ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવત ૨૦૭૪ના પ્રારંભે ગુજરાતને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની ભેટ આપી છે. ૨૨ ઓક્ટોબરે ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્ર (ઘોઘા, ભાવનગર જિલ્લો) અને દક્ષિણ ગુજરાત (દહેજ, ભરૂચ જિલ્લો)ને જોડતી ફેરી સેવાનું લોકાર્પણ કરતા વડા પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રોજેક્ટ હિંદુસ્તાનને વિકાસની નવી દિશા આપશે. દરિયાઇ રાજ્યો માટે આ સેવા વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. આ સાથે વડા પ્રધાને ગુજરાતમાં મેરિટાઇમ યુનિવર્સિટી અને લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ સ્થાપવાની જાહેરાત કરી હતી.
ગુજરાત મેરિટાઈમ બોર્ડ (જીએમબી)એ રૂ. ૬૧૫ કરોડના ખર્ચે સાકાર કરેલા પ્રોજેક્ટના પહેલા તબક્કામાં પ્રવાસીઓને સફર કરાવાશે. બીજો તબક્કો બે મહિનામાં તૈયાર થશે જેમાં મોટરકાર સહિતના વાહનોનું પરિવહન થશે. ઘોઘા અને દહેજ વચ્ચે રોડ માર્ગે અંતર ૩૬૦ કિમી થાય છે, જે અંતર ટ્રક અને બસ દ્વારા કાપતાં ૧૦-૧૨ કલાક અને કાર દ્વારા ૬-૮ થાય છે. જોકે ફેરી સર્વિસથી આ અંતર માત્ર ૩૧ કિમી થઇ ગયું છે, જે માત્ર ૬૦ મિનિટમાં કાપી શકાશે.
ઘોઘા નગર ભાવનગર શહેરથી ૨૦ કિમી દૂર છે. ભાવનગર એ ગુજરાતનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. તેથી ઘોઘા જેટલું જ દહેજ પણ મહત્ત્વ ધરાવે છે. દહેજ રેલવે લાઈન વડે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર ભરૂચ સાથે જોડાયેલું છે. આ પ્રોજેક્ટ ૧૯૬૦ના દાયકામાં રજૂ કરાયો હતો. પ્રોજેક્ટનો શિલાન્યાસ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૧૨માં કર્યો હતો.
લંકાની લાડી, ઘોઘાનો વર
આ જાણીતી કહેવતનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, ઘોઘામાં વર્ષો પૂર્વે અનેક દેશમાંથી જહાજોની આવન-જાવન થતી હતી તેના પરથી ઘોઘાની વર્ષો પહેલાં કેવી જાહોજલાલી હતી તેની કલ્પના કરી શકાય છે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ઉદ્યોગને બળ મળશે, રોજગારીની વિપુલ તકો વધશે અને પ્રવાસન ઉદ્યોગને નવી દિશા મળશે. જે સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો લોકોનું જીવન બદલી નાખશે. આ ફેરી સર્વિસથી હજીરા, પીપાવાવ, જાફરાબાદ, દમણ, દીવ, મુંબઈ, ગોવાને સાથે જોડીને આગળ વધીશું.
બીચ-ક્રૂઝ ટુરિઝમ વધશે
મોદી કહ્યું હતું કે, હવે એ દિવસો દૂર નથી દર અડધા-અડધા કલાકે ફેરી સર્વિસ ચાલશે. પોતાની કારમાં જ આરામથી બેસીને ગોવા-કચ્છ સુધી જવાશે. અમારાં સુરતી લાલાને છોકરાનો જન્મદિવસ મનાવવો હોય તો જન્મદિવસ પણ સમુદ્રની વચ્ચે ઉજવી શકશે. ગુજરાતમાં હવે બીચ-ક્રૂઝ ટુરિઝમ વધશે.
મોદીનું નવું સૂત્ર P ફોર P
વડા પ્રધાને તેમની આગવી સ્ટાઇલ મુજબ P ફોર Pનું નવું સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પી ઓફ પોર્ટ અને પી ફોર પ્રોસ્પરિટી. બંદર સમૃદ્ધિનાં પ્રવેશદ્વાર છે તેમ જણાવી બ્લૂ ઇકોનોમી પર વિશેષ ભાર મૂક્યો હતો.
