લંડનઃ લેબર પાર્ટી ના વડા કેર સ્ટાર્મરે લંડનમાં સૌપ્રથમ વખત નવરાત્રિની ઉજવણીમાં હાજરી આપી હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વિસ્તૃત ઈન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હિન્દુ કોમ્યુનિટી બ્રિટનનો અવિભાજ્ય હિસ્સો છે. લેબર પાર્ટી હિન્દુ ફોબિયાને ઘણી ગંભીરતાથી લઈ રહી છે અને આપણા સમાજમાં કોઈ પણ જગ્યાએ તેને કદી સ્થાન નથી. તેમની સાથે નવેન્દુ મિશ્રા MP, કૃપેશ હિરાણી AM, ડો. ઓન્કાર સાહોતા AM, કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ, ઈલિંગના મેયર કાઉન્સિલર મીધા અને સાથીદારો હાજર રહ્યા હતા.
• પ્રશ્નઃ હિન્દુ ફોબિયા સંદર્ભે તમારું શું વલણ છે?
ઉત્તરઃ હું એ બાબત સ્પષ્ટ કરીશ કે મારા અને લેબર પાર્ટી દ્વારા હિન્દુ ફોબિયાને ઘણી ગંભીરતાથી લેવાઈ રહ્યો છે. આપણા સમાજમાં કોઈ પણ જ્ગ્યાએ હિન્દુ ફોબિયાને કદી કોઈ જ સ્થાન નથી અને આપણે સહુએ સાથે મળીને તેની સામે લડવું પડશે. હું જાણું છું કે ઘણા લોકોને તેમના ધર્મના આધારે લક્ષ્ય બનાવાય છે અને તાજેતરના વર્ષોમાં હેટ ક્રાઈમ્સમાં ઘણો વધારો થયો છે. તાજેતરના સપ્તાહોમાં લેસ્ટર અને બર્મિંગહામની શેરીઓમાં જે વિભાજન આપણે જોયું તેનાથી હું ભારે વિચલિત થયો છું. કટ્ટરવાદીઓ દ્વારા સોશિયલ મીડિયાના દુરુપયોગથી હિંસા અને ઘૃણાનો પ્રસાર કરાય છે. આપણે બધાએ ઘૃણા ફેલાવવાના તમામ પ્રયાસો સામે મજબૂતાઈથી એક થવું જોઈએ. આપણી પાસે આપણને વિભાજિત કરે તેનાથી એકસંપ બનાવે તે મુદ્દા વધુ છે. આપણા ધર્મ, પૂજા-પ્રાર્થનાના સ્થળો અને પ્રતીકોને સન્માન-આદર આપવો જોઈએ અને તેમ કરાશે. લેબર ગવર્મેન્ટ બધા લોકોને એક સાથે લાવશે અને આ વિભાજનવાદી રાજકારણનો અંત લાવશે.
• પ્રશ્નઃ હાલ યુકેમાં ભારતીય કોમ્યુનિટી સાથે તમારા સંબંધ કેટલા ગાઢ છે? નવરાત્રિ ઉત્સવમાં આ તમારી પ્રથમ મુલાકાત છે?
ઉત્તરઃ હું લેબર પાર્ટી અને ભારતીય કોમ્યુનિટી વચ્ચે વિશ્વાસસેતુના નિર્માણ માટે મક્કમ છું. હું ભારતીય કોમ્યુનિટીના પ્રશ્નો-સમસ્યાઓ અને અપેક્ષાઓને વ્યક્તિગત રીતે સાંભળું છું, નવરાત્રિ જેવા કાર્યક્રમોમાં ભાગ લઉં છું જે વિશ્વાસના પુનર્નિર્માણનો હિસ્સો છે. ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ, SKLPCની 50મી વર્ષગાંઠ, નવરાત્રિ, વિજયાદશમી અને દિવાળી ભારતીય કોમ્યુનિટી સાથે સંપર્ક સાધવાની તક પૂરી પાડે છે. ભારતીય કોમ્યુનિટીએ આપણા દેશને જે વિશાળ અને વ્યાપક યોગદાન આપ્યું છે, ભલે તે સંસ્કૃતિ, બિઝનેસ, ફાઈનાન્સિયલ સેક્ટર અને NHS હોય, તે બદલ હું તમારો આભાર માનવા ઈચ્છું છું. તમે બ્રિટનના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પણ અવિભાજ્ય હિસ્સારૂપ છો.
