લંડનઃ મેયર ઓફ લંડન અને લેબર પાર્ટીના અગ્રણી સાદિક ખાને આગામી રવિવાર દીવાળીના દિવસે યોજાનારી ભારતવિરોધી કાશ્મીર કૂચને વખોડી કાઢી છે. આ કૂચમાં અંદાજે ૫૦૦૦થી ૧૦,૦૦૦ દેખાવકારો ભારતીય હાઈ કમિશનની બહાર એકત્ર થવાના છે. ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટે હાઈ કમિશન બહાર ઉજવણી દરમિયાન પાકિસ્તાની અને ખાલિસ્તાની તેમજ કહેવાતા કાશ્મીરીઓ દ્વારા દેખાવોમાં ભારે હિંસા અને તોડફોડ આચરાતા ભયનું વાતાવરણ સર્જાયું હતું.
ભારતીય મૂળના લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહે લખેલા પત્રના ઉત્તરમાં પાકિસ્તાની મૂળના મેયર ખાને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત વિરોધકૂચથી યુકેની રાજધાનીમાં ભાગલા વધી જશે. તેમણે કૂચના આયોજકો અને તેમાં ભાગ લેનારાઓને દેખાવો રદ કરવા સલાહ આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કૂચ પર પ્રતિબંધ લાદવાની સત્તા મેયર પાસે નહિ પરંતુ, દેશના હોમ સેક્રેટરી પાસે હોય છે. ઉલ્લેખનીય છે કે નવીન શાહે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને પણ કૂચ પર પ્રતિબંધ લાદવા અનુરોધ કરતો પત્ર પાઠવ્યો હતો.
લાખો લોકો બ્રેક્ઝિટવિરોધી કૂચમાં જોડાયા
હાઉસ ઓફ કોમન્સમાં બોરિસ જ્હોન્સનની બ્રેક્ઝિટ સમજૂતી પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે શનિવારે લાખો લોકોબ્રેક્ઝિટવિરોધી કૂચમાં સામેલ થયા હતા. આ દેખાવકારોએ વડા પ્રધાનની નવી બ્રેક્ઝિટ સમજૂતી પર જનમત લેવાની માગણી કરી હતી. તેમણે ઈયુના ધ્વજના પ્રતીક સમાન બ્લુ બેરેટ્સ પહેર્યા હતા. ‘પીપલ્સ વોટ’ તરીકે ઓળખાયેલી રેલીમાં ભાગ લેવા વહેલી સવારથી એકત્ર લોકોએ વેસ્ટમિન્સ્ટર તરફ પ્રયાણ કર્યું હતું. રેલીમાં અનેક સેલેબ્રિટીઝ પણ હાજર રહી હતી.