લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ મંગળવારે સવારે સરકારની ઈમર્જન્સી કમિટી કોબ્રાની બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું જેમાં માંચેસ્ટરનાં ત્રાસવાદી હુમલા અંગેની વિગતો તેમજ તેના પ્રતિસાદ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાન મેએ જણાવ્યું હતું કે ‘અમારી લાગણીઓ અને પ્રાર્થના મૃતકો તેમજ અસરગ્રસ્તોના પરિવારો અને મિત્રોની સાથે જ છે. એ બાબતે શંકા નથી કે માંચેસ્ટર અને આ દેશના લોકો ઘૃણાસ્પદ ત્રાસવાદી હુમલાનો શિકાર બન્યાં છે. આ હુમલામાં ઠંડા દિમાગ સાથે આપણા સમાજમાં સૌથી યુવાન લોકોને નિશાન બનાવાયા છે. યુનાઈટેડ કિંગડમમાં આપણે અનુભવેલા સૌથી ખરાબ ત્રાસવાદી હુમલાઓમાં આનો સમાવેશ થાય છે.
માંચેસ્ટરે પહેલી વખત આ સહન કર્યું નથી છતાં આ સૌથી ખરાબ હુમલો છે. તમામ ત્રાસવાદી કૃત્યો નિર્દોષ લોકો સામેના કાયરતાપૂર્ણ હુમલા છે. પરંતુ આ હુમલો તેની આઘાતજનક અને ગંદી કાયરતા માટે અલગ પ્રકારનો છે જેમાં પોતાના જીવનની સૌથી સ્મરણીય રાત્રીઓમાંથી એકનો આનંદ માણી રહેલા નિર્દોષ લોકો, અરક્ષિત બાળકો અને યુવાન લોકોને નિશાન બનાવાયાં હતાં. હું તમને કહેવા માગું છું કે હુમલાખોરો ઉપરાંત ૨૨ લોકોના મૃત્યુ થયાં છે અને ૫૯ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને ગ્રેટર માંચેસ્ટરની ૮ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઘણાની હાલત ગંભીર છે.’
વડા પ્રધાને ઉમેર્યું હતું કે ભવિષ્યમાં આવા હુમલાઓ અને આવી હિંસાને ઉશ્કેરતી વિચારધારાનો પ્રતિકાર કરવાનો નિર્ધાર અમે ચાલુ રાખીશું. પોલીસ અને સિક્યોરિટી સર્વિસીસ માને છે કે આ હુમલો એક વ્યક્તિ દ્વારા કરાયો હતો પરંતુ તે કોઈ વ્યાપક જૂથનો હિસ્સો હતો કે કેમ તે જાણવાની જરૂર છે. આ હકીકતો સ્થાપિત કરવામાં કેટલોક સમય લાગશે. આ કાર્ય પૂર્ણ કરવામાં તેઓને સંપૂર્ણ સ્રોત પૂરાં પાડવામાં આવશે. માંચેસ્ટર એરીના અને વિક્ટોરિયા સ્ટેશનની આસપાસ વિશાળ કોર્ડન થોડાં સમય માટે ચાલુ રખાશે. સ્ટેશનને બંધ કરી દેવાયું છે અને ફોરેન્સિક તપાસ ચાલે છે ત્યાં સુધી તે બંધ રખાશે.
જોખમનું સ્તર અતિ તીવ્ર છે તેનો અર્થ એ છે કે ત્રાસવાદી હુમલાની શક્યતા રહે જ છે. માંચેસ્ટરમાં માનવતાના ખરાબ પાસાની સાથોસાથ આપણને શ્રેષ્ઠ પાસું પણ જોવા મળ્યું છે. ઈમરજન્સી સર્વિસીસ અને માંચેસ્ટરના લોકોની બહાદુરીએ હુમલાખોરની કાયરતાનો સામનો કર્યો છે. આપણને વિભાજિત કરવાના પ્રયાસ સામે લોકોની નજીક લાવતી દયાળુતાના પ્રમાણ પણ જોવા મળ્યા છે. લોકોએ અસરગ્રસ્તો માટે પોતાના ઘર ખુલ્લાં કરી દીધા હતાં. આગામી સમય મુશ્કેલ દિવસોનો હશે પરંતુ આપણે તેનો સામનો કરીશું. ત્રાસવાદીઓ કદી જીતશે નહીં અને આપણા મૂલ્યો, આપણો દેશ અને આપણી જીવનશૈલી હંમેશાં રહેશે.’