નવી દિલ્હી, મિલાન (ઇટાલી)ઃ મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસન દરમિયાન ૨૦૧૦માં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ખાયકી થયાની આશંકા આખરે સાચી પુરવાર થઇ છે. ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારના આ કેસમાં ચુકાદો આપતાં જણાવ્યું છે કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું માનવાના વાજબી કારણો છે અને તેમાં ઇંડિયન એરફોર્સના પૂર્વ વડા એસ. પી. ત્યાગીની સંડોવણી છે. ૩,૫૬૫ કરોડ રૂપિયામાં ૧૨ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના સોદામાં ભારતીય અધિકારીઓને લાંચ પેટે ૧૨૫ કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનું સાબિત થયું છે. મહત્ત્વની બાબત એ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ સોદા પાછળનું મુખ્ય ચાલક બળ ગણાવાયા છે.
મિલાન કોર્ટ ઓફ અપીલ્સના ૨૨૫ પાનાના ચુકાદામાં એરફોર્સના પૂર્વ વડા એસ. પી. ત્યાગી પર ૧૭ પાનાનું એક આખું પ્રકરણ છે. જેમાં કોર્ટે ત્યાગીને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરાવ્યા છે. કોર્ટે અવલોકન કર્યું છે કે, વીવીઆઇપી હેલિકોપ્ટર સોદો ઓગસ્ટા વેસ્ટલેન્ડની તરફેણમાં લાવવા માટે શશી ત્યાગીએ લાંચનો કેટલોક હિસ્સો મેળવ્યો હોવાનું પુરવાર થાય છે.
મિલાનની કોર્ટે ૮મી એપ્રિલે આપેલા ચુકાદામાં નીચલી અદાલતના ચુકાદાને બદલી નાંખવામાં આવ્યો છે. ભારતી હાઇ કોર્ટની સમકક્ષ એવી આ કોર્ટે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ માટે ફિનમેક્કાનિકાના પૂર્વ વડા ગિસિપી ઓરસી અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર વિભાગના વડા બ્રુનો સ્પેગનોલિનીને ભ્રષ્ટાચારના આરોપોસર દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ઓરસીને ચાર વર્ષ કેદની સજા ફરમાવી છે.
ત્યાગીના પરિવારને લાંચ ચૂકવાઇ
વિગતવાર ચુકાદામાં ઇટાલીની કોર્ટે જણાવ્યું છે કે, ૨૦૦૫થી ૨૦૦૭ દરમિયાન ઇંડિયન એરફોર્સના વડા રહેલા એસ. પી. ત્યાગીના ૩ પિતરાઇઓને રોકડ અને વાયર ટ્રાન્સફર દ્વારા લાંચની રકમ ચૂકવાઇ હતી. આ કૌભાંડમાં ત્યાગીની ભૂમિકા સંતાડવા માટે પ્રયાસો કરાયા હતા, જે વચેટિયાઓ સાથેની વાતચીતના આધારે સાબિત થાય છે. ત્યાગીએ ઓગસ્ટા વેસ્ટલેન્ડની તરફેણ માટે ફ્લાઇટ સીલિંગ સ્પેસિફિકેશન બદલી નાખ્યાં હતાં. ત્યાગીનો વર્તાવ ગેરકાયદેસર છે કારણ કે તેમણે ઓગસ્ટા વેસ્ટલેન્ડની તરફેણમાં સોદા માટે નાણાકીય વ્યવહારો પણ કર્યાં હતાં. આ માટે ત્યાગીને મોટી રકમ લાંચ પેટે ચૂકવવવામાં આવી હતી.
ડીલ પાછળ સોનિયા ડ્રાઇવિંગ ફોર્સ :કોર્ટ
ઇટાલીની કોર્ટના દસ્તાવેજોમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહના નામનો ઉલ્લેખ અવશ્ય છે, પરંતુ તેમાં કોઇ ગેરરીતિના પુરાવા નથી. ૨૦૦૮માં વચેટિયા કિશ્ચિયન મિચેલે ઓગસ્ટા વેસ્ટલેન્ડને પાઠવેલા પત્રમાં ‘સિગનોરા ગાંધી’ નામનો ઉલ્લેખ વાંચવા મળે છે. કોર્ટના દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે, ડીલ પાછળ સોનિયા ગાંધી ડ્રાઇવિંગ ફોર્સ છે. ૨૦૧૩માં ગિસિપ ઓરસીને લખેલા પત્રમાં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ નામનો ઉલ્લેખ છે. ૨૦૧૪માં જારી થયેલી એક નોંધમાં એક વચેટિયાએ ઓગસ્ટાને સલાહ આપી હતી કે સોદો પાર પાડવો હોય તો મનમોહન સિંહ, (સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર) અહેમદ પટેલ, પ્રણવ મુખરજી, વીરપ્પા મોઇલી, ઓસ્કાર ફર્નાન્ડીઝ, તત્કાલીન નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એમ. કે. નારાયણન્ અને વિનય સિંહનો સંપર્ક કરવો જોઇએ.
