મુંબઈ: પોર્ન કેસમાં ઝડપાયેલા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા સામે વધુ નવા આરોપો સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય અને પ્રવક્તા રામ કદમે આરોપ મૂકતા જણાવ્યું છે કે, રાજ કુન્દ્રાએ ઓનલાઈન ગેમ્સ દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમણે જણાવ્યું કે, ઓનલાઈન ગેમ ‘GOD’ દ્વારા રાજ કુન્દ્રાએ ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધારે રકમની છેતરપિંડી કરી છે.
કદમે દાવો કર્યો છે કે, કુન્દ્રાએ ગેમ્બલિંગ ગેમ્સ અને ડિસ્ટ્રિબ્યૂશનના નામે ગરીબો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કુન્દ્રાએ પોતાના ગેમ દ્વારા લોકોને છેતરવા માટે શિલ્પા શેટ્ટીના નામ અને તસવીરોનો પણ ઉપયોગ કર્યો હતો. અમે શિલ્પા શેટ્ટીનું સન્માન કરીએ છીએ પણ કુન્દ્રા દ્વારા તેની તસવીરો થકી લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
બીજી તરફ બોમ્બે હાઈ કોર્ટે રાજ કુન્દ્રાની જામીન અરજીની સુનાવણી માટે ૭ ઓગસ્ટની મુદ્દત આપી હતી અને ધરપકડને પડકારતી અરજીનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. આ કેસમાં આગામી દિવસોમાં કાયદાકીય નવા વળાંકો
જોવા મળશે તેવો પણ સૂત્રોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.
લિગલ બેટિંગના નામે છેતરપિંડી
કદમે આરોપ મૂકતા વધુમાં જણાવ્યું કે, વિયાન ઈન્ડસ્ટ્રીના નામે કુન્દ્રા દ્વારા GOD (Game of Dots) વિકસાવવામાં આવી હતી. કંપનીના વડા તરીકે શિલ્પા શેટ્ટીની તસવીરોનો જ ઉપયોગ કરાયો જેથી ગેમનું પણ પ્રમોશન થઈ શકે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ગેમ સરકાર માન્ય પ્લેટફોર્મ છે. આ રીતે લોકોને ઈનામી રાશિ જીતવાની લાલચ આપીને પૈસા ભરવા માટે મજબૂર કરાયા અને અંદાજે ૩,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.
લોકો પાસેથી રૂપિયા પડાવ્યા
કુન્દ્રા અને તેની કંપની દ્વારા લોકોને ડિસ્ટ્રિબ્યૂશનના નામે છેતરવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૧૫-૨૦ લાખ રૂપિયાની રકમ વસૂલવામાં આવી હતી. ઘણા લોકોએ તો ૩૦ લાખ સુધીની રકમ માગવામાં આવી હોવાનું જણાવ્યું હતું. લોકો જ્યારે કુન્દ્રા અને કંપની પાસેથી પૈસા પરત મેળવવા ગયા તો મારપીટ પણ કરવામાં આવી હતી.
રૂ. ૧૫૦ કરોડની આવકનું લક્ષ્ય
પોર્ન ફિલ્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કુન્દ્રાને કોર્ટમાં રજૂ કર્યો તે વેળા કેટલોક ડિજિટલ ડેટા પુરાવા રૂપે રજૂ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, રાજ કુન્દ્રા કેસની તપાસ દરમિયાન તેમને એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મળ્યું હતું જેમાં તેની કંપનીના ફ્યૂચર પ્લાન બતાવવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, રાજ કુન્દ્રા પોતાની એપ અને પોર્ન ફિલ્મ કંપનીની રેવન્યૂને ૧૫૦ કરોડ રૂપિયા સુધી લઈ જવા માગે છે. તેના દ્વારા તેણે વર્ષે ૩૦ કરોડના પ્રોફિટની પણ આશા રાખી હતી. રાજ કુન્દ્રાએ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના નાણાકીય વર્ષનો રેવન્યૂ અને પ્રોફિટને પ્લાન તૈયાર કરી લીધો હતો. મહત્ત્વની વાત એ છે કે, તેણે બોલિફેમ નામની કંપની બનાવી હતી અને તેની એપ દ્વારા પોર્ન ફિલ્મોનો કારોબાર આગળ વધારવાનો પ્લાન બનાવ્યો હતો. કુન્દ્રાએ બોલિફેમ માટે ત્રણ વર્ષમાં કરોડોની કમાણીનો પ્લાન બનાવ્યો હતો. તેના પ્લાન પ્રમાણે ૨૦૨૩-૨૪માં ૧.૪૬ અબજ રૂપિયાની આવક થવાનું આયોજન હતું. તેના દ્વારા તેણે ૩૦ કરોડ રૂપિયાના પ્રોફિટનો અંદાજ માંડયો હતો.
૧૨૦ એડલ્ટ ફિલ્મ રિકવર
પોલીસે કુન્દ્રાની ધરપકડ કરતાં જ તેના સાગરીતો દ્વારા ઓફિસમાં રહેલી ડ્રાઈવમાંથી ઘણો ડેટા ડિલીટ કરી દેવાયો હતો. તેમ છતાં ફોરન્સિકની મદદથી અત્યાર સુધીમાં ૧૨૦ એડલ્ટ ફિલ્મો રિકવર થઈ છે. આ સિવાય રાજ કુન્દ્રાએ પોતાનો મોબાઈલ પણ બદલી કાઢયો હતો જેથી જૂના ડેટા મળી શકે નહીં અને કોન્ટેક્ટ ડિટેલ્સ પણ ગેરવલ્લે કરી શકાય.
પ્લીઝ મીડિયા ટ્રાયલ ન કરશોઃ શિલ્પા
પોર્ન કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ અંગે શિલ્પા શેટ્ટીએ આખરે મૌન તોડતાં ઈન્સ્ટાગ્રામ ઉપર કહ્યું છેઃ હું કાયદો માનનાર ગૌરવશાળી ભારતીય નાગરિક છું, ૨૯ વર્ષથી સખત મહેનત કરનાર પ્રોફેશનલ છું, અમારી મીડિયા ટ્રાયલ ન કરશો, પ્લીઝ! કાયદાને કાયદાનું કામ કરવા દો. વધુમાં શિલ્પા શેટ્ટીએ તેના બાળકોને માટે તેમની પ્રાયવસીને માન આપવા અપીલ કરી હતી.
શિલ્પાએ કહ્યું હતું, એક માતા સ્વરૂપે કહું છું, અમારા બાળકોને ખાતર અમારી પ્રાયવસીને માન આપો, અધકચરી વિગતોની ખરાઈ કર્યા વગર કોમેન્ટ્સ ન કરશો. સમય આવ્યે સત્ય બહાર આવશે. પ્લીઝ મારા નામે ખોટી વાતો ન ચગાવશો. હું હજી કશું જ બોલી નથી. હું હજી કશું જ બોલી નથી.
મીડિયા પર નિયંત્રણ નહીંઃ કોર્ટ
મીડિયા ટ્રાયલ સામે શિલ્પાએ હાઈ કોર્ટમાં કરેલી માનહાનિની અરજી અંગે કોર્ટે કહ્યું કે ચાલુ પ્રોસેસ વિશે સૂત્રોના આધારે કહેવાતી વાતોમાં કોઈ માનહાનિ જણાતી નથી. મીડિયા પર નિયંત્રણ ન મૂકી શકાય. જોકે કોર્ટે યૂટયૂબ ઉપર મુકાયેલા ત્રણ વીડિયો ડિલીટ કરવા કહ્યું હતું.
કુન્દ્રાનો પાસપોર્ટ જપ્ત
રાજ કુન્દ્રાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કુન્દ્રા ભાગીને વિદેશ જતો ન રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચે એપ્રિલમાં જ પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં જેવું રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું તરત જ તેણે પાસપોર્ટ જપ્ત કરી દીધો હતો. પોર્ન ફિલ્મ કેસમાં પકડાયેલા રાજ કુન્દ્રા અને રાયન થોર્પની જામીન અરજી પર સુનાવણી કરતા બચાવ પક્ષના વકીલ આબાદ પૌંડાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દીધી છે. આ બંને આરોપીઓ ઉપરાંત આ બંને કેસમાં પકડાયેલા બીજા નવ આરોપીઓ જામીન પર બહાર છે. આ કેસમાં પહેલા પકડાયેલા આરોપીઓ પર રાજ અને રાયન કરતાં પણ વધારે ગંભીર આરોપ છે. રાજ અને રાયનને જે કેસ હેઠળ પકડવામાં આવ્યા છે તે બધા કેસની જોગવાઈઓમાં સાત વર્ષથી વધારે સજા નથી. રાજ કુન્દ્રાનો પરિવાર મુંબઈમાં જ રહે છે અને તેથી તપાસ કે સુનાવણી દરમિયાન હાજર નહી રહે તેવું કહી ન શકાય.