લંડનઃ બ્રિટનમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વ વધી રહ્યું છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદ, બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદ સહિતની મસ્જિદો અને સંસ્થાઓએ સ્ત્રીઓની આઝાદી પર બંધનાત્મક નિયમો કે ફતવાઓ જાહેર કર્યા છે, જેના કારણે બ્રિટન ૧૮મી સદીમાં જીવતું હોય તેમ લાગી રહ્યું છે. મસ્જિદોએ મહિલાઓને જીન્સ-ટ્રાઉઝર્સ નહિ પહેરવા, પતિની પરવાનગી વિના ઘરની બહાર નહિ નીકળવા તેમજ ફેસબૂકનો ઉપયોગ ન કરવા સહિતના આદેશો ફરમાવ્યા છે. અલબત્ત, મધ્યમમાર્ગી મુસ્લિમો અને કટ્ટરતાવિરોધી કેમ્પેઈનરોએ આ નિયમોને ‘ગૌરવહીન’ તેમજ ‘જરીપુરાણા અને પુરુષપ્રધાન’ ગણાવી તેનો વિરોધ પણ કર્યો છે.
બ્રિટનની મસ્જિદો દ્વારા કેટલાક વિવાદાસ્પદ અને સ્ત્રીઓની આઝાદીને હણતા પ્રતિબંધાત્મક આદેશો પ્રકાશિત કર્યા છે. સ્ત્રીઓ જીન્સ પહેરી શકે કે કેમ તેવા એક મુસ્લિમે પૂછેલા પ્રશ્નના જવાબમાં બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદે ઈસ્લામિક વિદ્વાનને ટાંકી જણાવ્યું હતું કે, સ્ત્રીઓને તેમના પતિની હાજરીમાં પણ ટ્રાઉઝર્સ પહેરવાની છૂટ નથી કારણ કે તેનાથી ‘તેના શરીરના અંગો સ્પષ્ટ દેખાય છે.’ તેમાં વધુ જણાવાયું હતું કે, ‘ટ્રાઉઝર્સ પહેરનારા માત્ર પુરુષ જ હોય છે અને પયગમ્બરે... પુરુષની નકલ કરનારી સ્ત્રીઓને બદદુઆ આપી છે.’
ક્રોયડન મોસ્ક એન્ડ ઈસ્લામિક સેન્ટરના મુફ્તીએ ‘એડવાઈઝ ફોર ધ હસબન્ડ એન્ડ વાઈફ’ નામના દસ્તાવેજમાં જણાવ્યું છે કે, ‘સ્ત્રીએ ઘરમાંથી બહાર નીકળતાં પહેલા પતિની પરવાનગી લેવી જોઈએ.
અને તેની જાણમાં ન હોય ત્યારે આમ કરવું ન જોઈએ.’
એક અન્ય લેખમાં મસ્જિદે ગર્ભપાતને ‘મહાન પાપ’ ગણાવવાની સાથે એક્ટિંગ અને મોડેલિંગને ‘અનૈતિક કૃત્યો’ તરીકે વર્ણવ્યાં છે.
બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદની વેબસાઈટ પર ‘ડેન્જર્સ ઓફ ફેસબૂક’ લેખ પ્રસિદ્ધ કરાયો છે, જેમાં જણાવાયું છે કે, ‘ફેસબૂકે પાપના દ્વાર ખોલી નાખ્યાં છે. મુસ્લિમ છોકરીઓ અને સ્ત્રીઓ આ અનિષ્ટનો શિકાર બની
ગઈ છે.’
મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન (MCB) સાથે સંકળાયેલી સંસ્થા બ્લેકબર્ન મુસ્લિમ એસોસિયેશન દ્વારા જાહેર કરાયેલા વિવાદી આદેશમાં જણાવાયું છે કે સ્ત્રીઓએ પુરુષ સાથી કે વળાવિયા વિના ૪૮ માઈલથી વધુ અંતરનો પ્રવાસ કરવો ન જોઈએ.
કેમ્પેઇનર્સ દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે દેશની સેંકડો મસ્જિદો, સંસ્થાઓ અને શાળાઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓને સ્ત્રીઓની આઝાદી પર અંકુશ લાદતી ઓનલાઈન સલાહો રદ કરવા આદેશ આપવો જોઇએ.
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગે સ્ત્રીઓ પરના પ્રવાસ પ્રતિબંધને ‘અસ્વીકાર્ય અને ગૌરવહીન’ ગણાવીને આવી સૂચના કે ટીપ્પણીઓ પાછી ખેંચવા માટે બ્લેકબર્ન મુસ્લિમ એસોસિયેશનને અનુરોધ કર્યો છે. વિદ્વાન અને MCBની એજ્યુકેશન કમિટીના પૂર્વ સભ્ય શેખ હાઉજાત રામઝીએ કહ્યું હતું કે, ‘આ (ઈસ્લામનું આવું અર્થઘટન) તદ્દન ખોટું છે, વાહિયાત છે. ઈસ્લામને ફેસબૂક સામે કોઈ વાંધો નથી, સ્ત્રીઓ ટ્રાઉઝર્સ પહેરી શકે છે અને હિજાબ ના પહેરતી હોય તો પણ તે મુસ્લિમ જ રહે છે.’
ડો. રામઝીએ MCB અંગે જણાવ્યું હતું કે, ‘તેમણે સંસ્થાને પોતાના નિવેદનો પાછાં ખેંચવા કહેવું જોઈએ અથવા તો યુનાઈટેડ કિંગ્ડમમાં તેનો અમલ કરી શકાય નહિ તેવી સૂચના પણ આપવી જોઈએ.’
MCBની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના સભ્યોને ન્યાય સંબંધિત વલણો અંગે આદેશ આપતા નથી. અલગ ઐતિહાસિક સમયગાળા અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિઓ ધરાવતાં નિયમોની બાદબાકી થઈ જાય છે. અમે આ મુદ્દે વિચાર કરવા સભ્યોને પ્રોત્સાહન આપીએ છીએ. જોકે, સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓ રાજકીય વ્યક્તિઓ અને ધાર્મિક વિદ્વાનોની ભૂમિકા અપનાવી રહી છે.