લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ વેસ્ટમિન્સ્ટર હોલમાં ‘૨૦૦૨ના ગુજરાત રમખાણોની ૨૦મી વર્ષી’ નિમિત્તે એકતરફી ચર્ચાસભાનું આયોજન કરાયું હતું જેનો યુકેસ્થિત બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ ભારે વિરોધ કર્યો છે. બ્રિટિશ ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા જૂથો અથવા ભારતીય હાઈ કમિશનને તેમજ આ ચર્ચામાં ધર્મનો મુદ્દો ઉઠાવાયો હતો ત્યારે હિન્દુ સંસ્થાઓને પણ આ ઈવેન્ટ સંદર્ભે કોઈ જ આમંત્રિત કરાયા ન હતા કે આગોતરી જાણ કરવામાં આવી ન હતી. આટલું જ નહિ, રમખાણોમાં બચી ગયેલા હિન્દુઓને પણ બોલાવાયા ન હતા.
ગુજરાતના ગોધરા રમખાણો (૨૭ ફેબ્રુઆરી)ની વર્ષી અગાઉ, લેબર સાંસદ અને લોમેકર જો કોક્સનાં બહેન (જો ની ૨૦૧૬માં હત્યા થઈ હતી) કિમ લીડબીટરે ગુજરાત રમખાણો વિશે બ્રિટન દ્વારા અપ્રકાશિત કોઈ પણ રિપોર્ટ જાહેર કરવાની માગણી કરી હતી.
લીડબીટર માને છે કે તેમના બ્રિટિશ મુસ્લિમ મતદારોને ૨૦૦૨ના રમખારોમાં પરિવાર ગુમાવવાનું સહન કરવું પડયું છે અને તેમને કોઈ ન્યાય પણ મળ્યો નથી, ખાસ તો છે કે તેમના અવશેષો-મૃતદેહો પણ યુકે પરત મોકલાયાં નથી. તેમનું કહેવું છે કે આ શોકગ્રસ્ત પરિવારો રમખાણો સંબંધે હજુ સુધી અપ્રકાશિત રિપોર્ટ અથવા કોઈ ડોક્યુમેન્ટ હોય તે માટે બ્રિટિશ કોરોનર દ્વારા ઈન્ક્વેસ્ટ હાથ ધરાય તેમ ઈચ્છે છે. લીડબીટરે કહ્યું છે કે યુકેએ ધાર્મિક ભેદભાવને વખોડવો જોઈએ તેમ જ તેના બંધારણમાં ખાતરી અપાઈ છે તેવા તમામ સ્વાતંત્ર્યો અને અધિકારોનું સમર્થન કરવું જોઈએ.
આ ચર્ચામાં બેટલી એન્ડ સ્પેનના લેબર સાંસદ કિમ લીડબીટર, સ્લાઉના લેબર સાંસદ તનમનજીત સિંહ ધેસી, રમખાણોમાં બચી ગયેલા ઈમરાન દાઉદ, બ્રેન્ટ નોર્થના લેબર સાંસદ બેરી ગાર્ડિનેર, ચિપિંગ બાર્નેટના કન્ઝર્વેટિવ સાંસદ થેરેસા વિલિયર્સ અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એશિયા અમાન્ડા મિલિંગે ભાગ લીધો હતો.
લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનના પ્રત્યાઘાત
ભારતીય હાઈ કમિશને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ ઠરાવને સ્પોન્સર કરનારા સાંસદ અથવા ૯ ફેબ્રુઆરીની ચર્ચામાં ભાગ લેનારાઓ દ્વારા આ વિષય બાબતે તેમજ ત્રણ બ્રિટિશ વિક્ટિમ્સના પરિવારો દ્વારા ચોક્કસ વિનંતી સહિત કોઈના દ્વારા હજુ સુધી અમારો સંપર્ક કરાયો નથી.
