હૈદરાબાદઃ બહુચર્ચિત હૈદરાબાદ ગેંગરેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા દેશના બહુમતી વર્ગમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, માનવાધિકાર ચળવળકારોએ આ પગલાંને અન્યાયકારી ગણાવ્યું છે.
ચારેય આરોપીઓને શુક્રવારે વહેલી સવારે જરૂરી પુરાવા એકત્ર કરવા અને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે નેશનલ હાઇવે નંબર ૪૪ પર ઘટનાસ્થળે લઇ જવાયા હતા. જ્યાં તેમણે પોલીસ પર હુમલો કરીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં ચારેય માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની વેટરનરી ડોક્ટર યુવતી પર બળાત્કાર ગુજારીને તેને જીવતી સળગાવી નાખવાની આ ઘટના બાદ દેશભરમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.
જોકે એન્કાઉન્ટરની ઘટના અંગે મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. બહુમતી વર્ગે જઘન્ય ગુનો આચરનાર આરોપી ઠાર મરાયા હોવાના મુદ્દે આનંદ વ્યક્ત દર્શાવીને પીડિતાને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી છે. જ્યારે બીજી તરફ, માનવાધિકાર ચળવળકારો સહિતના એક વર્ગે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમના મતે કાયદો હાથમાં લઇ આરોપીને સજા આપવાનું વલણ ન્યાયોચિત નથી.
દીકરીના આત્માને શાંતિ મળી હશેઃ યુવતીના પિતા
એન્કાઉન્ટરના સમાચાર બાદ પીડિતાના માતાએ કહ્યું હતું કે જેમણે દુ:ખ અનુભવ્યું છે તે લોકો જ દુઃખ અનુભવશે. મને લાગે છે કે ન્યાય થયો છે. હાલ સુધી નિર્ભયાના કેસમાં પણ કાંઈ થયું નહોતું. રોજ, હું કહેતી હતી કે કશું થતું નથી. પરંતુ તેમણે પગલાં લઇ દેખાડ્યા છે. તેમણે કહ્યું હતું કે કાયદામાં ફેરફાર થવો જોઈએ અને જો કોઈ ભૂલ કરે તો તરત જ સજા મળવી જોઈએ.
પીડિતાના પિતાએ જણાવ્યું હતું, ‘દીકરીના મૃત્યુને દસ દિવસ થયા છે અને આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે એ બદલ હું પોલીસને અભિનંદન આપું છું. હવે મારી દીકરીની આત્માને શાંતિ મળશે.’ પીડિતાનાં બહેને કહ્યું હતું, ‘આ ઘટના એક ઉદાહરણ બનશે અને બીજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચારતાં પણ ડરશે.’
રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે તપાસ શરૂ કરી
હૈદરાબાદ એન્કાઉન્ટર કેસની ઘટનાની રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે નોંધ લીધી છે. માધ્યમોના અહેવાલોને આધારે આને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆર-સી)એ સુઓમોટો ફરિયાદ ગણી છે. પંચે ડીજી (ઇન્વેસ્ટિગેશન)ને ઘટનાની તત્કાળ તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
ઉન્નાવની પીડિતા જિંદગી સામે જંગ હારી
હૈદરાબાદ ગેંગ રેપ કેસના આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાના સમાચારોથી લોકોનો આક્રોશ કંઇક શાંત પડ્યો હતો. જોકે આ ઘટનાના થોડાક જ કલાકોમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગેંગરેપનો ભોગ બનેલી અને આરોપીઓ દ્વારા સળગાવી દેવાયેલી પીડિતાએ આખરી શ્વાસ લેતા લોકોમાં ફરી એક વખત
રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.
પોતાના પર ગેંગરેપ આચરનાર અપરાધીઓને સજા અપાવવા અંત સુધી લડત આપનારી ઉન્નાવની પીડિતાનો જીવનદીપ શુક્રવારે મોડી રાત્રે બુઝાઇ ગયો હતો.
ગુરુવારે પરોઢિયે ૪ વાગ્યે પીડિતા કોર્ટમાં પહોંચવા રાયબરેલી જવા નીકળી ત્યારે તેના પર ગેંગરેપ ગુજારનાર આરોપી અને સાગરિતોએ ચાકુના ઘા મારીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ૯૦ કરતાં વધુ સળગી ગઇ હતી.
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પીડિતા ૪૦ કલાક સુધી મોત સામે લડતાં એક જ વાત કહી રહી હતી કે, મને બચાવી લો. હું મરવા ઇચ્છતી નથી. મારા પર હુમલો કરનારને છોડતાં નહીં. તેમને ફાંસી પર લટકાવજો.
