લંડનઃ લગભગ ૫૦ વર્ષ અગાઉ ઈલિંગ રોડ, વેમ્બલી (જે ગ્રેટર ગુજરાત નામે પણ જાણીતું છે) ખાતે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશન (BIA)ની સ્થાપના કરવામાં આવી હતી. BIA જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના સ્થાનિક ભારતીય સમુદાયની વિવિધ સેવાઓની જરૂરિયાતો પૂરી પાડવા તરફ ધ્યાન આપે છે. તેને લોકલ કાઉન્સિલ અથવા કોઈ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભંડોળ અપાતું હોય તેવું પણ નથી. BIA દર વર્ષે હજારો લોકોને સેવા આપવાનું કાર્ય કરે છે અને કોમ્યુનિટીના સભ્યો, મુખ્યત્વે હિન્દુ, જૈન અને શીખોના ટેકા પર જ આધારિત છે.
આ સંસ્થાને સુશ્રી અનિતા રુપારેલીઆના અધ્યક્ષપદે મજબૂત એક્ઝીક્યુટિવ કમિટીના વડપણ હેઠળ સ્વયંસેવકોની સક્રિય અને સમર્પિત ટીમ મળી છે તે ઘણુ મોટુ ભાગ્ય છે. *
BIA ખાતે ૨૦ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુકે મુલાકાત અને ભારત-યુકે સંબંધો વિશે એક વાર્તાલાપ (જેનો અહેવાલ એશિયન વોઈસના ૨૬ ડિસેમ્બરના અંકના ૨૬મા પાન પર જોઈ શકાશે)નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પરના સભાખંડ (પ્રાર્થનાખંડ)માં શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. હું એક ખૂણામાં બેઠો હતો અને મારી નજર એક સ્વચ્છ ટેબલ પર પડી, જ્યાં હિન્દુ, જૈન, બૌધ્ધ અને શીખ ધર્મની મૂર્તિઓ સાથે ઈસ્લામિક અને ક્રિશ્ચિયન પ્રતીકોને પણ દેખાઈ આવે તેવું નોંધપાત્ર સ્થાન મળ્યું હતું. આ એક ઘરમંદિર-પૂજાસ્થળ જેવું જ હતું. મને તો ઘણો જ આનંદ થયો. હું BIA અને હિન્દુ સમુદાયના વલણથી ઘણો પ્રભાવિત પણ થયો કારણકે તેમના ૯૫ ટકા ક્લાયન્ટ્સ પારંપરિક ભારતીય આસ્થા સાથે સંકળાયેલા હતા અને લગભગ બધુ જ ભંડોળ તેમની પાસેથી જ મળતું હોવાં છતાં તેમનું હૃદય એટલું વિશાળ અને વૈશ્વિક ભાવના ધરાવતું હતું કે ક્રાઈસ્ટ, મસ્જિદ તેમજ અન્ય ધાર્મિક પ્રતીકોને ટેબલ પર સ્થાન અપાયું હતું.
આ દૃશ્યે મને ટકોરાં મારી કહ્યું કે આ જ તો ભારતનો આધ્યાત્મિક વારસો છે. આના કારણે તો આસપાસની અસહિષ્ણુતા, કટ્ટરવાદ અને હિંસાથી ઘેરાયેલું રહેવા છતાં ભારત શ્રદ્ધા અને જાતિઓના વૈવિધ્યનું મૂર્તિમંત પ્રતીક બની રહ્યું છે.
ભારત સદાકાળ આવું જ બની રહે તેવી પ્રાર્થના કરીએ. બ્રિટિશ ભારતીયો તરીકે આપણે પણ આપણા મૂલ્યો અને પરંપરાઓને આત્મસાત કરીએ અને તેનું ગૌરવ અનુભવીએ.
*(http://www.brentindianassociation.org)