓફિસો રાબેતા મુજબ થયા છે. મંગળવારે સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિએ પાટીદાર અનામત આંદોલનને ઉગ્ર બનાવવા અને અહિંસક રીતે આગળ વધારવા માટેના કાર્યક્રમની જાહેરાત મંગળવારે કરી હતી. જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની આગેવાનીમાં દાંડી યાત્રા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સુરતમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પ્રતીક ઉપવાસ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદની રેલી બાદ રાજ્યભરમાં હિંસક માહોલ ફેલાયો હતો. જેમાં અસામાજિક તત્વોએ પાટીદારોના નામે સરકારી વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે પાટીદારોને પોલીસ તરફથી ઘણુ સહન કરવાનો વારો આવ્યો છે અને હિંસામાં કુલ દસ લોકોના મોત થયા છે. જેમના પરિવારજનોને સહાય કરવા માટે આગામી દિવસોમાં ૧૦ બેન્ક એકાઉન્ટ ખોલાશે. જેથી જે લોકોને સહાય કરવી હશે તેઓ પોતાની રીતે કરી શકશે. આ સિવાય સુરતમાં ફરજ બજાવતાં હિંસામાં મોતને ભેટેલા કોન્સ્ટેબલ દિલીપસિંહ રાઠવાના પરિવારને સમિતિએ એક લાખની સહાયની જાહેરાત કરી હતી.
પહેલા સરદારને નામે આંદોલન કર્યા પછી હવે તેને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધારવાની જાહેરાત કરતાં સમિતિના કન્વીનરે વધુમાં જણાવ્યું હતું કે, હવે પછીનું આંદોલન એકદમ શાંતિપૂર્ણ રીતે આગળ વધશે. કોઈ જ હિંસા પાટીદારોના નામે ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. સૌ પ્રથમ સુરતમાં જ્યાં જ્યાં હિંસાના બનાવો બન્યા છે. તેવા સરથાણા, વરાછા અને કતારગામ વિસ્તારોમાં પ્રતીક ઉપવાસ કરાશે. પોલીસ પાસે આ અંગે મંજૂરી માંગી છે. જો પોલીસ મંજૂરી નહીં આપે તો ઈજાગ્રસ્તોની સોસાયટીની અંદર પ્રતીક ઉપવાસ થશે. ગાંધીજીએ અંગ્રેજો સામે દાંડીયાત્રા યોજીને સરકારને હલાવી હતી. તેવી જ રીતે આગામી દિવસોમાં હાર્દિક પટેલના નેજા હેઠળ દાંડીયાત્રા યોજાશે. જોકે, હજી આ યાત્રાનો રૂટ અને સમય હજુ નક્કી થયો નથીં. તેનું આયોજન ચાલી રહ્યું છે. પરંતુ પદયાત્રા જરૂર યોજાશે.
આંદોલનને ગ્રામ્ય સ્તરે લઇ જવાશે
બે દિવસ દિલ્હી રહીને સોમવારે અમદાવાદ આવેલા આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, ‘દેશભરમાં રહેલા અમારા ૧૩૭ લીડરની સાથે મીટિંગ કરીને આગળનો પ્લાન કઈ રીતે બનાવવો એ નક્કી કરાશે અને ત્યાર બાદ બીજી રણનીતિ ઘડાશે. આંદોલનના આ બીજા તબક્કામાં અમે તાલુકા અને ગામડાંઓ પર વધારે ધ્યાન આપીશું અને એ લોકોને સાથે લઈને આગળ વધીશું.’ બીજા તબક્કાનું આ આંદોલન દેશભરનું ધ્યાન ગુજરાત તરફ ખેંચાશે એવો દાવો પણ હાર્દિકે કર્યો હતો. ‘મહાત્મા ગાંધીએ જે રસ્તો દર્શાવ્યો છે એ અહિંસા અને શાંતિના માર્ગ પર જ અમે આગળ વધીશું, ’ તેવું હાર્દિકે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે અનેક સંસ્થાઓએ અમને સહકાર આપવાનું વચન આપ્યું છે. ગુજ્જર વિકાસ પરિષદ, કુર્મી ક્ષત્રિય મહાસભા, આંજણા ચૌધરી સમાજ, રાષ્ટ્રીય ગુજ્જર મંચ જેવી અનેક સંસ્થાઓએ તો પાટીદાર અનામત આંદોલન સમિતિને લેખિતમાં પણ સહકારની બાંયધરી આપી હતી, જે પત્રો એરપોર્ટ પર જ હાર્દિક પટેલે મીડિયાને દેખાડ્યા હતા.
