લંડનઃ એલિઝાબેથ અને ફિલિપ જ્યારે મળ્યા ત્યારે તેમની વચ્ચેની કેમિસ્ટ્રી શાનદાર હતો. બંનેની પસંદ-નાપસંદ પણ એક હતી. બંનેની પ્રથમ મુલાકાત ૧૯૩૪માં લગ્ન સમારોહમાં થઈ હતી. કિંગ જ્યોર્જ છઠ્ઠા અને તેમની પત્ની એલિઝાબેથ પ્રથમ પોતાના બે દીકરીઓ એલિઝાબેથ દ્વિતીય અને માર્ગરેટ સાથે વર્ષ ૧૯૩૯માં રોયલ નેવલ કોલેજ પહોંચ્યા હતા. તે સમયે કોલેજ દ્વારા રાજવી પરિવારની સરભરાની જવાબદારી ફિલિપને સોંપવામાં આવી હતી. ૧૩ વર્ષની પ્રિન્સેસ એલિઝાબેથની મુલાકાત ૧૮ વર્ષીય ગ્રીક પ્રિન્સ અને કેડેટ ફિલિપ માઉન્ટબેટન સાથે થઈ અને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થયો.
આ મુલાકાતે ભાવિ સુદીર્ઘ લગ્નજીવનનો પાયો નાખ્યો હતો. ઘણા સમય સુધી બંને વચ્ચે પત્રવ્યવહાર ચાલતો રહ્યો અને પ્રેમ પાંગરતો રહ્યો. ફિલિપે એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ સમક્ષ તેમની દીકરી એલિઝાબેથ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલાં એલિઝાબેથ દ્વારા ફિલિપને લગ્ન માટે પ્રપોઝ કરવામાં આવ્યું હતું. કિંગે આ પ્રસ્તાવ મંજૂર કરી લીધો પણ શરત મૂકાઈ હતી એલિઝાબેથ ૨૧ વર્ષની થયાં પછી લગ્ન યોજાશે.
બીજી તરફ, ફિલિપે બ્રિટશ રાજવી પરિવાર સાથે જોડાવા માટે પોતાના ગ્રીક અને ડેનિશ રાજવી પદોનો ત્યાગ કર્યો અને પોતાના મામા માઉન્ટબેટનની અટક ધારણ કરી લીધી. બંનેએ ૧૯૪૬માં ચોરી છુપીથી સગાઈ કર્યાના એક વર્ષ પછી ૨૦ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ બંનેએ વેસ્ટમિન્સ્ટર એબીમાં ૨૦૦૦ લોકોની હાજરીમાં લગ્ન કરી લીધાં. બીજા વિશ્વ યુદ્ધ પછી શાહી પરિવારમાં આ પહેલો સમારોહ હતો.