હું ખુશ છું, ક્ષમા અને કરુણામાં માનું છુંઃ ઇન્દ્રાણી મુખર્જી હસતાં મોઢે જેલમાંથી બહાર

Wednesday 25th May 2022 06:45 EDT
 
 

મુંબઇઃ પોતાની દીકરી શીના બોરાની હત્યાની મુખ્ય આરોપી અને સાડા છ વર્ષથી ભાયખલા મહિલા જેલમાં બંધ ઇન્દ્રાણી મુખર્જીનો ગયા શુક્રવારે કામચલાઉ છૂટકારો થયો છે. ઇન્દ્રાણીએ જેલની બહાર આવી મીડિયા પર્સન્સ અને જેલ બહાર એકઠા થયેલાં ટોળાં સામે હાથ હલાવ્યા હતા અને ખુશખુશાલ ચહેરે વૈભવી કારમાં ઘર તરફ રવાના થઈ હતી. તેણે મીડિયાને જણાવ્યું હતું કે જેલની અંદર રહીને મને બહુ શીખવા મળ્યું છે. હું બહુ ખુશ છું. હું ક્ષમા અને કરુણામાં માનું છું. જેલવાસ દરમ્યાન ઇન્દ્રાણીના વાળ સંપૂર્ણ સફેદ થઇ ગયા હતા. જોકે શુક્રવારે તે જેલમાંથી બહાર આવી ત્યારે તેના વાળ કાળા હતા ને મોઢા પર તાજગીભર્યું હાસ્ય હતું.
સાડા છ વર્ષનો જેલવાસ મોટો સમય કહેવાય અને કેસ લાંબો ચાલે એમ હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે 18 મેના રોજ ઈંદ્રાણીને જામીન આપ્યા છે. હત્યાના આરોપસર ઈંદ્રાણીની 2015માં અટકાયત કરાઇ ત્યારથી તે ભાયખલા જેલમાં હતી. કેસમાં 237માંથી 68 સાક્ષીની ચકાસણી થઈ છે. કસ્ટડી દરમ્યાન જ ઈંદ્રાણીના તેના પતિ પીટર મુખર્જી સાથે એપ્રિલ ૨૦૧૯માં છૂટાછેડા થઈ ગયા હતા.
હત્યાનું કારણઃ ઓરમાન ભાઇબહેનનો પ્રેમસંબંધ
શીના બોરા (૨૪)ની એપ્રિલ ૨૦૧૨માં તેની માતા ઈંદ્રાણી મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામવર રાય અને ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાએ અપહરણ કરી કારમાં ગળું દબાવી હત્યા કર્યાનો આરોપ છે. તેનો મૃતદેહ રાયગડ જિલ્લાના જંગલમાં બાળી નંખાયો હતો. ઈંદ્રાણીએ તે સમયે શીના પોતાની પુત્રી નહિ પણ બહેન હોવાનું જણાવ્યું હતું. હત્યાનું કારણ શીના અને રાહુલ વચ્ચે પ્રેમસંબંધ હતો.
પોલીસ તપાસમાં જણાયું કે શીના ઈંદ્રાણીની તેના અગાઉના સંબંધથી થયેલી પુત્રી હતી જ્યારે રાહુલ ઈંદ્રાણીના પતિ પીટરનો તેની અગાઉની પત્નીથી થયેલો પુત્ર હતો. ઈંદ્રાણીને ઓરમાન ભાઇબહેન - શીના અને રાહુલનો પ્રેમસંબંધ મંજૂર નહોતો. પીટર મુખર્જીની પણ ષડયંત્રમાં સામેલગીરી બદલ અટક કરાઇ હતી. તેને હાઈ કોર્ટે એપ્રિલ ૨૦૨૦માં જામીન આપ્યા હતા.
ક્રાઇમ થ્રીલરથી કમ નથી ઈન્દ્રાણીનું જીવન
પોતાની જ પુત્રીની હત્યા માટે સાડા છ વર્ષ જેલમાં રહેલી ઈન્દ્રાણીનું વ્યક્તિત્વ અને જીવન એક ક્રાઈમ થ્રીલર ફિલ્મથી જરા પણ ઉતરતું નથી.