હૈદરાબાદ જેવો ન્યાય આપોઃ પીડિતાના પિતા
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, અમે આરોપીઓ સામે ત્વરિત પગલાં ઇચ્છીએ છીએ. સરકારને અમારી વિનંતી છે કે, હૈદરાબાદમાં જે થયું તે રીતે મારી દીકરીને સળગાવી દેનારા આરોપીઓને એક સપ્તાહમાં ફાંસી આપો અથવા તો ગોળી મારી દો. મારી દીકરીને ત્વરિત ન્યાય મળવો જોઇએ. તેનાથી આકરો સંદેશ જશે કે જઘન્ય અપરાધીઓનો આવો લોહિયાળ અંત જ આવશે. મારી દીકરીના અપરાધીઓ જેવા હેવાનોમાં ભય સર્જાશે. હું હૈદરાબાદ પોલીસની કાર્યવાહીને આવકારું છું. લોકો ન્યાય વ્યવસ્થામાંથી વિશ્વાસ ગુમાવી બેઠાં છે. શા માટે ન્યાયમાં આટલો વિલંબ થાય છે?
તેમણે આરોપ મૂક્યો હતો કે, આરોપીઓ સત્તાપક્ષ સાથે સંકળાયેલા છે. આરોપીના પિતા ગામના સરપંચ અને સત્તાપક્ષ સાથે સંકળાયેલા હોવાથી મારા પરિવારને પરેશાન કરાયો અને આરોપીઓેને બચાવાયા છે.
ભગવાને સજા આપી દીધીઃ કાયદાપ્રધાન
તેલંગણના કાયદા પ્રધાને ઈન્દ્રાકરણ રેડ્ડીએ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે કાયદા પહેલા ભગવાને આરોપીઓને સજા આપી દીધી છે. તેમની સાથે જે થયું છે એનાથી આખો દેશ ખુશ છે. ટીવીમાં આપણે જોયું કે આરોપી પોલીસના હથિયાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ જે થયું એ સારું થયું.
એન્કાઉન્ટરની તરફેણ અને વિરોધ
ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભાના સાંસદ મેનકા ગાંધીએ હૈદરાબાદ ગેંગરેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટરની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, હું આ એન્કાઉન્ટરની વિરુદ્ધ છું. જે કંઈ પણ થયું છે તે વધારે ભયાનક છે. તમે કાયદાને હાથમાં ન લઈ શકો. કાયદા પ્રમાણે પણ તેમને ફાંસી મળત. જો તમે કાયદેસરની સજા પહેલાં એમને ગોળી મારી દેશો તો પછી અદાલત, પોલીસ અને કાયદાના રાજનો ફાયદો શું છે. નિર્ભયા કેસના આરોપીને હજી સુધી સજા નથી મળી તો એ કાયદાની ક્ષતિ છે, પરંતુ ન્યાયમાં વિલંબનો મતલબ સીધી ગોળી મારી દેવો એ નથી.
કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ કહ્યું કે આ ખોટું છે તેને ટેકો ન આપી શકાય. પોલીસ કાયદો પોતાના હાથમાં લે અને ન્યાયના લીરાં ઉડાવે તેને ટેકો ન આપી શકાય. તપાસ થવી જોઈએ. કેટલાક લોકો એન્કાઉન્ટરને ટેકો આપે છે એટલા માત્રથી એન્કાઉન્ટરને ન્યાયી ન ઠેરવી શકાય. કેટલાંક તો વળી લિન્ચિંગને પણ ટેકો આપે છે.
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પણ કહ્યું કે મને હૈદરાબાદ ઘટનાના તથ્યો વિશે જાણ નથી પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે હું માનું છું કે એ સાચું એન્કાઉન્ટર છે કે નહીં તેની યોગ્ય તપાસ થવી જોઈએ.
એન્કાઉન્ટરની આ ઘટના અંગે ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી ડી. જી. વણઝારાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પોલીસે દુષ્કર્મની ઘટના કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરવી જોઈએ. પકડાયેલાં તહોમતદારો જો ભાગવાના પ્રયત્નો કરે અથવા પોલીસ પર હુમલો કરવાના પ્રયત્નો કરે તો ગુજરાતમાં પણ એન્કાઉન્ટર થવાં જોઈએ અને તેમને પણ એ જ સ્થાન બતાવવું જોઈએ, જે સ્થાન હૈદરાબાદની પોલીસે ત્યાં દેખાડ્યું છે.
બદલાના ઇરાદે ન્યાય થઈ શકે નહીં: ચીફ જસ્ટિસ
હૈદરાબાદ ગેંગ રેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાના બીજા દિવસે ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ રાજસ્થાન હાઈ કોર્ટ ખાતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ન્યાય ક્યારેય બદલાનું સ્વરૂપ લઈ શકે નહીં. બદલાના ઇરાદા સાથે કરવામાં આવેલો ન્યાય ક્યારેય ન્યાય હોઈ શકે નહીં. તેમણે કહ્યું હતું કે, ન્યાયતંત્રે ન્યાય તોળવામાં તમામ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ અને વ્યક્તિને યોગ્ય રીતે ન્યાય આપવો જોઈએ. ન્યાય ક્યારેય તત્કાળ તોળી શકાય નહીં. ન્યાય કદી બદલાની ભાવના સાથે કરાય નહીં. બદલાની ભાવના સાથે ન્યાય તોળાય છે ત્યારે એ તેનું ચરિત્ર ગુમાવી દે છે.