હાર્દિક પટેલે કહ્યું હતું કે, ‘આવનારા દિવસોમાં અનામત આંદોલન દેશભરમાં લઈ જવાશે. નજીકના દિવસોમાં અમે ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ રેલી પ્લાન કરી રહ્યા છીએ. દેશમાં પાટીદાર, ગુજ્જર અને કુર્મીની વસ્તી ૨૭ કરોડ જેટલી થાય છે. અમે અનામતની માગણી કરતા પત્ર પર આ ૨૭ કરોડ લોકોની સહી લઈને તેને વડા પ્રધાન સુધી પહોંચાડીશું.’ ગયા મંગળવારે અમદાવાદમાં થયેલી મહાક્રાન્તિ રેલી પછી બનેલી ઘટનાઓ વિશે હાર્દિકે કહ્યું હતું કે ‘૨૫ ઓગસ્ટ પહેલાં જે કોઈ રેલી નીકળી હતી એમાં આવી કોઈ ઘટના ઘટી નહોતી. અમદાવાદની રેલી પછી જે કંઈ બન્યું એ માટે પોલીસ અને ગુજરાત સરકાર જ જવાબદાર છે. અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગ પર ચાલી રહ્યા હતા, પણ આતંકની શરૂઆત પોલીસ અને સરકારના ઇશારે થઈ.’
ગુર્જરોની બેઠકમાં હાર્દિકનો વિરોધ
દિલ્હીમાં અખિલ ભારતીય આરક્ષણ સમિતિની બેઠકમાં માહોલ ગરમાયો હતો. ગુર્જર નેતાઓના આમંત્રણથી હાર્દિક પટેલે તેમાં ભાગ લીધો હતો જોકે, જાટ સમાજના પ્રતિનિધિએ રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પાટીદારો કયાં ગયાં હતાં તેવા વેધક સવાલો પૂછતાં બેઠકમાં ગરમાગરમી સર્જાઇ હતી. આ ઉપરાંત જાટ સમાજના પ્રતિનિધિઓએ હાર્દિક પટેલને દેશભરમાં અનામત આંદોલનનું નેતૃત્વ સોંપવા સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, ગુર્જર નેતાઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુર્જર સમાજ હાર્દિક પટેલની સાથે છે. એટલું જ નહીં,પાટીદારોને જયાં સુધી ઓબીસીમાં સમાવી નહીં લેવાય ત્યાં સુધી ગુર્જર પણ અનામત આંદોલનને સાથ આપશે. જરૂર પડે દિલ્હીના માર્ગો પર જામ કરીને વિરોધ વ્યકત કરાશે.
હાઇ કોર્ટમાં જાહેરહિતની રિટ
રાજ્યમાં અનામતની માગ સાથે પાટીદારો દ્વારા ચલાવવામાં આંદોલન વચ્ચે કોઈ પણ જ્ઞાતિને યોગ્ય સરવે અને તેને લગતા ડેટા સિવાય અનામત આપવામાં ન આવે તેવી દાદ માગતી પિટિશન હાઇ કોર્ટમાં થઈ છે. મુખ્તાર કાદરી નામના અરજદાર દ્વારા હાઇ કોર્ટ સમક્ષ ફાઇલ કરાયેલી પિટિશનમાં રજૂઆત થઈ છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વર્ગ કે જ્ઞાતિને અનામતમાં સમાવવા માટે તેના ચોક્કસ પ્રકારના ડેટા એકત્ર કરવા પડે. ત્યાર બાદ તે જ્ઞાતિ આર્થિક કે સામાજિક રીતે પછાત છે, તે નક્કી થઈ શકે. આ પ્રકારનો સરવે ૧૯૩૧માં થયો હતો. જોકે ત્યાર પછી સરકારે આવો ડેટા એકત્ર કર્યા હોય તેમ જણાઈ આવતું નથી.
CBI તપાસની માગ
પાટીદારો પોલીસ દ્વારા થયેલા અત્યાચારના પગલે સરદાર પટેલ ગ્રૂપ દ્વારા સીબીઆઇને તપાસની માગણી કરાશે. ગ્રૂપના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં પોલીસ દ્વારા થયેલા દમનને કારણે સેંકડો પાટીદાર યુવાનોને સમાન્યથી ગંભીર ઇજા પહોંચી છે અને આઠ પાટીદારનાં મૃત્યુ થયાં છે. જેને કારણે પાટીદાર સમાજ તરફથી દમનકારી પોલીસની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી ઊઠી રહી છે. સરદાર પટેલ ગ્રુપ દ્વારા રચાયેલી લીગલ કમિટી આગામી દિવસોમાં કોર્ટ સમક્ષ અરજી કરશે.
મોબાઇલ કર્ફ્યુ
રાજ્યમાં તોફાને પગલે મોબાઈલ ઇન્ટરનેટ પર સાત દિવસ પ્રતિબંધ મુકાયો હતો. સોમવારે અમદાવાદ, સુરત, પાટણ, મહેસાણા સિવાયના રાજ્યના બાકીના હિસ્સામાંથી આ પ્રતિબંધ હટાવી લેવાયો હતો. આ ચાર જિલ્લામાં મંગળવાર રાતથી પ્રતિબંધ ઉઠાવી લેવાશે. આ સોશિયલ મીડિયાને કારણે અફવા ફેલાય છે પણ સરકારને અંદરથી એવો ડર હતો કે, શ્વેતાંગ પટેલ સહિતની ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થશે એટલે સરકાર પ્રતિબંધ લંબાવી રહી હતી.
