લંડનઃ પ્રિન્સ ચાલ્સ અને પ્રિન્સેસ ડાયેનાના બે પુત્રો વિલિયમ અને હેરી વચ્ચેના સુમધુર મિત્રસંબંધોમાં કડવાશ ક્યાંથી પ્રવેશી તે તપાસનો વિષય છે. પ્રિન્સ હેરીના મોટા ભાઈ વિલિયમ અને ભાભી કેટ મિડલટન સાથે ઘણા સારા સંબંધો હતા. આમ તો, મેગન મર્કેલ પર દોષારોપણ કરી દેવાય પરંતુ, મે ૨૦૧૮માં મેગન સાથે હેરીના લગ્ન થયા પહેલા બે ભાઈઓ વચ્ચે અણબનાવના બીજ રોપાઈ ગયા હતા.પ્રિન્સ વિલિયમના જોહુકમીપૂર્ણ વલણથી તેમને રોયલ ફેમિલીની બહાર ધકેલી દેવાયાની લાગણી પ્રિન્સ હેરી અને મેગન અનુભવતા હોવાની માહિતી આંતરિક સૂત્રોએ આપી છે.
કેટ મિડલટન જેવી સારી યુવતીને મળવા અને તેની સાથે લગ્ન કરવાના વિલિયમના સારા નસીબની હેરીને અદેખાઈ પણ હતી. હેરી રોમાન્ટિક અને સાહસી છે. કેટના વડવાઓ કોલસાની ખાણમાં મજૂર હતા જ્યારે મેગનના વડવા ગુલામ હતા. હેરીએ પોતાની પ્રેમિકા અને ભાવિ પત્નીનો પરિચય કરાવ્યો ત્યારે તેઓ દેશમાં સૌથી આકર્ષક અને પ્રેમાળ યુવાન કપલ ગણાયા હતા.
આ સમયે વિલિયમે માત્ર થોડા મહિનાના પરિચયથી ટેલિવિઝન અભિનેત્રી સાથે લગ્ન કરવાના હેરીના નિર્ણયની ઉતાવળ વિશે પૂછપરછ કરી હતી. વિલિયમ અને કેટના લગ્ન આઠ વર્ષના લાંબા પરિચય પછી થયા હતા. વિલિયમે હેરીને જેને વધુ સારી રીતે જાણતો હોય તેવી છોકરી સાથે લગ્ન કરવાની માતા ડાયેનાની સલાહની યાદ અપાવી હતી. ડાયેનાએ પ્રિન્સ ચાર્લ્સ સાથે પોતાના લગ્નનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેઓ એકબીજાને સારી રીતે ઓળખતાં પણ ન હતાં.
પ્રિન્સ વિલિયમે શાળામાં અને માતાના મૃત્યુ પછી નાના ભાઈના શુભેચ્છક અને રખવાળ તરીકે ફરજ બનાવી હતી. જોકે, ડાયવોર્સી મેગનના પ્રેમમાં પાગલ હેરીને આ સલાહ ગમી ન હતી અને બંને ભાઈઓમાં તિરાડ સર્જાઈ હતી, જે લગ્ન પછી પહોળી થઈ હતી. જેઠાણી-દેરાણીના સંબંધોમાં પણ અનેક કારણોસર કડવાશ સર્જાયેલી હતી જેની અસર પણ ભાઈઓના સંબંધ પર પડી હતી. કેટ શાહી જીવનમાં સારી રીતે ગોઠવાયેલી હતી અને ભાવિ રાણી પણ હતી. બીજી તરફ, સ્વતંત્ર મેગનને શાહી જીવન બંધિયાર લાગતું હતું અને સારું ભવિષ્ય પણ ન હતું. આ તમામ કારણોએ હેરી અને મેગનને સ્વતંત્ર કમાણી અને જીવનની રાહ લેવા પ્રેર્યાં હતાં.
પ્રિન્સ વિલિયમની જોહુકમીથી પ્રિન્સ હેરી અને મેગન નારાજ
પ્રિન્સ વિલિયમના જોહુકમીપૂર્ણ વલણથી તેમને રોયલ ફેમિલીની બહાર ધકેલી દેવાયાની લાગણી પ્રિન્સ હેરી અને મેગન અનુભવતા હોવાની માહિતી આંતરિક સૂત્રોએ આપી છે. પરિવાર ત્યાગ કરવાના નિર્ણયથી હેરી ખુદ દુઃખી છે. પસંદગી બાબતે હેરી ભારે દબાણમાં હતો. તેઓ ક્વીન, દેશ અને પોતાની લશ્કરી ગણવેશને ખૂબ ચાહે છે. તેમના માટે આ નિર્ણય ખૂબ મુશ્કેલ છે.
બીજી તરફ, પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમે ‘જોહુકમી’ના મુદ્દાને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું હતું કે,‘ માનસિક આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પરત્વે ગંભીર કાળજી રાખતા ભાઈઓ માટે આવી ઉશ્કેરણીજનક ભાષાનો પ્રયોગ થતો હોય તે ખરેખર આક્રમક અને સંભવતઃ નુકસાનકારક છે.’ જોકે, અસામાન્ય પગલું લેવા પાછળ મેગન મર્કલ છે. ધ ટાઈમ્સ અનુસાર મેગન માટે શાહી પરિવારમાં રહેવું મુશ્કેલ બન્યું હતું. મેગન એવી લાગણી ધરાવે છે કે તેને બોલતી બંધ કરી દેવાઈ છે અને હવે તે મૌન રહેવા ઈચ્છતી નથી.
જોકે, કેમ્બ્રિજ અને સસેક્સ પરિવારોની નિકટના સૂત્રોના કહેવા મુજબ પ્રિન્સ વિલિયમના કારણે સસેક્સ દંપતી દૂર ધકેલાયા હોવાની વાત સાચી નથી. વિલિયમ અને તેના પરિવાર વિશે જરા પણ વિચાર્યા વિના હેરીએ લીધેલા નિર્ણયથી વરિષ્ઠ શાહી સભ્યોને આઘાત લાગ્યો છે. હેરી એક સમયે જે મોટા ભાઈથી જરા પણ અળગો રહી શકતો ન હતો તેમના પર અને નાની ભત્રીજી- ભત્રીજાઓ પર થનારી અસરો તેણે ધ્યાનમાં લીધી જ નથી.