સ્વામી શિવાનંદ: પદ્મ પુરસ્કારથી સન્માનિત 125 વર્ષના યોગ ગુરુ

Sunday 27th March 2022 05:03 EDT
 
 

નવી દિલ્હીઃ સ્વામી શિવાનંદને યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું અને આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર હતા સ્વામી શિવાનંદ. સ્વામી શિવાનંદની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
એવોર્ડ લેતા પહેલાં સ્વામી શિવાનંદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા હતા અને તેમને ઝૂકીને પ્રણામ કર્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે અને તેની ચર્ચા થઈ રહી છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.
50 વર્ષથી કુષ્ઠરોગ પીડિતોની સેવામાં સમર્પિત
સ્વામી શિવાનંદની ઉંમર અને તે ઉંમરની સાથે તેમની સ્ફૂર્તિ લોકોને ચોંકાવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટ પ્રમાણે સ્વામી શિવાનંદનો જન્મ વર્ષ 1896માં થયો હતો. તેમણે તેમનું જીવન સેવાકાર્યમાં લગાવી દીધું છે અને તેઓ છેલ્લાં 50 વર્ષથી ઓડિશાના પુરીમાં કુષ્ઠરોગપીડિતોની સેવા કરે છે. તેમના સ્વસ્થ અને લાંબા જીવને રાષ્ટ્રીયની સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પણ ધ્યાન ખેંચ્યું છે.
જાણકારી પ્રમાણે સ્વામી શિવાનંદ એક ભિક્ષુકના પુત્ર છે અને જ્યારે તેઓ 6 વર્ષના હતા, ત્યારે તેમનાં માતાપિતાનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ તેઓ પોતાના ગુરુજી પાસે પહોંચ્યા હતા, જેમણે તેમનું પાલનપોષણ કર્યું હતું.
3 વાગ્યે ઉઠવાનું, 2 કલાક ચાલવાનું
સ્વામી શિવાનંદ દરરોજ સવારે 3 વાગ્યે ઊઠે છે અને 2 કલાક ચાલવા જાય છે, તેઓ એક કલાક યોગ અને પ્રાણાયમ કરે છે. સંદીપ પાંડે નામની એક વ્યક્તિએ તેમનો કેટલાંક વર્ષો જૂનો વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં સ્વામી શિવાનંદ પોતાના જીવન વિશે વાત કરતા જોવા મળે છે.
બે વર્ષ પહેલાં કોઈએ સ્વામીને પૂછ્યછયું હતું કે શું અમે પણ તમારી જેમ 123 વર્ષ સુધી જીવી શકીએ છીએ? તો સ્વામી શિવાનંદ કહે છે, ‘ક્યારેય નહીં. આ કળયુગ છે. લોકો લાલચુ છે.’
વીડિયોમાં તેઓ કહે છે, ‘મારી કોઈ ઇચ્છા નથી, કોઈ રોગ નથી, કોઈ તણાવ નથી. એટલે હું ન માત્ર સૌથી વૃદ્ધ વ્યક્તિ છું, હું સૌથી વૃદ્ધ અને ખુશ જીવિત વ્યક્તિ પણ છું.’
સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
સ્વામી શિવાનંદના સ્વાસ્થ્ય મામલે સામાન્ય જનતાથી માંડીને સેલિબ્રિટીઝ પણ ચોંકી ગયા છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું, ‘આટલી ઉંમરે આવું સ્વાસ્થ્ય. તમને પ્રણામ સ્વામીજી. આ વીડિયો જોઈને મન ખુશ થઈ ગયું.’




to the free, weekly Gujarat Samachar email newsletter