હવે સમય બ્લ્યૂ ઇકોનોમીથી દેશનો વિકાસ થશે. ૧૮-૧૯મી સદીમા ઔદ્યોગિક ક્રાંતિ જમીન ઉપર થઈ હતી. હવે ૨૧મી સદીમાં બ્લ્યૂ ઇકોનોમી થકી ક્રાંતિ સમુદ્ર પર થશે.
દેશ માટે મોડેલ પ્રોજેક્ટ
મોદીએ ફેરી સર્વિસના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અનેક પડકારો બાદ શરૂ કરાયેલો ઘોઘા-દહેજ ફેરી સેવા પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યો માટે મોડેલ પ્રોજેક્ટ બનશે. હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે અમે જૂની નીતિઓ બદલી હતી અને ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા માટે ટર્મિનલ બાંધવાનું કામ ખાનગી લોકોને માથે નાખવાને બદલે જાતે જ બાંધવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું હતું. રો-રો ફેરી સેવાની વાતો હું મારાં સ્કૂલના દિવસોથી સાંભળતો હતો, ઘણી સરકારો બદલાઈ ગઈ, પણ સેવા શરૂ કરાઈ નહોતી. હવે આ સેવા શરૂ થવાથી સમય બચશે, દેશનું ઘણું ઈંધણ પણ બચશે.
ફેરી સર્વિસના ઉદઘાટન બાદ વડા પ્રધાને ભાવનગરના દિવ્યાંગ બાળકોની સાથે ફેરીમાં સફર કરી હતી. ખાસ મહેમાનો એવા આ બાળકોને ઘોઘાથી બોટમાં સફર કરાવીને દહેજ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વડા પ્રધાન મોદી ઉતરી ગયા હતા બાળકોને એ જ બોટમાં પાછા ઘોઘા લઈ જવાયા હતા.
દક્ષિણ એશિયામાં પ્રથમ
આ વિશિષ્ટ સેવામાં, વિશાળ દરિયાઈ જહાજ પ્રવાસીઓ ઉપરાંત તમામ પ્રકારના પૈડાંવાળા કાર્ગો વાહનો (કાર, ટ્રક, ટ્રેઈલર્સ વગેરે)નું પણ વહન કરે છે. ઘોઘા-દહેજ રો-રો સેવા માત્ર ગુજરાતની જ નહીં, પણ સમગ્ર ભારત ઉપરાંત દક્ષિણ એશિયામાં પહેલા જ પ્રકારની રો-રો બોટ સેવા છે.
વેપાર-ઉદ્યોગને લાભ
ફેરી સર્વિસ શરૂ થતા દરરોજ ૧૦ હજાર લોકોના એક લાખ માનવકલાકની બચત થશે. દરરોજ સરેરાશ ૫૦૦૦ લોકો સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત આવ-જા કરે છે. ફેરી સેવા શરૂ થતાં તેમને મોટો ફાયદો મળશે. હીરાઉદ્યોગ સુરતથી સૌરાષ્ટ્ર તરફ વળશે જ્યારે સૌરાષ્ટ્રના લોકો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે. અંદાજ પ્રમાણે ફેરી સેવાથી હીરાઉદ્યોગને ૯૦૦ કરોડ રૂપિયાનો જ્યારે કાપડ ઉદ્યોગને ૩૫૦ કરોડ રૂપિયાનો ફાયદો થશે.
ટેક્સટાઇલ સેક્ટરમાંથી દરરોજ જોબવર્ક માટે કરોડો રૂપિયાનો માલ સૌરાષ્ટ્ર તરફ જાય જ છે. જોબવર્ક થઈ ગયા બાદ ફરીથી સુરત આવે છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૪થી ૧૬ કલાકનો સમય નીકળી જાય છે અને આ માલ ત્યાં પહોંચાડવા માટેનો ખર્ચ પણ વધુ આવે છે. આથી વેપારીઓને આ ખર્ચ મોંઘો પડતો હતો. જોકે હવે ફેરી સર્વિસ શરૂ થતાં જોબવર્ક સૌરાષ્ટ્ર તરફ વધુ ડાયવર્ટ થશે.