નવરાત્રિની ઉજવણીમાં અહીં આવવાનો આ મારો પ્રથમ પ્રસંગ છે. અહીં હોવું તે ખરેખર ગૌરવ છે. હું વિશ્વાસ નિર્માણનો મક્કમ નિર્ધાર ધરાવું છું અને તેના માટે મારે સંપર્કમાં રહેવું જોઈએ અને મારી સમક્ષ મૂકાયેલા કોઈ પણ પ્રશ્નોના ઉત્તર પણ આપવા જોઈએ. અહીં કોમ્યુનિટીના સભ્યોએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા અને જે ખરેખર મહત્ત્વના મુદ્દાઓ આવ્યા તે પ્રતિનિધિત્વ અને લેબર પાર્ટી, પોલિટિક્સમાં ભારતીય પ્રતિનિધિત્વ અને કોમ્યુનિટીના લોકોને ઉમેદવાર તરીકે બહાર આવવા કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય તે સંબંધિત હતા.
• પ્રશ્નઃ ભારતીય કોમ્યુનિટી અને ભારતને આકર્ષવા તમારી સુધારાત્મક યોજના શું છે?
ઉત્તરઃ ભારત લોકશાહી દેશ છે, હું સ્વીકારું છું કે બંને સરકારો વચ્ચે ઘણા મજબૂત સંબંધ છે. હું આ સંબંધોને આર્થિક, સાંસ્કૃતિક અને વેપારના પ્લેટફોર્મ્સ પર મજબૂત બનાવવા ઈચ્છું છું. ભારત સરકાર સાથે અમે જે સંબંધ ઈચ્છીએ છીએ તે પરત્વે લેબર પાર્ટીના અભિગમનું હું શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકું છું. ઉદાહરણ ટ્રેસી બ્રાબીનનું છે જેઓ ટ્રેડ મિશન પર ભારતની મુલાકાતે જઈ આવ્યા છે. અમે આ પ્રકારના સંબંધો ઈચ્છીએ છીએ. બંને દેશો વચ્ચે ઘણા ઘણા વર્ષોથી મજબૂત સંપર્ક કડીઓનું અસ્તિત્વ છે અને હું તેનો આદર કરું છું એટલું જ નહિ, તેમને વધુ મજબૂત બનાવવા માગું છું. અમે સૌપ્રથમ બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા સાથે અને બીજું ભારત સરકાર સાથે રચનાત્મક સંબંધ બનાવવા માગીએ છીએ.
• પ્રશ્નઃ કાશ્મીર મુદ્દે તમારું શું વલણ છે?
ઉત્તરઃ હું સ્વીકારું છું કે કાશ્મીરનો મુદ્દો ભારત, કાશ્મીર અને પાકિસ્તાન વચ્ચે ઉકેલાવો જોઈએ. અમારી ભૂમિકા તે શાંતિપૂર્ણ નિરાકરણને શક્ય બનાવવામાં મદદરૂપ થવાની હશે. અમે કોઈ પણ મુદ્દાના સંદર્ભે આમ જ કરવાનો નિર્ધાર ધરાવીએ છીએ. પરંતુ, લેબર પાર્ટી માટે ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનું ઘણું મહત્ત્વનું છે. અમે ભારત તરફ હાથ લંબાવી રહ્યા છીએ. હું વિશ્વાસના નિર્માણ બાબતે સ્પષ્ટ અને મક્કમ છું.
• પ્રશ્નઃ લેબર પાર્ટીએ વર્તમાન આર્થિક કટોકટીને કેવી રીતે અલગથી હાથ ધરી હોત?
