અમદાવાદઃ જયપુરસ્થિત મનીષ મીડિયા દ્વારા ૧૭ જાન્યુઆરીએ ક્લબ O7 ખાતે ભવ્ય કાર્યક્રમમાં તેમના ૩૭મા પ્રકાશન ‘Jewels of Gujarat - Leading Global Gujarati Personalities: Vol. II’ કોફી-ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
દેશદેશાવરના ૫૦૦થી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિ સાથેના આ વિશિષ્ઠ સમારંભમાં આ કોફી-ટેબલ બુકમાં જે મહાનુભાવોના જીવનચરિત્રનું આલેખન કરાયું છે તેવા ૩૫થી વધુ દેશના સૌથી વધુ વગદાર ૧૦૦ ગુજરાતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. કિરણ સી. પટેલ (યુએસ કાર્ડિયોલોજિસ્ટ અને આંતરરાષ્ટ્રીય પરોપકારવાદી) અને ડો. વિમલ બી. શાહ (બિડકો આફ્રિકા, કેન્યા) આ સલૂણી સાંજના અતિથિવિશેષનું સ્થાન શોભાવનારા હતા. જોકે, ડો. કિરણભાઈ પટેલ સ્વાસ્થ્યના કારણોસર વર્ચ્યુઅલ ઉપસ્થિતિ જ નોંધાવી શક્યા હતા. આ પ્રસંગે સર્વશ્રી એમપી. રામા (ઓરો યુનિવર્સિટી, ભારત અને યુએસએ), રિઝવાન આડતીઆ (COGEF ગ્રૂપ, મોઝામ્બિક), વિનોદ એસ. પટેલ (વિનોદ પટેલ કંપની લિમિટેડ, ફિજી), કુમારપાળ વરાડા ડાયમન્ડ્સ, બેંગલુરુ) તેમજ અન્ય વક્તાઓએ મહત્ત્વપૂર્ણ વક્તવ્યો આપ્યા હતા.
વાઈબ્રન્ટ ગુજરાતના નવમા સમારંભની પૂર્વસંધ્યાએ પુસ્તકના વિમોચન અને મહાનુભાવોના સન્માન કાર્યક્રમમાં ચેરમેન ચાંદમલ કુમાવતે જણાવ્યું હતું કે, ‘માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં પોતાની સિદ્ધિઓ થકી પરિવર્તનનો પ્રાણ ફૂંકનારા મહાનુભાવોની પ્રેરણાદાયી કથાઓના આલેખન થકી માતૃભૂમિની સેવા કરવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ. અમારા પ્રકાશનો વિભિન્ન દેશોના લોકોને એક સાથે લાવવાનો અને નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાના એક વિશિષ્ઠ માર્ગ સમાન છે.’ આ પુસ્તક આપણને ૩૫થી વધુ દેશોનો પ્રવાસ કરાવે છે.
મનીષ મીડિયા ભારતના સુપ્રખ્યાત કોફી-ટેબલ બુક પ્રકાશકોમાં સ્થાન ધરાવે છે, જેમના દ્વારા અગાઉ નોંધપાત્ર ભારતીયોના જીવનકથાનકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ મીડિયા હાઉસ વિશ્વના વિવિધ પ્રદેશોમાંથી ભારતીય ડાયસ્પોરાને એક છત્ર હેઠળ લાવી સીમાડાની મર્યાદાઓ વિના તેઓ વચ્ચે સંપર્કસેતુ બનવાના કાર્ય માટે જાણીતું છે. આ કોફી-ટેબલ બુક ‘Jewels of Gujarat’ની પ્રથમ આવૃત્તિનું વિમોચન માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૦૧૫માં કરવામાં આવ્યું હતું.
ડાયરેક્ટર મનીષ કુમાવતે પોતાના દિલની વાત કહેતા જણાવ્યું હતું કે, ‘જ્યારે સન્માનીય વડા પ્રધાને પ્રથમ આવૃત્તિ માટે અમારા પ્રયાસોની સરાહના કરી ત્યારે અમે મુકેશ અંબાણી (ભારત) અને સુનીતા લીન વિલિયમ્સ (યુએસએ) જેવાં ગુજરાતીઓની ૧૦૦ સત્યકથાઓ વર્ણવી હતી અને અમને આવા વધુ પુસ્તકો પ્રસિદ્ધ કરવાની પ્રેરણા સાંપડી હતી. આ દ્વિતીય આવૃત્તિ વધુ ભારતીયો પોતાના સ્વપ્નોને જીવનરુપે સાકાર
કરી શકે તેની મહાપ્રેરણા આપવાના પ્રયાસનું પરિણામ છે.’