લંડન
ભારત સરકાર દ્વારા એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરી ટાટા ગ્રુપ ઓફ કંપનીઝને વેચવામાં આવી ત્યારે દરેકને એવી આશા હતી કે ટાટા કાળજી, સુવિધા અને આરામદાયકતાને ટોચની પ્રાથમિકતા આપશે. તે સમયે એર ઇન્ડિયા કરોડો પાઉન્ડના દેવા તળે દબાયેલી હતી અને ખોટ સહન કરીને તેને બેઠી કરવી એ કોઇ સરળ કામ નહોતું પરંતુ ટાટાએ આ પડકાર ઝીલી લીધો હતો.
એર ઇન્ડિયાના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કેમ્પબેલ વિલ્સનને કેટલીક અપેક્ષાઓ સાથે નિયુક્ત કરાયા હતા અને 27 માર્ચ 2023ના રોજ ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટર્વ્યુમાં તેમની મહત્વાકાંક્ષા જાણ્યા પછી વાચકોનો એર ઇન્ડિયા પરનો વિશ્વાસ વધ્યો હતો.
કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, મારો લક્ષ્યાંક પ્રવાસીઓની સંખ્યા 3 ગણી કરવાનો અને ખાડી દેશો અને યુએઇમાં આવેલા એરપોર્ટ હબ્સને પરાસ્ત કરવાનો છે. પરંતુ તે જ સમયે લંડનના હિથ્રો એરપોર્ટ ખાતેથી ઓપરેટ થતી અમદાવાદની સીધી ફ્લાઇટને ગેટવિક ખાતે સ્થળાંતરિત કરવાના તેમના નિર્ણયે દરેકને ચોંકાવી દીધાં હતાં. કયા આધારે આ બદલાવ કરાયા હતા? આ માટે કોઇ સરવે હાથ ધરાયો હતો? ભારતીય સમુદાય અથવા તો બિઝનેસ કોમ્યુનિટી સાથે તે અંગે કોઇ ચર્ચા કરાઇ હતી?
ભારતીય સમુદાય માટે કામ કરતા એક જવાબદાર અખબાર તરીકે અમે ટ્રાવેલ એજન્ટો સાથે મળીને આ અંગે વિગતવાર અભ્યાસ કર્યો અને એર ઇન્ડિયાની ફ્લાઇટો ગેટવિક એરપોર્ટ ખાતે ખસેડવાના લાભ અને ગેરલાભ અંગે ચર્ચા કરી હતી. જોકે ટ્રાવેલ એજન્ટો આ અંગે જાહેરમાં કશું કહેવા તૈયાર નથી અને એર ઇન્ડિયાને નારાજ કરવા માગતા નથી. ચર્ચામાં એટલું તારણ કાઢી શકાયું કે લંડનની વસતીને સમજવી અત્યંત મહત્વની છે.
લંડનનું ગેટવિક એરપોર્ટ દક્ષિણમાં બ્રાઇટોન નજીક આવેલું છે અને અમદાવાદ પ્રવાસ કરનારા મોટાભાગના પ્રવાસીઓ પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ અથવા તો ગ્રેટર લંડનમાં રહે છે. તેમના માટે લંડનનું હિથ્રો એરપોર્ટ ઘણું નજીક, જાણીતું અને સુવિધાજનક છે. લંડનનું ગેટવિક એરપોર્ટ અદ્દભૂત છે પરંતુ હિથ્રોની નજીક વસવાટ કરતા સમુદાયના પ્રવાસીઓને હાલની કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં ગેટવિક પહોંચવા માટે વધારાના નાણા અને સમય ખર્ચવા પડે છે. હિથ્રો એરપોર્ટ મોટાભાગના પ્રવાસીઓના ઘરથી 16 માઇલના દાયરામાં આવેલું છે જ્યારે ગેટવિક પહોંચવા માટે 50 માઇલ કરતાં વધુ અંતર કાપવું પડે છે. તેમાં પણ નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે આ અંતર અત્યંત તણાવદાયક પૂરવાર થાય છે. બિઝનેસ કોમ્યુનિટી અને પ્રોફેશનલ્સ સેન્ટ્રલ લંડનથી હિથ્રો જવા માટે એલિઝાબેથ લાઇનનો ઉપયોગ સહેલાઇથી કરી શકે છે પરંતુ હવે ગેટવિક પહોંવા માટે તેમને હેવી ટ્રાફિકમાં ટેક્ષી અથવા નેશનલ રેલનો સહારો લેવો પડે છે. ઉલેઝ તેમના મુસાફરી ખર્ચમાં વધારો કરે છે.
લંડનથી અમદાવાદની સીધી ફ્લાઇટ શરૂ કરાવવા માટે હાથ ધરાયેલા મિશનને સફળ બનાવવા સી બી પટેલ, મનોજ લાડવા જેવા સમાજના આગેવાનોએ અથાક પરિશ્રમ કર્યો હતો. તેમણે સંખ્યાબંધ વાર ભારતની મુલાકાત લઇને સાંસદો અને વડાપ્રધાન કચેરી સમક્ષ રજૂઆતો કરી હતી. યુકેની સંસદ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશને પણ આગળ આવીને આ પ્રયાસને જોરદાર સમર્થન આપ્યું હતું. 2015માં વેમ્બલી સ્ટેડિયમ ખાતે 60,000 કરતાં વધુ દર્શકોને તે સમયે ભારતના નવા ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સીધી ફ્લાઇટ શરૂ કરવાનું વચન આપ્યું હતું અને લંડનથી અમદાવાદની સીધી ફ્લાઇટ શક્ય બની હતી.
હિથ્રોથી અમદાવાદની સીધી ફ્લાઇટ પાછળ નાણા કમાવવાનો ઇરાદો નહોતો તેમ છતાં અપેક્ષા કરતાં આ ફ્લાઇટને વધુ પ્રવાસીઓ અને કમાણી મળતાં રહ્યાં હતાં. ખરેખર તો આ મામલો પ્રવાસીઓની સુવિધા અને બે મહાન દેશો વચ્ચે વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવાનો તથા બંને દેશોના વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાનો છે.
તેથી અમે સીઇઓ વિલ્સનને તેમના નિર્ણય પર પુનઃવિચાર કરવા અપીલ કરીએ છીએ. વિશેષ તેઓ લંડનના હિથ્રોથી અમદાવાદની સીધી ફ્લાઇટ શરૂ કરાવવા માટેના પ્રયાસોને તેઓ ધ્યાનમાં લે.