ઉત્તરઃ અમે નિશ્ચિતપણે આ દેશ માટે સંપત્તિનું સર્જન કરી રહેલા વર્કિંગ પીપલ તેમજ કોમ્યુનિટીના પાયા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આરંભ કરીશું. જેથી આ દેશમાં વિકાસની કોઈ પણ ટ્રિગોનોમેટ્રીનો લાભ તેમને મળવો જ જોઈએ. હું ભારતીય કોમ્યુનિટીના ઘણા લોકોને મળ્યો છું જેઓ વધી રહેલા ભાવ, તેઓ ચૂકવી ન શકે તેવા બિલ્સ, હાઉસ અને મોર્ગેજની ચિંતાજનક પરિસ્થિતિ સહિતની બાબતોથી તેઓ ભારે ચિંતામાં છે. ઘણા બિઝનેસીસને પણ ભારે અસર પહોંચી છે. વર્તમાન સરકારે આખરે મિનિ-બજેટ સાથે પ્રતિભાવ આપ્યો જેનાથી સ્થિતિ સારી નહિ, વધુ ખરાબ થઈ. મને લાગે છે કે આ કટોકટી ડાઉનિંગ સ્ટ્રીટમાંથી જ જન્મી છે. આનું કારણ કોઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ નથી, તે કારણ મહામારીનું નથી પરંતુ, સરકારના રાજકીય નિર્ણયનું છે. લોકો કિંમત ચૂકવી રહ્યા છે કારણકે સરકારે અર્થતંત્ર પરનો કાબુ ગુમાવી દીધો છે. આનો ઉપાય એનર્જી બિલ્સ સ્થગિત કરવાનો છે પરંતુ, સાથે એ ચોકસાઈ કરવાનો પણ છે કે જંગી નફો કમાનારી ઓઈલ અને ગેસ કંપનીઓએ પોતાનો હિસ્સો પણ ચૂકવવો જોઈએ. આ સરકાર કરજ લેવામાં જ બધું મૂકી રહી છે જેનો અર્થ એ છે કે કરદાતાઓ, ભારતીય બિઝનેસીસ અને કોમ્યુનિટી કિંમત ચૂકવશે, ભાવિ જનરેશન પણ તેની ચૂકવણી કરતું રહેશે.
આથી, અમે ચોકસાઈ રાખીશું કે ઓઈલ અને ગેસ કંપનીઓ તેમનો હિસ્સો ચૂકવે. આ ઉપરાંત, અમે ગત સપ્તાહે સમગ્ર દેશમાં બધી જગ્યાએ આપણા અર્થતંત્રની વૃદ્ધિ કરવાની વાસ્તવિક મહત્ત્વાકાંક્ષાને વિકસાવવાની એક યોજના ઘડેલી છે. આપણે છેક તળિયાથી મધ્ય માર્ગ સુધી સદા વિકસતા રહેવાની ચોકસાઈ રાખવી પડશે. હાલમાં તો સરકાર ધનવાનોને વધુ ધનવાન બનાવવાના લક્ષ્ય સાથે અર્થતંત્ર સાથે રમત રમી રહી છે. • પ્રશ્નઃ દેશમાં અને વિશેષતઃ NHS માં સંસ્થાગત રેસિઝમનો સામનો કરવા બાબતે લેબર પાર્ટીનો અભિગમ કેવો હશે?
ઉત્તરઃ અમે NHSસહિત કોઈ પણ પ્રકારના સંસ્થાગત રેસિઝમનો ભારે મજબૂતાઈથી સામનો કરીશું. આથી જ અમે ભારે ઝડપથી સંસ્થાગત રેસિઝમનો સામનો કરવા બાબતે લેજિસ્લેશન અને સરકાર માટે પ્રતિબદ્ધ છીએ. ભૂતકાળમાં લેબર પાર્ટી દ્વારા લૈંગિકતા અને સમાનતાના સંદર્ભે કોઈ પ્રકારના રેસિઝમનો ભારે ઝડપી સામનો કરાયો હતો અને ભવિષ્યમાં પણ અમે તે કામગીરી કરીશું.