તેલ અવીવ, વોશિંગ્ટન: ઇઝરાયલ દ્વારા હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ-ઇસ્ટના દેશોમાં ભારે તંગદિલી વ્યાપી ગઇ છે. ઇરાને તેના મોતનો બદલો લેવાનો હુંકાર કર્યો છે. અનેક મુસ્લિમ દેશોએ પણ તેને સાથ આપવાનું કહેતાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ સાથે વાત કરીને સલામતી મુદ્દે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે હાનિયા પર હુમલો કરવાના મુદ્દે તડાફડી થયાના પણ અહેવાલ છે. પ્રમુખ બાઇડેને માત્ર શસ્ત્રો જ નહિ સૈનિકો મોકલવાની પણ ઇઝરાયલને ઓફર કરી છે. હાલ પ્રમુખપદની રેસમાં ઝુકાવનાર કમલા હેરિસે પણ નેતન્યાહૂ સાથે વાત કરી હતી.
અમેરિકાએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટે આતંકવાદી સંગઠનો હમાસ, હિઝબુલ્લાહ અને હુતી તથા ઇરાન સહિત તમામ જોખમો સામે ઇઝરાયેલની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો અને તેમાં અમેરિકાનું મિલિટરી તહેનાત કરવાનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલની સુરક્ષા માટે આ પ્રતિબદ્ધતાની સાથે પ્રેસિડન્ટે મધ્યપૂર્વમાં તંગદિલીમાં ઘટાડો કરવાના હાલના પ્રયાસોના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
ઇરાનના તેહરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા અને બૈરુતમાં હિઝબુલ્લાહના જનરલ ફુઆદ શુકરની હત્યા બાદ આ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ ફોનકોલમાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ પણ જોડાયા હતા. નેતન્યાહુની સરકારે તહેરાનમાં હાનિયાની હત્યા અંગે મગનું નામ મરી પાડ્યું નથી. જોકે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથે ઈઝરાયેલને દોષી ઠેરવ્યું હતું. હાનિયાને નિશાન બનાવ્યાના કલાકો પહેલાં ઇઝરાયેલે કહ્યું હતું કે તેને બૈરુતમાં વરિષ્ઠ હિઝબુલ્લાહ નેતા શુકરને ઉડાવી દીધો છે.
ઇસ્માઇલ હાનિયા કોણ હતો?
હાનિયા હમાસની રાજકીય શાખાનો વડો શેતાની દિમાગ ધરાવતો હતો. ઇઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા આતંકી હુમલામાં તેની મુખ્ય ભૂમિકા હતી. ઇઝરાયલ પરના આ સૌથી મોટા આતંકી હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 250 નાગરિકોને હમાસના આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા. 2006માં પેલેસ્ટાઈનની સામાન્ય ચૂંટણીમાં હમાસના વિજય પછી સંગઠનમાં હાનિયાનો દબદબો વધતો ગયો હતો. ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈન સત્તામંડળના વડાપ્રધાન તરીકે તેની વરણી કરાઇ હતી. તે સમયે ઇજીપ્ત રસ્તે ગાઝા પટ્ટીમાં આયાત થતી સામગ્રી પર ભારે કર લાદીને હાનિયાએ લખલૂટ કમાણી કરી હતી.
હમાસનો મિલિટરી ચીફ દાઇફ પણ મરાયો
હમાસનો મિલિટરી ચીફ મોહમ્મદ દાઇફ ઇઝરાયેલના હવાઇ હુમલામાં માર્યો ગયો છે. દાઇફના મોતની ઘણા સમયથી ચર્ચા હતી પરંતુ ઇઝરાયેલી દળોએ હાનિયાને માર્યા બાદ આ વાતની પુષ્ટિ કરી હતી. દાવો કરાયો છે કે દાઇફ ગયા પખવાડિયે ગાઝાના ખાન યુનિસમાં 13 જુલાઇએ એક હવાઇ હુમલામાં માર્યો ગયો હતો. ઇઝરાયલ પરના ગત 7 ઓક્ટોબરના હુમલામાં હાનિયા, લશ્કરી ચીફ દાઇફ અને ગાઝાના ચીફ યાહ્યા સિનવારની મુખ્ય ભૂમિકા હતી. હાનિયા અને દાઇફ માર્યા જતાં હમાસની ટોપ લીડરશિપમાં હવે માત્ર સિનવાર બચ્યો છે. ગાઝાનો લાદેન કહેવાતો 58 વર્ષીય દાઇફ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે જ હુમલાને ‘અલ અક્સા ફ્લડ’ નામ આપ્યું હતું.
ભારતીયોને સાવધ રહેવા સુચના
પેલેસ્ટેનિયન આતંકી જૂથ હમાસ તથા લેબનિઝ આતંકી જૂથ હિઝબુલ્લાહના ટોચના લીડર્સની એક પછી એક હત્યાને લીધે મધ્ય-પૂર્વમાં ભારેલાં અગ્નિ જેવો માહોલ સર્જાયો છે. આ હત્યાઓ બદલ ઈરાન સહિતના દેશોએ ઈઝરાયલને જવાબદાર ઠેરવી તેની પર વળતો હુમલો કરવાની ધમકી આપી છે. આ તંગદિલીના પગલે અહીંના ભારતીય દૂતાવાસે ઈઝરાયેલમાં રહેતાં તમામ ભારતીયોને સાવધ રહેવાની સલાહ આપી છે.