હુઆ સો હુઆ... શીખ રમખાણો મુદ્દે સામ પિત્રોડાએ બાફ્યું

Saturday 11th May 2019 07:51 EDT
 
 

નવી દિલ્હી ૧૦ઃ શીખ મતદારોનું વર્ચસ ધરાવતી દિલ્હી અને હરિયાણાની લોકસભા બેઠકો માટે રવિવારે - ૧૨ મેના રોજ મતદાન યોજાવાનું છે તે ટાંકણે જ જાણીતા ટેક્નોક્રેટ અને ઇંડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ૧૯૮૪ના શીખ રમખાણ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી છે. પિત્રોડાએ ૧૯૮૪નાં શીખ રમખાણો મુદ્દે એવી ટિપ્પણી કરી છે કે, ‘હુઆ સો હુઆ...’ તેમના આ શબ્દોથી શાસક ભાજપને કોંગ્રેસને ભીંસમાં લેવાનો મોકો મળી ગયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોહતકમાં રેલીને સંબોધતા કોંગ્રેસનાં નેતા સામ પિત્રોડાને આ મુદ્દે ઘેર્યા હતા. મોદીએ આક્ષેપો કર્યા હતા કે, ‘કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ શીખવિરોધી રમખાણોને માત્ર ૩ શબ્દોમાં જ સમેટી લીધા, જે શીખો પ્રત્યે તેમની નફરત અને ગુસ્સો દર્શાવે છે. આ નેતા ગાંધી પરિવારનાં ખુબ જ નીકટનાં છે. ૧૯૮૪નાં રમખાણો વખતે હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનાં અનેક શીખોની હત્યા કરાઈ હતી અને આજે કોંગ્રેસ કહે છે, હુઆ સો હુઆ...’
મોદીએ કહ્યું કે આ ત્રણ શબ્દોમાં કોંગ્રેસનો અહંકાર સમજી શકાય છે. કોંગ્રેસ માટે લોકોનાં જીવનનું કોઈ મૂલ્ય નથી. કોંગ્રેસ અને તેની સાથીઓથી સાવધ રહેવાની લોકોએ જરૂર છે. કોંગ્રેસે ૭૦ વર્ષ દેશ ચલાવ્યો પણ તેના દિલ અને દિમાગમાં શું ભર્યું છે તે જુઓ.
કોંગ્રેસનાં શાસનમાં ભ્રષ્ટાચાર અને બ્લેકમની મુખ્ય પ્રવાહ બની ગયા અને કોંગ્રેસ ગરીબોની મલાઈ જ ખાતી રહી. કોંગ્રેસ કેટલી સંવેદનહીન છે એ તેનાં ત્રણ શબ્દો પરથી દેખાઈ આવે છે. તેનાં એક નેતાએ ૧૯૮૪નાં શીખ રમખાણો અંગે કહ્યું, હુઆ સો હુઆ. આ નેતા રાજીવ ગાંધીનાં સારામાં સારા મિત્ર હતા અને કોંગ્રેસનાં નામદારનાં ગુરુ છે. તેમના માટે ઈન્સાન એ ઈન્સાન નથી. જીવનનું કોઈ મૂલ્ય નથી. હજારો શીખોની હત્યા કરાઈ અને ઘર સળગાવાયા. અનેક રાજ્યોમાં શીખોને નિશાન બનાવાયા અને કોંગ્રેસનાં નેતા કહે છે હુઆ સો હુઆ. હરિયાણાની જનતા આનો જવાબ દેશે.

રાજીવે કહ્યું હતું કે...

વડા પ્રધાન મોદીએ ૧૯૮૪નાં શીખ રમખાણો અંગે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની વીડિયો ક્લિપને ટાંકતાં કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા કેવી છે એ તેમનાં નિવેદનો પરથી જણાઈ આવે છે. તેઓ વર્ષો સુધી લોકોની અવગણના કરતા આવ્યા છે. રાજીવ ગાંધીએ જ તે વખતે કહ્યું હતું કે, જબ બડા પેડ ગિરતા હૈ તબ જમીન હિલતી હૈ. આ બાબત કોંગ્રેસનું ઘમંડ દર્શાવે છે. જનતા જવાબ આપવા તૈયાર છે.

પિત્રોડાએ શું કહ્યું હતું?

૧૯૮૪માં શીખોની હત્યાની સૂચના રાજીવ ગાંધી દ્વારા અપાઇ હતી કે કેમ તેવા ભાજપનાં દાવા અંગે જ્યારે પિત્રોડાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ઉશ્કેરાઇને જવાબ આપ્યો હતો કે, રમખાણો તો ૧૯૮૪માં થયા હતા. હવે ૮૪નું શું છે? તમે પાંચ વર્ષમાં શું કર્યું તેની વાત કરો. ૮૪માં હુઆ સો હુઆ... આપને ક્યા કિયા? તેવો પ્રશ્ન મોદીના શીખ રમખાણોની ટિપ્પણી પછી સામ પિત્રોડાએ કર્યો હતો.

ભાજપ-સાથી પક્ષોનો વિરોધ

પિત્રોડાનાં આ નિવેદન પછી ભાજપે તેમની સામે મોરચો ખોલ્યો છે. તો સહયોગી પક્ષ શિરોમણિ અકાલી દળે પણ વિરોધ પ્રદર્શન યોજીને તેમના આક્રોશને વાચા આપી છે. અકાલી દળના સભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર દેખાવો-પ્રદર્શન કરીને તેમના આક્રોશને વાચા આપી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે પિત્રોડાનું નિવેદન ટ્વિટ કરીને કોંગ્રેસ પાસે જવાબ માગ્યો છે. તેમણે કહ્યું કે દેશ મર્ડરર કોંગ્રેસને તેના પાપ માટે ક્યારેય માફ નહીં કરે. પ્રકાશ જાવડેકરે તેમની ટિપ્પણીને પરેશાન કરનારી ગણાવીને ટ્વિટ કર્યું છે કે, તેઓ એટલે કે પિત્રોડા કહી રહ્યા છે કે ૧૯૮૪માં નરસંહાર થયો તો શું? દેશને આ ટિપ્પણી અસ્વીકાર્ય છે. અમે આ સાંખી લઈશું નહીં. કોંગ્રેસ લોકોની ભાવનાઓ સાથે રમત રમે છે. તેઓ રાહુલ ગાંધીના ગુરુ છે. જો ગુરુ આવા હશે તો ચેલા કેવા હશે? જનતાની ભાવનાઓ પ્રત્યે તે અસંવેદનશીલ છે.

પહેલાં ઐયર અને હવે પિત્રોડા

૨૦૧૪ની લોકસભા ચૂંટણી વેળા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ચાયવાલા કહેતા ભાજપે તેને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. ૨૦૧૯માં શીખ રમખાણો મુદ્દે સામ પિત્રોડાની ટિપ્પણી હુઆ સો હુઆએ કોંગ્રેસની મુશ્કેલી વધારી છે. કોંગ્રેસે આ નિવેદન મુદ્દે પિત્રોડાથી અંતર જાળવ્યું છે અને તેને પિત્રોડાનાં અંગત વિચારો ગણાવ્યા છે. દિલ્હીમાં તમામ લોકસભા બેઠકો અને અગત્યના રાજ્યોમાં રવિવારે મતદાન છે ત્યારે પિત્રોડાનાં આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આના કારણે કોંગ્રેસ બચાવની સ્થિતિમાં મૂકાઇ ગઇ છે.

પિત્રોડાએ માફી માગી...

‘હુઆ સો હુઆ...’ ટિપ્પણીથી રાજકીય ધમાસાણ મચ્યા પછી સામ પિત્રોડાએ માફી માગીને વાત વાળી લેવા પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મને હિન્દી આવડતું નથી. ખરેખર તો હું જો હુઆ, બુરા હુઆ તેમ કહેવા માગતો હતો. બુરા હુઆ શબ્દોને હું યોગ્ય રીતે ટ્રાન્સલેટ કરી શક્યો નહીં. મારી ટિપ્પણીને તોડીમરોડીને રજૂ કરાઈ છે. ભાજપ સરકારે શું આપ્યું અને શું કર્યું તે મુદે ચર્ચા કરવા અમારી પાસે અન્ય મુદ્દા છે. મારી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાઈ છે તેથી હું માફી માગું છું. પણ આ મામલાને ખોટી રીતે રજૂ કરાયો છે.

એ પક્ષનું નિવેદન નથી: કોંગ્રેસ

સામ પિત્રોડાની ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી અને તેણે આ નિવેદનથી અંતર જાળવ્યું હતું. કોંગ્રેસના નેતાઓને કોઈ પણ નિવેદન કરતાં પહેલાં સાવધ અને સંવેદનશીલ રહેવાની તાકીદ કરાઇ હતી. કોંગ્રેસે કહ્યું હતું કે પિત્રોડાનું નિવેદન એ પક્ષનું નિવેદન નથી. અમે શીખ રમખાણ પીડિતોની સાથે છીએ. શીખ રમખાણ પીડિતોની સાથે અમે ગોધરા રમખાણ પીડિતોને ન્યાય અપાવવા પણ કોશિશ કરી રહ્યા છીએ. અમે શીખ રમખાણોનાં આરોપીઓ સામે કાર્યવાહી કરી જ્યારે ભાજપે માલેગાંવ બ્લાસ્ટનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપી દીધી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter