લંડનઃ યુકેના ૧૩ મિલિયન દર્શકોએ BBC દ્વારા પ્રિન્સ ફિલિપના ફ્યુનરલનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ સંખ્યા ITV દ્વારા હેરી અને મેગનના ઓપ્રાહ વિન્ફ્રેના પ્રસારણની સરખામણીએ ૨ મિલિયન વધુ છે. હેરી-મેગનનો ઈન્ટરવ્યૂ ૧૧.૪ મિલિયન લોકોએ નિહાળ્યો હતો. જોકે, ઘણા લોકોએ બીબીસીના પ્રસારણની ટીકા પણ કરી હતી.
બીબીસીના લાઈવ કવરેજની ટોચ પરના દર્શકોની સંખ્યા ૧૧.૪ મિલિયન અને સરેરાશ સંખ્યા ૬.૬ મિલિયન રહી હતી. બીજી તરફ, રોયલ ફેમિલી વિરુદ્ધ સંસ્થાગત રંગભેદનો તીવ્ર આક્ષેપ લગાવતા હેરી અને મેગનના ઈન્ટરવ્યુની ટોચ પર યુકેમાં ITVના દર્શકોની સંખ્યા ૧.૨ મિલિયન અને કુલ સંખ્યા ૧૨.૪ મિલિયન રહી હતી. શનિવારે ફ્યુનરલ દરમિયાન બીબીસીની સરેરાશ દર્શક સંખ્યા ૬.૬ મિલિયન જ્યારે ITVના દર્શકોની સંખ્યા માત્ર ૮૫૧,૩૦૦ની રહી હતી.
ITVના કવરેજના કો-હોસ્ટ ટોમ બ્રાડબી અને જુલી એચિંઘામ રહ્યા હતા. પ્રિન્સ વિલિયમે તાજેતરમાં જ પ્રિન્સ હેરીની ચિંતામાં સૂર મેળવનારા પોતાના દીર્ઘકાલીન મિત્ર બ્રાડબી સાથેની મિત્રતા તોડી નાખી છે. ગત સપ્તાહે જ પ્રિન્સ ફિલિપના મૃત્યુને યોગ્ય કવરેજ નહિ આપવા બદલ બીબીસીને ૧૦૯,૪૭૧ ફરિયાદો મળી હતી જે બ્રિટિશ ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી વધુ ફરિયાદોનો રેકોર્ડ હોવાનું મનાય છે.