વોશિંગ્ટન: અમેરિકાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની ‘ફિનસેન’ નામે જાણીતી ઇન્વેસ્ટિગેશન એજન્સી ધ ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટના લિક થયેલા દસ્તાવેજો પરથી દુનિયાભરની અગ્રણી બેન્કોની કાળા નાણાં ધોળા કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પત્રકારોના આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ (આઇસીઆઇજે)એ આ દસ્તાવેજોનો અભ્યાસ કરીને જાહેર કર્યું છે કે મોટા ભાગની બેન્કોએ ડર્ટી મની - બ્લેક મની સાચવવાની સગવડ કરી આપી છે. એક અંદાજ અનુસાર, બિનહિસાબી નાણાંના આશરે બે ટ્રિલિયન ડોલર (બે લાખ કરોડ ડોલર)ના આર્થિક વ્યવહારો થયા છે. વૈશ્વિક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી બેન્કસને સંડોવતા આ કૌભાંડમાં ૪૦થી વધુ ભારતીય બેન્કોની સામેલગીરી પણ ખુલી છે.
દિગ્ગજ બેન્કસની સંડોવણી
શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરનારી વૈશ્વિક બેન્ક્સમાં જેપી મોર્ગન, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, ડોઇચે બેન્ક, બેન્ક ઓફ ન્યૂ યોર્ક મેલોન, બર્કલેઝ, એચએસબીસી હોલ્ડીંગ્સ, બેન્ક ઓફ અમેરિકા, ચાઇના ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, સેન્ટ્રલ બેન્ક ઓફ યુએઇ, વેલ્સ ફાર્ગો, સિટીગ્રૂપ વગેરેનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, અગ્રણી યુરોપિયન બેંક્સના અધિકારીઓએ જાણી જોઈને કૌભાંડીઓના નાણાંની હેરાફેરી થવા દીધી હતી. આવી બેંક્સમાં એચએસબીસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, જેપી મોર્ગન ચેસ, ડોઈચે બેંક, બેંક ઓફ ન્યૂ યોર્ક મેલોન વગેરેનો સમાવેશ થાય છે. આ મની લોન્ડરિંગ
કૌભાંડે વિશ્વભરના બજારોને હચમચાવી નાંખ્યા હતા. સોમવારે એશિયન બજારો કાર્યરત હતાં ત્યારે જ આ રિપોર્ટ બહાર આવ્યો હતો.
આર્થિક ગેરરીતિઓ જાહેર થતાં જ એચએસબીસી અને સ્ટાન્ચાર્ટ બેંકના શેર્સ તેમના બે દાયકાના તળિયાં પર ટ્રેડ થયાં હતાં. જ્યારે વૈશ્વિક બજારોમાં ૪ ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો. જ્યારે ચાંદીમાં ૯ ટકા તો ક્રૂડમાં ૪ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
૪૪ ભારતીય બેન્કો શંકાના દાયરામાં
આ કૌભાંડમાં ૪૪ જેટલી ભારતીય બેન્કો પણ શંકાના ઘેરામાં છે. તેમાં પીએનબી, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, કેનેરા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના નામ અગ્રણી છે. ભારતીય બેન્કોનો ઉપયોગ ભંડોળ માગવા માટે કરાયો હોવાનું બહાર આવ્યું છે.
વારંવાર ચેતવણી છતાંય ઉપેક્ષા
૧૯૯૯-૨૦૦૦થી લઇને ૨૦૧૭ સુધીમાં વિશ્વની બેન્કોએ મળીને કુલ ૨ લાખ કરોડ ડોલર જેવી તોતિંગ રકમની શંકાસ્પદ રીતે હેરાફેરી કરી છે. અમેરિકી ન્યૂઝ એજન્સી બઝફીડ ન્યૂઝ અને આઇસીઆઇજેના ૮૮ દેશોમાં ફેલાયેલા ૧૦૮ મીડિયા સંગઠનના પત્રકારોએ ‘ફિનસેન’ દ્વારા મોકલાયેલી નોટિસોનો અભ્યાસ કર્યો હતો. નોંધનીય છે કે જે આર્થિક વ્યવહારો શંકાસ્પદ હોય છે તે અંગે ‘ફિનસેન’ દ્વારા જે તે બેન્કને નોટિસ આપવામાં આવતી હોય છે.
સસ્પીશિયસ એક્ટિવિટી રિપોર્ટ (‘સાર’)ના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે વારંવારની ચેતવણી છતાં બેન્ક્સે ચોક્કસ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકાવ્યા નહોતા. આમ દરેક કિસ્સામાં કાળા નાણાં ધોળા કર્યા છે એવું તો નથી, પરંતુ આર્થિક પ્રવૃત્તિ શંકાસ્પદ જરૂર હતી.