ઈન્દ્રાણી ગુવાહાટીમાં ઉપેન્દ્ર કુમાર બોરા અને દુર્ગા રાણી બોરાના ઘરે જન્મી હતી અને જુનિયર કોલેજથી જ તેણે સ્વતંત્ર જિંદગી જીવતી હતી. કહેવાય છે કે ભણતી હતી ત્યારે બિશ્નુ ચૌધરી નામના કાયદા વિભાગના છાત્ર સાથે સંપર્કમાં આવી. કેટલાક માને છે કે બંનેએ લગ્ન કરેલા પણ બિશ્નુ કહે છે કે સંબંધો હતા પણ લગ્ન નથી થયા.
આ પછી ઈન્દ્રાણી શિલોંગના લેડી કિન કોલેજમાં ભણી. 1985માં 12મા ધોરણની પરીક્ષા આપી. અહીં તેનો પરિચય સિદ્ધાર્થ દાસ સાથે થયો. ઈન્દ્રાણીએ પરિવારમાં કહ્યું કે સિદ્ધાર્થ તેનો પતિ છે અને હવે તે બન્ને બોરા ફેમિલી સાથે રહેશે. જોકે ઈન્દ્રાણીની ધરપકડ પછી સિદ્ધાર્થે કહ્યું હતું કે બંને વચ્ચે લગ્ન થયા ન હતા. સિદ્ધાર્થ સાથેના સહજીવનથી પુત્રી શીના અને પુત્ર મિખાઈલનો જન્મ થયો. જોકે, સસરા ઉપેન્દ્ર બોરાની સહાય, મદદ પછી પણ સિદ્ધાર્થ ઠરીઠામ ન થતાં ઈન્દ્રાણીએ તેને છોડીને કોલકાતાની રાહ પકડી. પુત્ર અને પુત્રીનો ઉછેર નાના-નાનીએ કર્યો અને સિદ્ધાર્થને ઘરમાંથી હાંકી કઢાયો હતો.
ઈન્દ્રાણીએ કોલકાતામાં પોતાની જાતને નવો લૂક - નવું નામ આપ્યા. આઈએનએક્સ એચઆર કન્સલ્ટન્સીમાં નોકરી મેળવી. ઈન્દ્રાણી બોરામાંથી દાસ બનેલી આ યુવતીએ ટૂંકા રોમાન્સ બાદ અહીં સંજીવ ખન્ના સાથે લગ્ન કર્યાં. લગ્નજીવનથી પુત્રીનો જન્મ થયો તેનું નામ વિધિ હતું. જોકે, ધીમે ધીમે ખન્નાની આર્થિક હાલત નબળી પડવા લાગી. પેમેન્ટ ચૂકી જતાં ક્લબમાંથી તેનું સભ્યપદ રદ્દ કરાયું. બીજી તરફ ખૂબ મહત્વાકાંક્ષી ઈન્દ્રાણીએ પોતાની રીતે ક્લબ, માલદાર અધિકારીઓ, કોર્પોરેટ ઓફિસરો, માલિકો અને કિટી પાર્ટીમાં મહાલતી પૈસાદાર મારવાડી મહિલાઓ સાથે નેટવર્કિંગ કરી લીધું હતું. ખન્ના બીમાર પડતાં બંને છુટા પડી ગયા.
2002માં ઈન્દ્રાણી મુંબઈ આવી. પીટર મુખરજી સાથે લગ્ન કર્યાં. મુખરજી સ્ટાર ઈન્ડિયા ટીવી નેટવર્કના ભારતના હેડ હતા. ધનિક હતા. વગદાર લોકો, આંખો આંજી દે એવી પાર્ટીમાં જતા-આવતા હતા. ફિલ્મ અભિનેતા અને ટીવી સ્ટાર સાથે સંપર્ક ધરાવતી અને ફાંફડું અંગ્રેજી બોલતી, પૈસાદારોની પાર્ટીમાં કોલકાતામાં મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરી ઈન્દ્રાણીએ પીટર મુખરજીને આંજી દીધા. પીટર મુખરજીએ પોતાનું મીડિયા હાઉસ આઈએનએક્સ મીડિયા શરૂ કર્યું. પત્ની ઈન્દ્રાણી તેમાં સાથે હતી. ઈન્દ્રાણીની મહેચ્છા હતી કે આ મીડિયા હાઉસ સ્ટાર અને સ્કાયના માલિક રુપર્ટ મર્ડોક કરતાં પણ વધારે સફળ થાય.
2003 પછી ઈન્દ્રાણીએ ભૂતકાળ અંગે અનેક લોકોને અનેક વાતો કરી હતી. દરેક વાત એવી હતી કે જેમાંથી સત્ય બહાર આવે નહીં. ત્યાં સુધી કે નાના પાસે રહીને ભણતર પૂરું કરી મુંબઈ રહેવા આવેલી સગી પુત્રીને તેણે પોતાની સાવકી બહેન હોવાનો પરિચય આસપાસના લોકોને આપ્યો હતો!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter