ડાયાબિટીસના દર્દીએ લોહીમાં સુગરનું પ્રમાણ વધે નહિ તે માટે વધુ સાવચેતી રાખવાની જરૂર રહે છે. યુનિવર્સિટી ઓફ લિમરિકના સંશોધન મુજબ સરળ પ્રવૃત્તિ પણ બ્લડ સુગરના પ્રમાણને અસરકારક રીતે નીચે લાવી શકે છે.
લોહીમાં સાકર કે સુગર શક્તિનો મુખ્ય સ્રોત છે અને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. પેન્ક્રિઆસ અથવા સ્વાદુપિંડ દ્વારા ઉત્પાદિત હોર્મોન ઈન્સ્યુલિનની મદદથી સુગર શરીરના કોષો સુધી પહોંચી શકે છે અને તેમાંથી કોષોને શક્તિ મળે છે પરંતુ, ટાઈપ -2 ડાયાબિટીસના દર્દીમાં સુગર કોષોમાં બરાબર પહોંચી નહિ શકતાં તેનો પૂરતો ઉપયોગ થતો નથી અને લોહીમાં સાકરનું પ્રમાણ ઊંચુ રહે છે. પરિણામે, નબળાઈ, ઈજા કે ઘા ઝડપથી ન રુઝાય, ગુપ્તાંગોની આસપાસ ખંજવાળ, વારંવાર તરસ અને ભૂખ લાગવા સહિતના લક્ષણો જોવાં મળે છે.
ઘણા લોકો માને છે બ્લડ સુગરનું પ્રમાણ જાળવવું મુશ્કેલ છે, પરંતુ ખરેખર એવું નથી. નવા સંશોધન અનુસાર ભોજન પછી બે-ત્રણ મિનિટની પ્રવૃત્તિ પણ મોટો તફાવત લાવી શકે છે. ભોજન કર્યા પછી થોડું ચાલવામાં આવે તો પણ બ્લડ સુગરના પ્રમાણને સ્થિર રાખવામાં લાંબુ ચાલવા જેટલો જ લાભ મળી શકે છે. લાંબુ ચાલવાથી સારો ફાયદો મળે છે તે હકીકત છે પરંતુ, બેથી પાંચ મિનિટની ‘મિનિ વોક’ પણ લાભકારી નીવડે છે. બ્લડ સુગરના પ્રમાણને ઊંચું જતું અટકાવવા જમ્યા પછી ઓછામાં ઓછું 60થી 90 મિનિટ ચાલવાનું લાભકારી છે. ચાલવાની પ્રક્રિયાથી સ્નાયુને ખોરાકમાંથી શક્તિ શોષવામાં મદદ મળે છે. જર્નલ ‘સ્પોર્ટ્સ મેડિસિન’માં પ્રકાશિત આ સંશોધનમાં સાત અભ્યાસ છે, જેમાં સંશોધકોએ બેસી રહેવા સામે ઉભા રહેવા કે ચાલવાથી જે અસરો જોવાં મળે છે તેની સરખામણી કરવા સાથે હૃદયના આરોગ્ય અને બ્લડ સુગરના પ્રમાણનું વિશ્લેષણ છે. અભ્યાસમાં લોહીમાં સાકરનું પ્રમાણ ભારે ચડાવ-ઉતાર ધરાવનારા સંકળાયેલા લોકોનો સમાવેશ કરાયો હતો અને તેમને દિવસ દરમિયાન દરેક 20થી 30 મિનિટના ગાળામાં બેથી પાંચ મિનિટ માટે ઉભાં રહેવા કે ચાલવા કહેવાયું હતું. તમામ સાત અભ્યાસમાં જણાયું હતું કે જમ્યા પછી બેસી રહેવાની સરખામણીએ થોડી મિનિટ ચાલવાથી પણ બ્લડ સુગરના પ્રમાણમાં ગણનાપાત્ર સુધારો થયો હતો. રક્તશર્કરાનું પ્રમાણ ઘટાડવામાં વધુ પ્રમાણ પાણી પીવું, ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ઓછું લેવું, આહારમાં ફાઈબરનું પ્રમાણ વધારવું, તણાવ નિયંત્રણમાં રાખવો.