રિપોર્ટ પ્રમાણે આતંકવાદ, મની લોન્ડરિંગ, ડ્રગ્સના નાણાં, કરપ્શન, શસ્ત્રોની હેરાફેરી વગેરેનાં ગેરકાયદે નાણાં આ વ્યવહારો દ્વારા સાચવવામાં આવ્યા હતા અથવા તો તેની હેરાફેરી કરાઇ હતી. આ રિપોર્ટ પ્રમાણે, જગતની સૌથી મોટી બેન્કોમાં સ્થાન પામતી એચએસબીસી (હોંગ કોંગ એન્ડ શાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન)ને વારંવાર ચેતવણી છતાં ગરબડિયા નાણાંની હેરાફેરી અટકાવી નહોતી. બેન્કોને જાણ હતી કે આર્થિક વ્યવહારો સો ટકા સાચા નથી તો પછી આવા વ્યવહારો કેમ અટકાવ્યા નહીં એવો સવાલ હવે ઉઠી રહ્યો છે.
આર્થિક વ્યવહાર ક્યારે શંકાસ્પદ ગણાય?
સ્વાભાવિક છે કે જે નાણાંની કાયદેસરની અને યોગ્ય પદ્ધતિથી હેરાફેરી થતી હોય તેમાં ‘સાર’ નોટિસ આવતી નથી. પરંતુ જે નાણાં ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? કોને મળે છે? તે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે નહીં વગેરે બાબતોની સ્પષ્ટતા ન થતી હોય તો તે વ્યવહારો શંકાસ્પદ ગણાય છે. દરેક બેન્કે આ પ્રકારના વ્યવહારો તુરંત બંધ કરવાના હોય છે, પરંતુ કોઇ બેન્કે આવું કર્યું નહોતું.
ભારતમાં કેટલી લેવડદેવડ થઈ?
આઈસીઆઈજેની વેબસાઈટ પર આપેલી વિગત પ્રમાણે ભારતની બેન્કોએ ૪૦૬ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કર્યા છે. જે અંતર્ગત ૪૮,૨૧,૮૧,૨૨૬ ડોલરની રકમ મેળવી છે, જ્યારે ૪૦,૬૨,૭૮,૯૬૨ રકમ મોકલાવી છે. શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરવા માટે ભારતની જે બેન્કના નામો વેબસાઈટ પર મૂકાયા છે તેમાંથી કેટલાક નામો...
• સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા • પંજાબ નેશનલ બેન્ક • યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા • એચડીએફસી • એક્સિસ • આઈસીઆઈસીઆઈ • ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક • કેનેરા બેન્ક • બેન્ક ઓફ મહારાષ્ટ્ર • કરૂર વૈશ્ય બેન્ક • બેન્ક ઓફ બરોડા • અલાહાબાદ બેન્ક • ઈન્ડિયન બેન્ક • યુકો બેન્ક • કોટક મહિન્દ્રા બેન્ક • ઈન્ડસઈન્ડ • યસ બેન્ક • વિજયા બેન્ક
ડોન દાઉદ - પાક. નાગરિક કનાની નેટવર્ક ચલાવતા હતા
ભારતના મોસ્ટ વોન્ટેડ માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમનો ફાઈનાન્સર ગણાતો પાકિસ્તાની નાગરિક અલ્તાફ કનાની આ મની લોન્ડરિંગ નેટવર્ક ચલાવે છે. કનાની અને અલજરુની એક્સચેન્જ વચ્ચે વર્ષો સુધી નાણાંકીય લેવડદેવડ થતી રહી છે.
એવું મનાય છે કે ડ્રગ્સના કારોબાર કરનારા અને અલ કાયદા, તાલિબાન જેવા આતંકી સંગઠનોને દર વર્ષે ૧૪થી ૧૬ અબજ ડોલરની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. દાઉદ અને કનાની વચ્ચેના સંબંધો અમેરિકી ફોરેન કેપિટલ કન્ટ્રોલ ઓફિસના દસ્તાવેજમાં પણ નોંધાયેલા છે. લશ્કરે - તોઇબા અને જૈશ-એ-મોહંમદને પણ કનાની આર્થિક મદદ પૂરી પાડતો હતો. કનાનીની ૨૦૧૫માં પનામા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તે મિયામીની જેલમાં હતો. જુલાઈ ૨૦૨૦માં તેની કેદ પૂરી થઈ તે પછી તેને પાકિસ્તાન મોકલાયો કે યુએઈ ડિપોર્ટ કરાયો હતો તે સ્પષ્ટ થયું નથી.
‘ફિનસેન’ અને આઈસીઆઈજે શું છે?
આ દસ્તાવેજો જાહેર કરવા પાછળ બે સંગઠનોનો મહત્ત્વનો રોલ છે. ધ ફાઈનાન્સિયલ ક્રાઈમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક (‘ફિનસેન’)એ અમેરિકી નાણાં તપાસ સંસ્થા છે. તેણે વિવિધ બેન્કોને નોટીસ આપી હતી. એ નોટીસોના દસ્તાવેજોની તપાસ કરીને કૌભાંડ બહાર લાવવાનું કામ ‘ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ (આઈસીઆઈજે) દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થા સાથે જોડાયેલા ૮૮ દેશોના ૧૦૮ મીડિયા સંગઠનના પત્રકારોએ આ તપાસમાં યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં ૨૬૫૧ દસ્તાવેજ લિક થયા છે, જેમાં ૨૧૦૦ દસ્તાવેજો શંકાસ્પદ નાણાકિય વ્યવહારોની વિગતો રજૂ કરે છે.