દીનાનગર (ગુરુદાસપુર)ઃપંજાબમાં જે આતંકવાદનો ૧૯૯૫માં સફાયો થયો હતો તે ત્રાસવાદે ૨૦ વર્ષ પછી ફરી પંજાબમાં માથું ઉંચક્યું છે. પરંતુ ભારતીય સૈનિકોએ ૧૨ જ કલાકમાં તેમનો ખાતમો બોલાવીને તેમની હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. મુંબઇના ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલા પછી આ બીજી ઘટના રહી કે જેમાં બે પક્ષો વચ્ચે આટલો લાંબો સમય અથડામણ ચાલી હતી. ૨૭ જુલાઇએ આ ત્રાસવાદી હુમલો સરહદથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આવેલા ગુરુદાસપુરના દીનાનગરમાં થયો હતો. પાકિસ્તાનથી આવેલા ત્રણ ત્રાસવાદીઓ સાથેના સંઘર્ષણાં સાત જવાનો-અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો શહીદ થયા હતા. જેમાં એસ. પી. (ડિટેક્ટીવ) બલજીતસિંહ સહિત ચાર પોલીસકર્મી અને અન્ય ત્રણ નાગરિકોનો સમાવેશ થાય છે. અંતે કમાન્ડોએ સોમવારે મોડી સાંજે તમામ ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી ચીનમાં બનેલા હથિયાર, જીપીએસ સિસ્ટમ મળી આવ્યા હતા. ત્રાસવાદીઓને મારવા સમય કેમ લાગ્યો તેવા એક પ્રશ્નના જવાબમાં પંજાબના પોલીસ વડાએ કહ્યું કે, અમે તેમને જીવતા પકડવા માગતા હતા. ગૃહમંત્રાલયે પણ સ્પષ્ટ કહ્યું હતું કે, તે ત્રાસવાદીઓ પાકિસ્તાથી આવ્યા હતા પરંતુ પાકિસ્તાનની હિંમત જુઓ કે દિવસભર આતંક મચાવ્યા પછી સાંજે મગરના આંસુ સારતા હુમલાની આલોચના કરી હતી.
ગુરુદાસપુર જ કેમ
એક વર્ષમાં જમ્મુના હીરાનગર, કંઠુઆ અને સાંબામાં આ પ્રકારના ચાર હુમલા થયા છે. ગુરુદાસપુર તેને અડીને આવેલો વિસ્તાર છે અને નજીકમાં જ આંતરરાષ્ટ્રીય સરહદ પણ છે. આ વિસ્તારમાં સૈન્ય અને સલામતી દળોની ઉપસ્થિતિ જમ્મુ-કાશ્મીરથી ઓછી છે. હુમલાની રીત લશ્કર એ-તોયબા જેવી જ છે.
ખાલિસ્તાન રિટર્ન
૨૦ વર્ષ અગાઉના આતંકવાદના સમયે ગુરુદાસપુર-દીનાનગરમાં ખાલિસ્તાનના આતંકી અડ્ડા હતા. થોડા દિવસ પહેલા સમાચાર હતા કે ખાલિસ્તાની નેતા ગોપાલ ચાવલાએ હિઝબુલ આતંકી હાફિઝ સઇદ સાથે મુલાકાત કરી હતી. શક્ય છે કે પંજાબમાં ખાલિસ્તાનને ફરી સક્રિય કરવાનું ષડયંત્ર ઘડાયું હોય.
શું ત્રાસવાદીઓ રસ્તો ભૂલ્યા હતા
સંરક્ષણ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે, ત્રાસવાદીઓના નિશાન પર દીનાનગર હતું જ નહીં. તેઓ તો અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવા માગતા હતા. સંરક્ષણ નિષ્ણાત એસ. આર. સિંહાનું કહેવું છે કે આ ત્રાસવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદેથી ભારતમાં ઘૂસ્યા હતા. તેઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવા ઇચ્છતા હશે પરંતુ રસ્તો ભૂલી જતાં દીનાનગર પહોંચી ગયા. જોકે ૨૦ વર્ષ પછી પંજાબ પહોંચેલા ત્રાસવાદીઓ વિષે આપવામાં આવેલા આ તર્ક સાથે બધા સહમત નથી. અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે ત્રાસવાદીઓ પાસે જીપીએસ ઉપકરણ મળી આવ્યા હતા. તેથી તેઓ રસ્તો ભૂલ્યા હોવાની થિયરી સાથે સહમત થઈ શકાય તેમ નથી.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને ગુરુદાસપુરના પૂર્વ સાંસદ પ્રતાપસિંહ બાજવાએ એક નવી થિયરી આપી છે. તેમણે કહ્યું કે આ હુમલાને જમ્મુ-કાશ્મીરના ત્રાસવાદીઓ અને ખાલિસ્તાની તત્ત્વો વચ્ચે સમન્વય સાધવાના પ્રયાસના રૂપમાં મુલવવી જોઈએ. માનવામાં આવે છે કે પાકિસ્તાનની સરહદેથી ઘૂસી આવેલા ત્રાસવાદીઓએ હુમલાને અંજામ આપ્યો હતો.
૨૦ વર્ષ પછી પંજાબમાં ફરીથી હુમલો થયો
આ ઘટના અંગે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ફોર કન્ફિલક્ટ મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય સાહનીએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૫ પછી પંજાબમાં આવો હુમલો ક્યારેય નથી થયો. આ હુમલો કાશ્મીરના લશ્કર એ-તોયબાના હુમલાની જે પદ્ધતિ છે પ્રકારનો છે. ખાલિસ્તાની આતંકવાદીનો ઇતિહાસ ફિયાદીન હુમલો નથી રહ્યો પરંતુ ખાલિસ્તાનના કેટલાક નેતા હજી પણ પાકિસ્તાનમાં છે. શક્ય છે કે આ હુમલો કરવા માટે સ્થાનિક આતંકવાદીઓની મદદ લેવામાં આવી હશે. પાકિસ્તાનની આઇએસઆઇ ફરીથી ખાલિસ્તાન આતંકવાદને સક્રિય કરવા ઇચ્છે છે. એ પણ શક્ય છે કે કાશ્મીરમાં સુરક્ષા ચુસ્ત હોવાથી ત્યાં તક નહીં મળી હોય તેથી પંજાબને સોફ્ટ ટાર્ગેટ તરીકે પસંદ કર્યું હશે.