આખરે ભારત સરકાર જાગી
ઇટાલીની કોર્ટે આઠમી એપ્રિલે ચુકાદો આપ્યો હોવા છતાં ભારત સરકાર ઊંઘતી ઝડપાઇ છે. સફાળી જાગેલી સરકારે ભારતીય દૂતાવાસને ચુકાદાની માહિતી આપવા માટે જણાવ્યું કહ્યું છે. બીજી તરફ, મોદી સરકારના વરિષ્ઠ પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે શું કોઇ કોંગ્રેસી નેતા ભ્રષ્ટાચારમાં સામેલ હતો? ૨૦૧૩માં (તત્કાલીન સંરક્ષણ પ્રધાન) એ. કે. એન્ટનીએ જ જણાવ્યું હતું કે આ સોદામાં ભ્રષ્ટાચાર થયો છે અને લાંચ ચૂકવાઇ છે.
અમારે કંઇ છુપાવવાનું નથી: કોંગ્રેસ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, અમારે આ સોદામાં કશું છુપાવવાનું નથી. યુપીએ સરકારે ઇટાલી તરફથી માગવામાં આવેલી તમામ વિગતો આપી હતી. પૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોની પણ વારંવાર જણાવી ચૂક્યા છે કે આ સોદામાં અમારે માફી માગવા કે બચાવ કરવા જેવું કશું નથી. કોંગ્રેસ કશું છુપાવવા પણ માગતી નથી. જોકે કથિત ભ્રષ્ટાચારના આ કેસમાં ભારતમાં તપાસ હાથ ધરનાર સીબીઆઇએ આક્ષેપ કર્યો છે કે તત્કાલીન યુપીએ સરકારે ઇટાલીના તપાસકર્તાઓને પૂરતાં અને મહત્ત્વના દસ્તાવેજો પૂરાં પાડયાં નહોતાં.
સોદા એરફોર્સના વડા મથકે થતા નથી: ત્યાગી
ઇટાલીની કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયેલા નિવૃત્ત એર ચીફ માર્શલ એસ. પી. ત્યાગીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો ભારત સરકાર હસ્તક છે. જો હું આ મામલામાં દોષિત હોઉં તો આખી ભારત સરકાર પણ દોષિત છે. ત્યાગીએ જણાવ્યું હતું કે, લાંચકાંડમાં મારી સંડોવણીના કોઇ પુરાવા નથી. જો કોઇએ ગેરરિતી કરી હોય તો તે તેને સજા મળવી જોઇએ. આ પ્રકારના સોદાઓના નિર્ણય ઓરફોર્સના મુખ્ય મથકમાં થતા નથી.
ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદો શું છે?
યુપીએ સરકારના પહેલાં કાર્યકાળમાં ઇટાલીની કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી વીવીઆઇપી નેતાઓ માટે ૧૨ હેલિકોપ્ટર ખરીદવાનો સોદો થયો હતો. ૩,૫૬૫ કરોડ રૂપિયાના સોદામાં કટકી કરવામાં આવી હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ યુપીએ સરકારે આ સોદો રદ કરી નાખ્યો હતો. સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આ કૌભાંડમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એર ચીફ માર્શલ એસ. પી. ત્યાગી સહિત ૧૩ લોકો સામે કેસ નોંધાયો હતો. જે મિટિંગમાં હેલિકોપ્ટરની કિંમત નક્કી કરાઇ તેમાં કોંગ્રેસના કેટલાક પ્રધાનો પણ સામેલ હોવાથી કોંગ્રેસ સામે પણ આંગળી ચીંધાઇ હતી.