વોશિંગ્ટન, નવી દિલ્હીઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અબજોપતિ જ્યોર્જ સોરોસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે હંગેરીયન-અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના સંગઠનોએ યુએસએઇડ પાસેથી 27 કરોડ ડોલર મેળવ્યા છે. સોરોસે આ રકમનો ઉપયોગ ભારત, બાંગ્લાદેશ સહિત કેટલાય દેશોમાં સરકારો બદલવા, અસ્થિરતા ફેલાવવા અને રાજકીય દરમિયાનગીરી કરવા કર્યો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યોર્જ સોરોસે યુએસ એઇડ પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ શ્રીલંકા, બાંગ્લાદેશ, યુક્રેન, સીરિયા, ઇરાન, પાકિસ્તાન, ભારત, યુકે અને અમેરિકામાં અરાજકતા ફેલાવવા અને સરકારો બદલવા તથા વ્યક્તિગત લાભ માટે કર્યો.
તેમની ટિપ્પણીઓ અમેરિકન વિદેશી સહાય એટલે કે યુએસએઇડની સામેની તપાસનું કાર્યક્ષેત્ર વિસ્તારે છે. આ વાત એટલા માટે મહત્ત્વની છે કેમ કે ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસએઇડનું બજેટ ફ્રીઝ કરી દીધું છે.
મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા 15 વર્ષ દરમિયાન યુએસએઇડે સોરોસ સાથે સંકળાયેલા સંગઠનોને 27 કરોડ ડોલર કરતાં વધુ રકમ આપી છે. આવું જ એક સંગઠન ઇસ્ટ-વેસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ છે, જેણે સોરોસ સાથે ઓપન સોસાયટી માટે ભાગીદારી કરી અને યુએસએઇડનું ભંડોળ મેળવ્યું છે. આ પર્દાફાશે આંતરરાષ્ટ્રીય રાજકીય આંદોલનોમાં અમેરિકન સરકારની ભૂમિકાની ચિંતા વધારી છે.
ડીઓજીઇના પ્રમુખ મસ્કે ટ્રમ્પ વહીવટીતંત્રને સમર્થન આપ્યું છે. તેમણે યુએસએઇડ દ્વારા વોક અને વિવાદાસ્પદ પરિયોજનાઓને નાણાકીય સમર્થનને લઈને પ્રકાશ નાખ્યો છે. મસ્કની ભાગીદારીએ શાસન પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય રાજકીય આંદોલનોમાં અમેરિકન સરકારની ભૂમિકા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં પણ શાસક પક્ષ લાંબા સમયથી સોરોસ પર વિપક્ષી સમૂહને સમર્થન આપવા અને પીએમ મોદીના ટીકાકારોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવતો રહ્યો છે. ભાજપના નેતાઓનો દાવો છે કે સોરોસનો હેતુ ભારત સરકારને અસ્થિર કરવાનો અને દેશના રાજકારણમાં દરમિયાનગીરી કરવાનો છે.
સોરોસે રાજીવ ગાંધી ફાઉન્ડેશને રૂ. 5,000 કરોડ આપ્યા? : ભાજપ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે સંસદમાં યુએસએઇડ અંગે મોટો પ્રશ્ર ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે યુએસએડના માધ્યમથી દેશની અનેક સંસ્થાઓ અને લોકોને નાણા મળ્યા છે. સરકારે આ કેસની તપાસ કરવી જોઇએ અને જે પણ લોકો અથવા સંસ્થા આ કેસમાં દોષી છે તેમને જેલમાં નાખવા જોઇએ. કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા સાંસદે જણાવ્યું હતું કે આ કેસમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનની પણ તપાસ થવી જોઇએ કે તેમણે જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન પાસેથી 5000 કરોડ રૂપિયા લીધા કે નથી.