પોલીસ સામે ફરિયાદ
અમદાવાદના બાપુનગર વિસ્તારની માતૃશકિત સોસાયટીના ૩૨ વર્ષીય યુવક શ્વેતાંગ નરેશભાઇ પટેલનું પોલીસ કસ્ટડીમાં મોતના કેસમાં હાઇ કોર્ટના આદેશ મુજબ બાપુનગર સિનિયર પીઆઇ પી.ડી પરમાર, સેન્કડ પીઆઇ આર.આર.વસાવા સહિત નવ પોલીસ અમલદારો વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. શ્વેતાંગની માતા પ્રભાબહેને આ ફરિયાદ દાખલ કરાવી હતી. જોકે, આ બંને ઇન્સ્પેક્ટરની અનુક્રમે રાજકોટ અને વડોદરા ખાતે બદલી કરવામાં આવી હતી. શ્વેતાંગની અંતિમયાત્રાને લઇ શહેરભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. કોઇપણ અનિચ્છનીય ઘટના ઘટી શકે તેવી દહેશતથી રાજય સરકારે શનિવારે રાત્રે ૮.૩૦ કલાકે એક અરજન્ટ અરજી ગુજરાત હાઇ કોર્ટમાં રજૂ કરાઈ હતી. આથી રજા હોવા છતાં ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર રાત્રે હાઇ કોર્ટ ખુલી હતી અને સરકારની અરજી પર અસાધારણ સુનાવણી હાથ ધરાઇ હતી.
સરકારે રવિવારે કોઇપણ સંજોગોમાં પરિસ્થિતિ વણસે નહી તે હેતુથી કરફયુ લાદવા, શ્વેતાંગની અંતિમયાત્રાનો રૂટ નક્કી કરવા અને યાત્રામાં મર્યાદિત લોકો જોડાય તે સહિતની મંજૂરી માંગી હતી. હાઈ કોર્ટની ખંડપીઠે આ તમામ મુદ્દે રાજય સરકાર (હાઈપાવર કમિટી) અને પોલીસ તંત્રને સમગ્ર પરિસ્થિતિની પુખ્ત સમીક્ષા કર્યા બાદ કાયદાનુસાર નિર્ણય લેવા મંજૂરી આપી હતી. જોકે, સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્વેતાંગની અંતિમયાત્રા નીકળી હતી અને તેની માતાએ નનામીને કાંધ આપી હતી અને બહેને અગ્નિદાહ આપ્યો હતો.
રૂ. ૨૫ લાખની સહાય
આંદોલન દરમિયાન પોલીસે કરેલા લાઠીચાર્જ અને ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોને શહીદનો દરજ્જો આપતા સરદાર પટેલ ગ્રૂપ અને સેવાદળના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે કે, શહીદોના પરિવારોએ પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે ત્યારે પાટીદાર સમાજ તેમની પડખે તન, મન અને ધનથી ઊભો રહેશે. પ્રત્યેક શહીદના પરિવાર દીઠ ઓછામાં ઓછા રૂ. ૨૫ લાખ એકઠા કરાશે પરંતુ જે રીતે અમને રાજ્ય, દેશ અને વિદેશમાં વસતા પાટીદારો તરફથી સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે આંકડો રૂ. ૨૫ લાખથી ઘણો વધારે રહેશે. શહીદ પાટીદારો માટે તાલુકા, જિલ્લા, શહેર અને મંડલ સ્તરે શોકસભાઓ યોજાશે.
૨૬ ઓગસ્ટે પાટીદાર શહીદ દિન
૨૫ ઓગસ્ટની રાત્રી પછી પીટાદાર સમાજ પર થયેલા પોલીસ દમનને કારણે રાજ્યમાં આઠ પાટીદારોનાં મૃત્યુ થયાં. અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા અને ૫૦૦થી પણ વધારે પાટીદારોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલે જણાવ્યું છે કે જે પાટીદારો પર ખોટા કેસ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે તેમને છોડાવવા માટે એસપીજી દ્વારા એક લીગલ કમિટીનું ગઠન કરાશે. આ કમિટીમાં રાજ્યના નામાંકિત પાટીદાર વકીલોને સમાવેશ થાય છે. રાજ્યના દરેક તાલુકા મથકે આ લીગલ કમિટીના વકીલ પાટીદારોને છોડાવવા માટે ઉપલબ્ધ રહેશે. આગામી દિવસોમાં આ પાટીદારો પરથી કેસ રદ કરાવવા એ અમારી પ્રાથમિકતા રહેશે. એટલું જ નહીં ૨૬ ઓગસ્ટને હવે પછી દર વર્ષે પાટીદાર શહીદ દિન તરીકે ઉજવાશે.