નવી દિલ્હીઃ મિશન ચંદ્રયાન-3ની જ્વલંત સફળતા બાદ હવે ઇસરોએ હવે સૂર્ય ભણી પ્રયાણ કર્યું છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરો દ્વારા Aditya-1 ઉપગ્રહને શનિવારે સવારે 11:50 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી PSLV-C57 દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરાયો હતો. Aditya-L1 અંતરિક્ષ આધારિત ભારતીય વેધશાળા છે, જે તે સૂર્યનો અભ્યાસ કરશે. 128 દિવસમાં 15 લાખ કિલોમીટરના પ્રવાસ બાદ સૂર્ય નજીક પહોંચનારું Aditya-L1 દર 24 કલાકે સૂર્યની 1440 તસવીરો ઇસરોને મોકલશે.
128 દિવસનો પ્રવાસ
આ ભારતીય ઉપગ્રહને સૂર્યની કક્ષામાં પહોંચવામાં કુલ 128 દિવસ લાગશે. સૂર્યની કક્ષામાં પહોંચ્યા બાદ આદિત્ય-એલ1 સૂર્યનો અભ્યાસ કરશે અને તેની માહિતી એકત્ર કરશે. સૂરજ પર દેખરેખ રાખવા માટે ધરતી પરથી સ્પેસમાં મોકલવામાં આવનાર પ્રથમ ભારતીય સ્પેસ મિશન હશે. વૈજ્ઞાનિકો અનુસાર મિશન હેઠળ અલગ અલગ પ્રકારના ડેટા એકત્ર કરવામાં આવશે. સાથે એવી વ્યવસ્થા બનાવી શકાશે કે જેનાથી ધરતી પર થનારા નુકસાન અંગે પહેલેથી એલર્ટ કરી શકાશે.
15 લાખ કિલોમીટરનું અંતર
Aditya-L1 મિશનનું સૌથી અગત્યનું સાધન સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) છે. તેને પૂણેના ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (LICAA) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. IUCAAના વૈજ્ઞાનિકો અને મુખ્ય ઇન્વેસ્ટિગેટર દુર્ગેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઇસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ1 છે, જે સુરજ તરફ 15 લાખ કિલોમીટર સુધીનો પ્રવાસ કરશે અને પછી સુરજનો અભ્યાસ કરશે.