લંડનઃ હિંદુઓમાં ખૂબ પવિત્ર ગણાતી ગાય એટલે કે ગૌમાતાના રક્ષણ માટે યુકેના બેનબરીની યશવી કાલિયાએ બીડું ઝડપ્યું છે. તેમણે પોતાના અભિયાનની શરૂઆત એક પિટિશન દ્વારા કરી છે. હિંદુઓ ગાયને ખૂબ પવિત્ર માને છે અને ધર્મગ્રંથો પ્રમાણે તેને દિવ્ય સ્ત્રી અને માતા ગણવામાં આવે છે. તેના દૂધમાંથી બનતા પદાર્થો પણ પવિત્ર મનાય છે. દૂધ, દહીં, ઘી અને માખણનો ઉપયોગ લગભગ દરેક હિંદુ પૂજા અને વિધિમાં થાય છે. શિવલિંગો પર હજારો ગેલન દૂધ ચડાવવામાં આવે છે અને હવનમાં તેમજ આપણે જે પ્રસાદ આરોગીએ છીએ તેના માટે વિવિધ સ્વરૂપે દૂધનો ઉપયોગ થાય છે.
અહિંસા એ એક શબ્દ છે જેનો અર્થ કોઈને પણ ઈજા ન પહોંચાડવી તેવો થાય છે. અહિંસા એ પ્રાચીન ભારતીય ધર્મનો મહત્ત્વનો સ્તંભ છે અને તે સંવેદનાની અભિવ્યક્તિ સાથે સંકળાયેલો છે. જોકે, ગાય હાલના સમયમાં માત્ર દૂધ ઉત્પાદનનું મશીન બની ગઈ છે. તેનું જીવન છીનવાઈ ગયું છે અને તેને સતત હેરાન કરવામાં આવી રહી છે.
ડેરી ફાર્મમાં ગાય પર થતો ત્રાસ
૧. મહિલા પોતાના બાળકને પોષણ માટે દૂધ આપે છે તેવી જ રીતે ગાય પણ દૂધ આપે છે. પરંતુ, ડેરી ફાર્મમાં વાછરડાને માત્ર એક દિવસનું હોય તો પણ તેની માતાથી દૂર રખાય છે. તેને દૂધના વિકલ્પરૂપ (પશુઓનાં લોહી સહિત) વસ્તુઓ અપાય છે જેથી તેની માતાનું દૂધ લોકોને વેચી શકાય.
૨. ગાય એક વર્ષની થાય ત્યાર બાદ તેનું કૃત્રિમ ગર્ભાધાન કરાવાય છે. વાછરડાને જન્મ આપ્યા પછી તે ૧૦ મહિના સુધી દૂધ આપે છે. તે પછી ફરી તેનું કૃત્રિમ ગર્ભાધાન કરાવાય છે.
૩. ગાયનું કુદરતી આયુષ્ય સરેરાશ ૨૦ વર્ષનું હોય છે અને તે આઠ કે નવ વર્ષ સુધી દૂધ આપે છે. જોકે, ફેક્ટરી ફાર્મ્સની પરિસ્થિતિને લીધે થતી તાણથી ગાયને બીમારી, ખોડખાંપણ આવે છે અને પ્રજનનની સમસ્યા ઉભી થાય છે, જેને લીધે ગાય માંડ ૪-૫ વર્ષની થાય ત્યાં સુધીમાં તો ડેરી ઉદ્યોગ માટે નકામી બની જાય છે અને તેને કતલખાને મોકલી દેવાય છે.
૪. ગાયને અકુદરતી, વધુ માત્રામાં પ્રોટિન ધરાવતો આહાર અપાય છે જેમાં મૃત મરઘાં, ડુક્કર અને અન્ય પશુઓનો સમાવેશ થાય છે. કારણ કે, ઘાસમાં વધારે પ્રમાણમાં દૂધ ઉત્પાદન થાય તેવા તત્ત્વો હોતાં નથી.
૫. દૂધ ઉત્પાદન માટે જે ગાયો ઉછેરવામાં આવે છે તે ગાયોમાં આંચળની કષ્ટદાયક બળતરા અથવા મેસ્ટિટિસ સામાન્ય હોય છે. ડેરી ફાર્મ પણ ઘણી વખત ગાયોને કતલખાને મોકલવા માટે આ જ કારણ દર્શાવે છે.
મંદિરો તરીકે આપણે પણ ઘણાં નાના વાછરડાની હત્યામાં ભાગીદાર છીએ. તમે દૂધ પીવો છો ત્યારે તમે વાછરડાના માંસના ઉદ્યોગને પ્રોત્સાહન આપો છો. માદા વાછરડાની કતલ કરાય છે અથવા દૂધ આપે તે માટે જીવતા રખાય છે. જ્યારે નર વાછરડું એક દિવસનું હોય ત્યારે જ તેની માતાથી દૂર કરીને ૩થી ૧૮ અઠવાડિયા સુધી નાના સ્ટોલમાં તેના માંસના ઉપયોગ માટે રખાય છે. તેમને એવો ખોરાક અપાય છે જેનાથી દરરોજ તેના વજનમાં બે પાઉન્ડનો વધારો થાય છે.
આ સમસ્યાનો ઉકેલ સાવ સરળ છે.
ટૂંકા ગાળાનો ઉકેલઃ આપણે સ્થાનિક મંદિરો અને ગુરુદ્વારાને માત્ર સ્થાનિક ધોરણે અને ડેરીના ક્રૂરતા મુક્ત સ્રોતથી ઉત્પાદિત થયેલ પ્રસાદનો જ ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ.
લાંબા ગાળાનો ઉકેલઃ બીજું, ફેક્ટરી ફાર્મ ડેરીના ઉપયોગને ઘટાડવા માટે આપણે આપણા મંદિરો પોતાની ગૌશાળા શરૂ કરી શકે તે માટે પ્રોત્સાહન અને આર્થિક મદદ આપવી જોઈએ.