લખનઉઃ દસકાઓની કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની કામગીરી સંભાળી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સામે ભગવાન રામના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો આક્ષેપ થયો છે.
આમ આદમી પાર્ટી (‘આપ’)ના રાજ્યસભાના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ તથા સમાજવાદી પાર્ટી (સપા)ના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ રવિવારે અલગ અલગ પત્રકાર પરિષદ યોજીને આક્ષેપ કર્યો હતો કે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે રૂ. ૨ કરોડની જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટે રૂ. ૧૮.૫ કરોડમાં ખરીદીને ૧૬ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે સમગ્ર કેસની તપાસ સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેક્ટ (ઇડી)ને સોંપવાની માગણી કરી છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી તોળાઇ રહી તે અગાઉ રામ મંદિર માટે જમીન સંપાદનમાં આર્થિક ગેરરીતિ થઇ હોવાનો આરોપથી રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ ઊભી થઇ છે.
સંજય સિંહ અને તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ આક્ષેપ કર્યો હતો કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી રૂ. ૨ કરોડની જમીન રૂ. ૧૮.૫ કરોડમાં ખરીદી કરી છે. આ સ્પષ્ટપણે મની લોન્ડરિંગનો કેસ છે અને સરકારે આ કેસની તપાસ ટોચની તપાસ એજન્સીઓને સોંપી કૌભાંડના રૂપિયા કોની કોની પાસે ગયા તે બહાર લાવવું જોઇએ.
‘આપ’ નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરતાં કહ્યું કે કરોડો લોકોની આસ્થાના કેન્દ્રસમાન ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે ગરીબ ખેડૂતથી લઈને ફેક્ટરીના માલિકોએ પણ ઉદાર હાથે દાન આપ્યું છે. કોઈ નહીં જાણતું હોય હોય કે જે ટ્રસ્ટને દાન આપ્યુ છે, તેણે મસમોટુ કૌભાંડ કરી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે, મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના નામે કોઈ કૌભાંડ કરવાની હિમ્મત કરે, ચંપત રાયે રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામ ઉપર કરોડો રૂપિયા હડપી લીધા છે.
રૂ. ૨ કરોડની જમીન પાંચ જ મિનિટમાં રૂ. ૧૮.૫ કરોડમાં વેચાઇ
તેમણે દાવો કર્યો કે અયોધ્યા સદર તાલુકાના બાગ બિજૈસી ગામમાં ગાડા નંબર ૨૪૩, ૨૪૪ અને ૨૪૬ની જમીન કે જેનું કુલ ક્ષેત્રફળ ૧૨ હજાર ૮૦ વર્ગ મીટર છે તે સુલ્તાન અન્સારી અને રવિ મોહન તિવારી નામની વ્યક્તિઓએ ૧૮મી માર્ચે ૨૦૨૧ના રોજ કુસુમ પાઠક અને હરીશ પાઠક પાસેથી રૂ. ૨ કરોડમાં ખરીદી હતી. આ જમીન ખરીદીમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી બન્યા હતા. આ જમીન સાંજે ૭-૧૦ મિનિટે ખરીદવામાં આવી હતી.
આ ખરીદ કરારની બરાબર પાંચ મિનિટ પછી મંદિર ટ્રસ્ટના કર્તાહર્તા ચંપત રાયે આ જ જમીન સુલ્તાન અંસારી અને રવિ મોહન પાસેથી રૂ. ૧૮.૫ કરોડમાં ખરીદી છે. તેમાંથી ૧૭ કરોડો રૂપિયા RTGS મારફત બાના સ્વરૂપે અપાયા છે.
સંજય સિંહે આક્ષેપ કર્યો હતો કે બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલી જમીનનો ભાગ લગભગ પ્રતિ સેકન્ડ સાડા પાંચ લાખ રૂપિયા વધી ગયો. હિન્દુસ્તાન તો શું આખી દુનિયામાં ક્યાંય પણ કોઈ જમીનનો ભાવ આટલી ઝડપથી વધતો નથી.
આ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો કેસ
સંજય સિંહે કહ્યું કે રસપ્રદ બાબત એ છે કે જે મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય બે કરોડ રૂપિયાની જમીન ખરીદીમાં સાક્ષી હતા તે જ બંને ટ્રસ્ટના નામે જમીન ખરીદીમાં પણ સાક્ષી બની ગયા. આ સ્પષ્ટરૂપે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો કેસ છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને તાત્કાલિક ઇડી અને સીબીઆઇ મારફત આ કેસની તપાસ કરાવી તેમાં સામેલ ભ્રષ્ટાચારી લોકોને જેલમાં નાંખવા વિનંતી કરું છું. કારણ કે આ દેશના કરોડો રામભક્તોની આસ્થાની સાથે કરોડો લોકો સાથે વિશ્વાસનો પણ સવાલ છે.
‘આપ’ સાંસદે કહ્યું કે આ કેસમાં એગ્રીમેન્ટના સ્ટેમ્પના સમય અને સેલ ડીડના સ્ટેમ્પના સમય અંગે પણ સવાલો ઊભા થાય છે. જે જમીન પાછળથી ટ્રસ્ટને વેચવામાં આવી તેના સ્ટેમ્પ પેપર સાંજે ૫.૧૧ વાગ્યે ખરીદવામાં આવ્યા અને જે જમીન પહેલા રવિ મોહન તિવારી અને અંસારીએ ખરીદી તેના સ્ટેમ્પ પેપર સાંજે ૫.૨૨ વાગ્યે ખરીદવામાં આવ્યા. ‘આપ’ પ્રવક્તાએ કહ્યું કે, કોઈ પણ ટ્રસ્ટમાં જમીન ખરીદવા માટે બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવે છે. એવામાં માત્ર પાંચ જ મિનિટમાં કેવી રીતે રામ મંદિર ટ્રસ્ટે આ દરખાસ્ત પાસ કરી લીધી અને તુરંત જમીન ખરીદી લીધી.
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા પવન પાંડેએ પણ આરોપ મૂક્યો હતો કે, બે કરોડ રૂપિયામાં સેલ ડીડ કરવામાં આવેલી જમીનને ૧૦ મિનિટની અંદર જ રૂ. ૧૮.૫૦ કરોડમાં રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ મારફત ટ્રસ્ટને વેચવામાં આવી હતી. પાંડેએ આરટીજીએસ કરવામાં આવેલી ૧૭ કરોડ રૂપિયાની રકમની તપાસ કરવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે, આ નાણા ક્યાં ગયાં તેની તપાસ કરવામાં આવે.
જમીન સોદામાં કોઇ ગોલમાલ નથીઃ મંદિર ટ્રસ્ટ
જોકે તમામ આરોપનું ખંડન કરતાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય કહે છે કે, હાલમાં રૂ.૧૮.૫ કરોડમાં ખરીદાયેલી જમીનની કિંમત વાસ્તવમાં ૧૦ વર્ષ અગાઉ રૂ. બે કરોડ હતી. ટ્રસ્ટનો ખુલાસો છે કે, સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીએ ૧૦ વર્ષ અગાઉ જ જમીન કુસુમ પાઠક અને હરીશ પાઠક પાસેથી ખરીદી લીધી હતી. તે સમયની જમીનની કિંમત અનુસાર બે કરોડનો ભાવ નક્કી કરાયો હતો અને તેની નોંધણી પણ કરાવી લીધી હતી. જ્યારે મંદિરે આ જમીનને ખરીદવાની ઇચ્છા દર્શાવી ત્યારે અન્સારી અને તિવારીએ ૧૮ માર્ચ, ૨૦૨૧ના રોજ નક્કી કરેલી કિંમત પર સેલ ડીડ કર્યું હતું. તે પછી તેણે હાલના દર પ્રમાણે ટ્રસ્ટને આ જમીન વેચી હતી. આ ઘટનાક્રમમાં કોઇ ગોટાળો અથવા હેરાફેરી નથી.
યોગી સરકારે રિપોર્ટ મંગાવ્યો
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદીના મામલે વિવાદ થયા બાદ યોગી સરકાર સાવચેત થઈ છે. આ મામલે યોગી સરકારે રિપોર્ટ માગ્યો છે. મહેસૂલ વિભાગના અધિકારીઓને બોલાવી સંપૂર્ણ માહિતી લેવાઈ હતી. ટ્રસ્ટ પાસે પ્રજાના આપેલા ૪ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ છે. લાંબા સમયથી બીમારીમાં સપડાયેલા રહેલા ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી કમલનયન દાસે પણ અવાજ ઉઠાવ્યો છે. તમામ નિર્ણય મહાસચિવ ચંપત રાય જ લઈ રહ્યા છે.
અયોધ્યાના મેયર પણ શંકાના ઘેરામાં
અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય પણ શંકાના ઘેરામાં છે. તેમના ઘરે ૧૮ માર્ચ ૨૦૨૧ના રોજ જમીન રૂ. ૨ કરોડમાં વેચાણ દસ્તાવેજ તૈયાર કરાયા હતા. જ્યારે રૂ. ૧૮.૫ કરોડમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે આ જમીનનો એગ્રીમેન્ટ પણ બન્યો. તેના માટે રજિસ્ટ્રાર વિભાગના અધિકારીઓને મેયરના ઘરે બોલાવાયા હતા.
લોકોનાં દાનનો દુરુપયોગ અધર્મ: પ્રિયંકા
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ આ મુદ્દે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કરોડો લોકોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાનના ચરણોમાં દાન કર્યું હતું. આ દાનનો દુરુપયોગ અધર્મ છે, પાપ છે, તેમની આસ્થાનું અપમાન છે. બીજી તરફ ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ મૌર્યે જવાબ આપતાં જણાવ્યું હતું કે, રામભક્તોનાં લોહીથી હાથ રંગનારા લોકો સલાહ ના આપે. જો કોઇ આરોપ લાગ્યો છે તો તેની તપાસ થશે. જો કોઇએ ગરબડ કરી હશે તો તેમની સામે પગલાં ભરાશે.
આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. વિહિપના નેતાઓએ જણાવ્યું કે, આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. જમીન કૌભાંડના આરોપો સાચા નીકળશે તો વીએચપી દ્વારા દેશવ્યાપી ધરણા અને આંદોલનો કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રૂ. ૫૦૦ કરોડની એફડી
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે દાનમાં મળેલા રૂ. ૫૦૦ કરોડની એસબીઆઈની અયોધ્યા શાખામાં એફડી કરાવી છે. સાથે જ ટ્રસ્ટે વિદેશી ચલણમાં દાન મેળવવા માટે ખાતું ખોલવાની પ્રક્રિયા પણ પૂરી કરી લીધી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટે ભંડોળ એકત્ર કરવા સમગ્ર દેશમાં નિધિ સમર્પણ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન મારફત ટ્રસ્ટને અંદાજે રૂ. ૭૦૦૦ કરોડનું દાન મળ્યું છે. ટ્રસ્ટે એફડી કરાવેલી ૫૦૦ કરોડ રૂપિયાની રકમ આ ભંડોળનો જ એક ભાગ છે.
દરમિયાન વિદેશમાંથી મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણની આશાએ દિલ્હીની એસબીઆઈની મુખ્ય શાખામાં ખાતું ખોલવાની પ્રક્રિયા પૂરી કરી લેવાઈ છે. વિદેશી ચલણમાં દાન મેળવવા માટે એસબીઆઈની મુખ્ય શાખામાં જ ખાતું હોવું ફરજિયાત છે. નિધિ સમર્પણ અભિયાન હેઠળ એકત્ર થયેલા દાનનું જિલ્લા સ્તરે ઓડિટ થઈ રહ્યું છે.