હવે આકાંક્ષાઓ સાકાર કરવાનો સમયઃ અમે સમસ્યા ટાળતા નથી ને પાળતા પણ નથી

Wednesday 21st August 2019 07:01 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના ૭૩મા સ્વાતંત્ર્ય દિન પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે ૭૦ દિવસમાં લીધેલા સિમાચિહનરૂપ નિર્ણયોનો ઉલ્લેખ કરવાની સાથે સાથે જ ભાવિ આયોજનની ઝલક રજૂ કરી હતી. તેમણે પ્રવચનમાં પોતાની સરકારના સૌથી મહત્ત્વના નિર્ણય આર્ટિકલ ૩૭૦ની નાબૂદીથી માંડીને ભારતને પાંચ મિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી લઇને જળસંચય તથા સ્વચ્છતાના મુદ્દાને આવરી લીધા હતા. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદીનો નિર્ણય એક રાષ્ટ્ર, એક બંધારણની વિભાવનાને વાસ્તવમાં સાકાર કરે છે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ અને રાજ્યના લોકોને વિશેષ અધિકાર આપતા અનુચ્છેદ ૩૫-એને હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ નિર્ણયનો વિરોધ કરનારાઓને મારે પૂછવું છે કે આ અનુચ્છેદ જરૂરી જ હતો ૭૦ વર્ષોમાં તેને સ્થાયી કેમ ન કરાયો? અમે સમસ્યાને ટાળતા નથી અને પાળતા પણ નથી. જે કામ ૭૦ વર્ષમાં ન થયું, તે નવી સરકાર બનવાના ૭૦ દિવસમાં કરી બતાવ્યું. સંસદના બન્ને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતી સાથે આ બિલ પાસ થયું છે. અમે સરદાર પટેલનું સપનું પૂરું કર્યું છે.
તેમણે કહ્યું હતું કે હું મારા અધિકારીઓને વારંવાર કહું છું કે, આઝાદીના આટલા વર્ષો બાદ સામાન્ય નાગરિકોની વચ્ચે આપણી જે દરમિયાનગીરી છે તે શું આપણે ઓછી ન કરી શકીએ. આઝાદ ભારતનો અર્થ એ છે કે સરકાર લોકોના જીવનમાંથી બહાર આવે અને લોકો પોતાના જીવનમાં, પરિવાર માટે અને પોતાના સપનાઓને પુરા કરવા માટે આગળ વધી શકે.
ભ્રષ્ટાચાર ઊધઈની જેમ આપણા જીવનમાં ઘુસી ચુક્યો છે. આ બિમારી એટલી હદે ફેલાઈ ચુકી છે જેને ઠીક થતા ઘણો સમય લાગી શકે છે. હું માનું છું કે, વ્યવસ્થાઓમાં પરિવર્તનની જરૂર છે, પરંતુ એ પહેલા સામાજીક જીવનમાં પરિવર્તન જરૂરી છે. દેશ આઝાદીના આટલા વર્ષો બાદ પરિપક્વ થયો છે. આપણે આઝાદીનું ૭૫માં વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.

રાજકારણ નફા-નુકસાનથી નથી થતું

જે કામ ૭૦ વર્ષમાં ન થયું તે ૭૦ દિવસમાં કરી બતાવ્યું છે. સબકા સાથ, સબકા વિકાસના મંત્રને લઈ અમે ચાલતા હતા, જોકે પાંચ વર્ષમાં લોકોએ સબકા વિશ્વાસના રંગથી સમગ્ર માહોલને રંગી દીધો. ૨૦૧૪થી ૨૦૧૯ જરૂરિયાતોને પુરી કરવાનો સમય હતો, ૨૦૧૯ બાદનો ગાળો દેશવાસીઓની આકાંક્ષાઓની પૂર્તિનો સમય છે, તેમના સપના પુરા કરવાનો સમય છે. આપણે દેશ બદલી શકીએ છીએ, આપણે પાછળ ન રહી શકીએ.
આપણે પડકારને સામેથી સ્વીકાર કરવો પડશે. ક્યારેક રાજકીય નફા-નુકસાનથી આપણે નિર્ણય કરીએ છીએ, પરંતુ આ દેશની ભાવિ પેઢીનું નુકસાન છે. આની સાથે જોડાયેલો એક વિષય છે આપણા અહીં જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે. એક જાગૃત વર્ગ જ આ સમસ્યાને સમજી શકે છે. તે પોતાના બાળકને જન્મ આપતી વખતે સો વખત વિચારે છે કે બાળકના સપના પુરા કરી શકીશ કે નહીં, તેની જરૂરિયાતને પુરી કરી શકીશ કે નહીં. એક નાનો વર્ગ આ તમામ પાસાઓ વિચારીને પરિવારનું આયોજન કરે છે અને દેશનું ભલું કરવામાં પોતાનું યોગદાન આપે છે. નાના પરિવાર સુખી પરિવાર રાખીને તેઓ દેશનું સન્માન કરે છે.

ઈઝ ઓફ લિવિંગને મહત્ત્વ

મોદીએ કહ્યું આજે વિશ્વમાં વિશ્વાસ પેદા થયો છે કે ભારત જેવો દેશ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં આટલો મોટો જંપ લગાવી શકે છે. જોકે મારી નજર છે ઈઝ ઓફ લિવિંગ. મારો દેશ આગળ વધે, પરંતુ ઈન્ક્રીમેન્ટલ પ્રોગ્રેસ માટે હવે દેશ વધુ રાહ જોશે નહિ. આપણે હાઈ જંપ લગાવવો પડશે. ભારતને ગ્લોબલ બેન્ચમાર્કની તરફ લઈ જવા માટે આપણે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર તરફ જવું પડશે. અમે નક્કી કર્યું છે કે આ કાર્યકાળમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રોકવામાં આવે. પછીએ હોસ્પિટલ બનાવવાની હોય કે ભારતમાલા પ્રોજેક્ટ.
પહેલા એક જમાનો હતો જો કાગળ પર માત્ર એક નિર્ણય થઈ જાય કે એક રેલવે સ્ટેશન કોઈ એક વિસ્તારમાં બનવાનું છે તો લોકોમાં ખુશી થતી હતી. જોકે આજે સામાન્ય નાગરિકને રેલવે સ્ટેશન બનવાથી કોઈ ખુશી થતી નથી. તેઓ પૂછે છે કે આપણા ત્યાં વંદે ભારત એક્સપ્રેસ કયારે આવશે. આજે આપણે ૫ સ્ટાર રેલવે સ્ટેશન બનાવીએ તો તેઓ એમ કહેતા નથી કે ખુબ સારું કર્યું, પરંતુ એરપોર્ટ કયારે આવશે તેમ પૂછે છે.
પહેલા લોકો કહેતા હતા કે પાકા રસ્તા કયારે બનશે. પરંતુ આજે કહે છે કે ફોર લેન કે ટુ લેન? આજે ઘરની પાસે વીજળીનો વાયર અને મીટર લાગી જાય તો તેઓ પૂછે છે કે ૨૪ કલાક વીજળી કયારે આવશે? આ બદલતા મિજાજને આપણે સમજવો પડશે. તે જે પ્રમાણે ગ્લોબલ બેન્ચમાર્કની સાથે કલીન એનર્જી, ગેસ ગ્રિડ અને ઈ-મોબિલિટી પણ જોઈશે.

લોકોના આશા-અપેક્ષા વધ્યા છે

સામાન્ય રીતે પહેલા દેશમાં સરકારની ઓળખ એવી રીતે બનતી કે સરકારે આ વર્ગ માટે શું કર્યું, આ ક્ષેત્ર માટે શું કર્યું. એટલે કે કોના માટે શું, કેટલું આપ્યું તેની પર સરકાર ચાલતી હતી. કદાચ તે સમયની એ જ માંગ હતી. જોકે હવે દેશને કયાં લઈ જવો જોઈએ, આપણે બધા મળીને દેશ માટે શું કરીશું. એ વિશે વિચારવું અને જીવું તે સમયની માંગ છે. આ કારણે ૫ ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું સપનું જોયું છે.
૧૩૦ કરોડ દેશવાસીઓ જો નાની ચીજોને લઈને નીકળી પડ્યા તો સપનું સાકાર થઈ જશે. કેટલાક લોકોને મુશ્કેલ લાગશે, પરંતુ પગલું જ ભરવામાં નહીં આવે તો આગળ કઈ રીતે વધીશું. આઝાદીના ૭૦ વર્ષ બાદ આપણે દેશને ૨ ટ્રિલિયન ડોલર ઈકોનોમી પર પહોંચાડ્યો છે. ૫ વર્ષની અંદર ૨ ટ્રિલિયનથી ૩ ટ્રિલિયન પહોંચી ગયા. ૭૦ વર્ષમાં આપણે આટલો મોટો જંપ લગાવ્યો તો આપણે આવનારા ૫ વર્ષમાં ૫ ટ્રિલયન ઈકોનોમી બની શકીએ છીએ. જયારે ઈકોનોમી મજબૂત થાય છે ત્યારે લોકો માટે તકો સર્જાય છે. દેશને આર્થિક ક્ષેત્રમાં આપણે આગળ લઈ જવાનો છે.

આતંવાદ સામે મજબૂત લડાઇ

મોદીએ કહ્યું, ભારત આતંક ફેલાવનારાઓ વિરુદ્ધ મજબૂતીથી લડી રહ્યો છે. આતંકીઓ માનવતાવિરોધી લડાઈ લડી રહ્યા છે. દુનિયામાંથી આતંકવાદને ખતમ કરવા માટે અમે બીડું ઉપાડ્યું છે. ઘણા લોકોએ અમારા પાડોશી દેશોમાં હુમલા કર્યા છે. નિર્દોષોની હત્યા કરી છે. એવામાં ભારત મૂકદર્શક બનીને નહી બેસ. આતંકના માહોલને ખતમ કરીને જ રહીશું.
સમય પ્રમાણે સુધારાની જરૂર હોય છે. સૈન્ય સંસાધનોના સુધારણાઓ પર પણ ઘણી ચર્ચાઓ કરાઈ છે. ઘણા રિપોર્ટ્સ પણ આવ્યા છે. તમામ રિપોર્ટ્સ એક જ સમસ્યાને પ્રકાશ આપી રહ્યા છે. આપણા ત્રણ આર્મી, એરફોર્સ, અને નેવીએ એક સાથે આગળ વધવું જોઈએ. જ્યારે એક દળ એક ડગલું આગળ હોય અને બીજું પાછળ હોય તેવું ન ચાલે. સૌને સાથે મળીને ચાલવું પડશે. આજે હું એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું. ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ)ના પદની રચના કરીશું, જેથી ત્રણેય સેનાઓને એક પ્રભાવશાળી નેતૃત્વ મળશે. સાથે જ ત્રણેય સેનાઓ માટે આપણા સુધારણાનું સપનું પણ પુરું થશે.

સ્થાનિક ઉત્પાદકોને પ્રાથમિકતા

મોદીએ કહ્યું કે, મેક ઈન ઈન્ડિયામાં જે મિશન આપણે લીધું છે તેને આપણે પૂરું કરવું જોઈએ. આપણે પ્રેરણા લેવી જોઈએ કે આપણા દેશમાં જે બને છે, તેને આપણે પ્રાથમિકતા આપીશું. આપણે લોકલ પ્રોડક્ટ્સને પ્રાધાન્ય આપવું જોઈએ. જે ગામમાં બને છે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. આવું કરવાથી જ આપણા લઘુ ઉદ્યોગોને બળ મળશે અને દેશની ઈકોનોમીમાં પણ આ પ્રાથમિકતા મદદરૂપ સાબિત થશે.
આપણું રૂપે કાર્ડ આવનારા સમયમાં અન્ય દેશો પણ જોશે. આપણા દેશના નાના વેપારમાં પણ આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણા દુકાનદારો બોર્ડ લગાવે છે કે આજે રોકડા કાલે ઉધાર, હવે આપણે
બોર્ડ લગાવવું જોઈએ કે ડિજિટલ પેમેન્ટને હા, રોકડને ના.

રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડો

વડા પ્રધાને કહ્યું હતું કે હું ખેડૂતો પાસે કંઈક માંગવા ઈચ્છું છું. આ ધરતી આપણી માતા છે, પરંતુ શું આપણે ક્યારેય ધરતી માતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. આપણે જે રીતે કેમિકલ ખાતરોનો ઉપયોગ કરી રહ્યાં છીએ તે આપણી ધરતી માતાનો નાશ કરી રહ્યાં છીએ. આપણને ધરતી માતાનો નાશ કરવાનો કોઈ હક નથી. આઝાદીના ૭૫ વર્ષ થઇ રહ્યા છે. શું આપણે ૧૦ ટકા, ૨૦ ટકા, ૨૫ ટકા કેમિકલ ફર્ટિલાઈઝરનો પ્રયોગ ઓછો કરીશું? મારા ખેડૂત ભાઇઓ મારી આ માંગને પુરી કરશે તેવો મને વિશ્વાસ છે.
આપણા દેશના પ્રોફેશનલ્સને વિશ્વ માને છે. આપણું ચંદ્રયાન ઝડપથી ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે, જયાં કોઈ ગયું નથી. એ જ રીતે રમતના મેદાન પર પણ આપણે ખૂબ જ ઓછા દેખાતા હતા. આજે ૧૮થી ૨૨ વર્ષના આપણા છોકારા-છોકરીઓ તમામમાં જોવા મળે છે. આપણે દેશમાં ફેરફાર કરવાનો છે. દેશના વડા પ્રધાન પણ તમારી જેમ દેશના નાગરિક છે. આવનારા સમયમાં ગામડાઓમાં ૧.૫ લાખ વેલનેસ સેન્ટર બનાવશે.

૧૫ પર્યટન સ્થળની મુલાકાત લો

વડા પ્રધાને કહ્યું કે, હું આજે તમામ પરિવારને વિનંતી કરું છું ક, જ્યારે દેશ આઝાદીના ૭૩મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શું તમે નથી ઈચ્છતા કે તમારું બાળક આપણા દેશની બારીકાઈને જુએ અને સમજે? કોણ આવું ન ઈચ્છતું હોય કે અમારા બાળકો આ દેશની માટી સાથે જોડાય. આપણે ગમે તેટલા આગળ વધી જઈશું તો પણ દેશની માટી સાથે હંમેશા જોડાયેલા રહીશું. ભારતનું સામર્થ્ય ઉજાગર કરવા માટે હું આપ સૌને એક વિનંતી કરું છું કે, ૨૦૨૨ પહેલા પોતાના પરિવાર સાથે ભારતના ઓછામાં ઓછા ૧૫ પર્યટન સ્થળોની મુલાકાત લો. કઠિન પર્યટન સ્થળો કે જ્યાં હોટેલ ન હોય અથવા સુવિધાઓ ન હોય તેવા સ્થળોએ જઈને તેને યોગ્ય બનાવવા માટે પોતાનો ફાળો આપો. જો તમે જવાનું શરૂ કરશો તો દુનિયાના ઘણા લોકો ત્યાં આવશે.

ચીફ ઓફ ડિફેન્સનો મુદ્દો ૧૮ વર્ષથી અટવાયેલો હતો

વડા પ્રધાન મોદીએ ભાષણમાં ત્રણેય સેનાઓના એક વડા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની વરણી કરવાની જાહેરાત કરી. વાસ્તવમાં સીડીએસની વ્યવસ્થાની જરૂરત ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં જણાઇ હતી. આ પછી રાષ્ટ્રીય સુરક્ષા માટે બનેલી સમિતિએ ૨૦૦૧માં હોદ્દાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી યુપીએ અને એનડીએની સરકારો આવતી જતી રહી. ૬ સંરક્ષણ પ્રધાન બદલાયા અને સંસદમાં સતત આ અંગે વાયદા પણ થયા કે સીડીએસનું પદ રચવાનો પ્રસ્તાવ વિચારાધીન છે. હવે મોદીની જાહેરાત સાથે ૧૮ વર્ષથી સંસદને આપતા વાયદાનો સિલસિલો અટકશે.

નરેન્દ્ર મોદી ચોથા ક્રમે પહોંચ્યા

૭૩મા સ્વાતંત્ર્ય પર્વે ધ્વજારોહણ કરવાની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોગલ કાળના કિલ્લા પરથી સૌથી વધારે ધ્વજારોહણ કરવાના મામલે ચોથા સ્થાને પહોંચ્યા છે. અટલ બિહારી વાજપેયી (છ વખત) બાદ મોદી આ સિદ્ધિ હાંસિલ કરનારા બીજા બિનકોંગ્રેસી નેતા છે. પહેલા નંબર પર દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ છે, જેમણે ૧૭ વખત લાલ કિલ્લા પરથી તિંરગો લહેરાવ્યો છે. બીજા ક્રમે ઈન્દિરા ગાંધી છે, જેમને ૧૬ વખત આ તક મળી છે. જ્યારે મનમોહન સિંહ ત્રીજા નંબરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter