લંડનઃ ક્વીનના નિવેદનમાં હેરી અને મેગન તરીકે કરાયેલા ઉલ્લેખથી દંપતી શાહી ટાઈટલ્સ ગુમાવી શકે તેવી ચર્ચા ઉભી થઈ છે. સાન્ડ્રિંઘામ હાઉસમાં ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી વચ્ચે થયેલી ચર્ચાના અંતે ૯૩ વર્ષીય ક્વીને હેરી અને મેગન સ્વતંત્ર જીવન વીતાવે તે માટે વ્યથિત હૃદયે સંમતિ આપી હતી. સામાન્યપણે પેલેસની યાદીમાં ટાઈટલ્સનો ઉલ્લેખ કરાય છે પરંતુ, આ બાબત ક્વીનના અંગત પરિવારને સંબંધિત હોવાથી ટાઈટલ્સનો ઉપયોગ કરાયો ન હોય તેમ બની શકે છે.
ક્વીને ચર્ચાને રચનાત્મક ગણાવ્યું હતું પરંતુ, હેરી અને મેગનના ભાવિ વિશેના નિવેદનમાં દંપતીનો ઉલ્લેખ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ તરીકે કરવામાં આવ્યો ન હતો. તેમને માત્ર નામ સાથે ઉલ્લેખિત કરાયા હતા. જોકે, ટ્રાન્ઝીશન પીરિયડમાં શાહી ફરજો વિશે જણાવાયું ત્યારે તેમનો ઉલ્લેખ ‘સસેક્સીઝ’ તરીકે કરાયો હતો. જો દંપતીને તેમના ટાઈટલ્સથી વંચિત કરાશે તો રોયલ ફેમિલીમાં વધુ આંચકા આવવાની શક્યતા છે. એમ પણ હોઈ શકે કે દંપતી તેમના ટાઈટલ્સ રાખવા માગતા ન હોય. સોશિયલ મીડિયામાં આની ભારે ચર્ચા શરૂ થઈ હતી. ઘણા લોકોએ શાહી ટાઈટલ્સ ચાલુ રાખવાની જરૂર ન હોવોનું જણાવ્યું હતું.
પ્રિન્સ હેરીની ઈચ્છા દાદીમા, પિતા ચાર્લ્સ અને મોટા ભાઈ સસેક્સ દંપતીને વિદેશમાં વસવાટ દરમિયાન પણ શાહી ટાઈટલ્સનો ઉપયોગ કરવા દેશે તેવી હતી. તેઓ આશરે ૪૦૦ મિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતી સસેક્સ બ્રાન્ડના ઉપયોગ સાથે નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા ધારે છે. બેઠક અગાઉ ક્વીને સૂચિત સસેક્સ બિઝનેસ સામ્રાજ્ય રોયલ ફેમિલીને નુકસાન નહિ કરે તેની ખાતરી માગી હોવાનું પણ કહેવાય છે.