હાઈ કમિશનના નિવેદનમાં આ રમખાણો વિશે યુકેમાં કોઈ અપ્રકાશિત દસ્તાવેજ અટકાવી રખાયો હોવાની લીડબીટરની ધારણાને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે,‘ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ગઠિત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ સંપૂર્ણપણે પબ્લિક ડોમેઈનમાં મૂકાયો હતો. ભારત વિશ્વમાં સૌથી વિશાળ કાર્યરત લોકશાહી છે એટલું જ નહિ, તે અનેકતામાં એકતાનું અનોખું ઉદાહરણ છે. અમારા આંતરિક કાયદાઓ અને વિદેશનીતિ ભારતના બંધારણમાં સંગ્રહિત સિદ્ધાંતો દ્વારા પ્રેરિત થાય છે અને આના પરિણામે, અમારા નાગરિકો-લોકો તેમની સમસ્યાઓને લોકશાહીની રીતે અને અમારી કારોબારી-લેજિસ્લેચર અને ન્યાયતંત્ર સહિત અમારી લોકશાહી સંસ્થાઓની અંદર જ ઉકેલી શકે છે.’
શા માટે આ ચર્ચા કદાચ કોમી હિંસા સળગાવવાનો પ્રયાસ હોઈ શકે છે.
ગત વર્ષે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાહ નાયડુએ કહ્યું હતું કે, પાશ્ચાત્ય મીડિયાનું વલણ બિનસાંપ્રદાયિકતા, વાણી સ્વાતંત્ર્યના મુદ્દાઓ પર ભારત સરકારને ઉતારી પાડવાનું રહ્યું છે. ભારત આગળ વધી રહ્યું ચે તે હકીકત તેઓઔ પચાવી શકતા નથી. તેમાંથી કેટલાકને અપચાનું દરદ છે.... વિશ્વભરમાં ભારત સૌથી ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ કેટલીક વ્યક્તિઓની છૂટીછવાઈ ઘટના હોઈ શકે છે પરંતુ, સમગ્રતયા અમે ધર્મનિરપેક્ષતાને જીવીએ છીએ કારણકે તે આ સરકાર કે પેલી સરના કારણે નહિ પરંતુ, ભારતીયોના લોહી, નસેનસ અને શિરાઓમાં ભરેલું છે... સર્વ ધર્મને આદર આપવાની આમારી યુગો પુરાણી પરંપરા રહી છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે,‘દેશમાં તમામ નાગરિકો માટે એકસમાન અધિકારો અને ન્યાયની ચોકસાઈના બંધારણીય સિદ્ધાંતોને અનુરુપ લોકશાહી કાર્ય કરે છે.’
એક બાબત નોંધવી આવશ્યક છે કે ચર્ચાઓ યોજવી અને વાણી સ્વાતંત્ર્ય તેમજ દેશના વહીવટની ટીકા કરવી એ લોકશાહીનો અધિકાર છે પરંતુ, ૨૦ વર્ષ પહેલા જે થયું તેનો આધાર લઈ દેશ સાંપ્રદાયિક હોવાની ધારણા બાંધવી તે ઉતાવળિયું કાર્ય છે, વિશેષતઃ ચર્ચામાં ભાગ લેનારી બહુમતી વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રાકૃતિક લક્ષણને સમજતા ન હોય ત્યારે તો ખાસ.
આ ચર્ચાસભામાં શું થયુ?
સ્લાઉના લેબર સાંસદ તનમનજીત સિંહ ધેસીએ કહ્યું કે,‘તમામ ધર્મો માટે આદરનું મહત્ત્વ અને શાંતિથી એકમેકની સાથે રહેવાનું મહત્ત્વ સ્વીકારીએ તે અગત્યનું છે. શું તેઓ (લીડબીટર) સંમત થાય છે કેવિક્ટિમ્સને સત્તાવાળાઓ પાસેથી ન્યાય મળે તે અત્યાવશ્યક છે?
રમખાણમાં બચી ગયેલી વ્યક્તિની કથની
લીડબીટરે રમખાણમાં બચી ગયેલી અને ચર્ચામાં ઉપસ્થિત વ્યક્તિની કથની વર્ણવી હતી. તેમણે કહ્યું કે,‘ ૨૦૦૨ની ૨૮ ફેબ્રુઆરીએ ચાર પર્યટક તાજ મહાલની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હતા. આ તેમના જીવનનો યાદગાર પ્રવાસ હતો. તેમના નામ સાકિલ અને સઈદ દાઉદ, તેમનો ૧૮ વર્ષીય ભત્રીજો ઈમરાન અને તેમનો બાળપણનો મિત્ર મોહમ્મદ અશ્વાટ હતા. તેઓ રાજ્યની સરહદ ઓળંગી ગુજરાતમાં પ્રવેશ્યા તે પછી એક રોડ બ્લોક પર તેમની જીપને અટકાવાઈ હતી. ટોળાંએ વાહનને ઘેરી લીધું અને તેમના ધર્મની પૂછપરછ કરી. તેમણે ઉત્તર વાળ્યો કે તેઓ મુસ્લિમ છે અને રજાઓ પર નીકળેલા બ્રિટિશ નાગરિક છે. આ પછીની હિંસામાં સાકિલ, સઈદ, મોહમ્મદ અને તેમના ડ્રાઈવરની હત્યા કરી દેવાઈ. ચમત્કારિક રીતે મરેલો માની ઈમરાન દાઉદને છોડી દેવાયો અને તે આજે આપણી વચ્ચે છે. તેની જુબાની થકી જ શું થયું તેના સંજોગો આપણે જાણી શક્યા છીએ. તેને યાદ આવે છે કે સાકિલ અને સઈદ તેમનો જીવ બક્ષવામાં આવે તેની વિનંતીઓ કરતા હતા. ન્યાય માટેની તેની લડાઈએ જ મારા મતક્ષેત્ર બેટલી એન્ડ સ્પેન સાથે શું થયું તેની યોગ્ય દરકાર માટે આંતરરાષ્ટ્રીય કેમ્પેઈનને જન્મ આપ્યો.
ઈમરાન દાઉદ વતી લીડબીટરે માગણી કરી કે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એશિયા અમાન્ડા મિલિંગે ભારતીય સત્તાવાળાઓ સમક્ષ મુદ્દો ઉઠાવવો જોઈએ કે મૃતકોના અવશેષો- મૃતદેહ પરત મોકલવાનું શક્ય છે કે કેમ અને જો તેમ હોય તો તે વ્યવહારુ રીતે શક્ય બને તેમ ઝડપી થવું જોઈએ.
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એશિયાએ કહ્યું, કોઈ અપ્રકાશિત રિપોર્ટનું અસ્તિત્વ નથી.
આમ છતાં, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એશિયા અમાન્ડા મિલિંગે સત્તાવારપણે જણાવ્યું હતું કે યુકેમાં કોઈ અપ્રકાશિત રિપોર્ટનું અસ્તિત્વ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે પૂર્વ ભારતીય વડા પ્રધાન દિવંગત શ્રી અટલ બિહારી વાજપેયીની સરકારે હિંસાને વખોડી કાઢી હતી.
અમાન્ડા મિલિંગે કહ્યું હતું કે,‘ અમે ૨૦૦૨થી બ્રિટિશ વિક્ટિમ્સના પરિવારોને કોન્સ્યુલર સપોર્ટ પૂરો પાડ્યો હતો અને જરૂર લાગે ત્યારે મદદ આપવાનું ચાલુ રાખીશું. હું સ્વીકારું છું કે પરિવારોને તેમના સ્નેહીજનોના અવશેષો-મૃતદેહ પરત નહિ કરાયાથી લાગણી ઘવાઈ હોય. પરિવારના કાનૂની પ્રતિનિધિઓએ અમને સલાહ આપી છે કે અવશેષો પરત કરવા માટે ભારતની કોર્ટમાં અરજી કરવામાં આવે. અરજી જ્યારે કરાશે ત્યારે તેને સપોર્ટ આપવા અમે તૈયાર છીએ.’
કોરોનરની ઈન્ક્વેસ્ટ સંદર્ભે, અમે વિનંતી કરાશે તો દાઉદના પરિવાર સાથે વાતચીત અને વધુ કોન્સ્યુલર સહાય આપવા તૈયાર છીએ. તત્કાલીન યુકે સરકાર દ્વારા રમખાણો મુદ્દે હાથ ધરાયેલા કોઈ અપ્રકાશિત રિપોર્ટ્સની અમને જાણકારી નથી. રમખાણોમાં ઘણી મહિલાઓ પર બળાત્કાર કરાયા અને મુસ્લિમ ઘર-મકાનો અને બિઝનેસીસનો નાશ કરાયો હતો. સત્તાવાર આંકડા અનુસાર આ હિંસામાં ૧૦૦૦થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. જોકે, ઘણા રિપોર્ટ્સ કહે છે કે સાચો આંકડો આનાથી વધુ છે. તત્કાલીન વડા પ્રધાન, વડા પ્રધાન વાજપેયી અને ભારત સરકારે આ પછીના મહિનાઓમાં ચાલેલી હિંસાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.’
તેમણે કહ્યું હતું કે,‘ભારત સાથે આપણા મજબૂત સંબંધો છે. અમે યોગ્ય સમયે ભારતમાં ધર્મ અને માન્યતાના સ્વાતંત્ર્યના મહત્ત્વ તેમજ લેજિસ્લેટિવ અને જ્યુડિશિયલ પગલાંની અસરોના મુદ્દા સીધા ભારતીય સત્તાવાળો સમક્ષ ઉઠાવતા રહીએ છીએ. યુકેના મિનિસ્ટર્સ અને રાજદ્વારીઓ પણ ભારતના ધાર્મિક નેતાઓ અને કોમ્યુનિટીઓ સાથે વ્યાપક સ્તરે વાર્તાલાપ કરતા રહે છે. નવી દિલ્હીના આપણા હાઈ કમિશન મારફત અમે યુકે-ભારત ઈન્ટરફેઈથ લીડરશિપ પ્રોગ્રામને સપોર્ટ કરીએ છીએ. આના પરિણામે ઉભરતા ધાર્મિક અગ્રણીઓને સમજ અને આદર વિકસાવવામાં સાથે લાવી શકાય છે. ભારત સરકાર સાથે આપણા ગાઢ સંબંધોના કારણે આપણે લઘુમતીઓના અધિકારો સહિત યોગ્ય હોય ત્યાં મહત્ત્વના મુદ્દા ઉઠાવી શકીએ છીએ.’
૨૦૦૨ની ઘટનાઓમાં વ્યાપક ઈન્વેસ્ટિગેશન્સ
કન્ઝર્વેટિવ પાર્ટીના ચિપિંગ બાર્નેટના સાંસદ થેરેસા વિલિયર્સે તમામને યાદ કરાવ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૦૯માં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સહિત ૨૨૦૨ની ઘટનાઓ બાબતે વ્યાપક તપાસો થઈ હોવાનું સ્વીકારવું અગત્યનું છે. અનેક લોકોને દોષિત ઠરાવી જેલની લાંબી સજાઓ કરાઈ છે. ભારતીય પાર્લામેન્ટમાં પણ આ બાબતો સઘન ચકાસણી અને ચર્ચાનો વિષય બની હતી.
વિલિયર્સે કહ્યું હતું કે ‘કાયદાના શાસન પ્રત્યે આદર, સંસદીય લોકશાહી અને ધાર્મિક લઘુમતીઓના અધિકારોનું બંધારણીય સુરક્ષાના મૂલ્યો ભારતીય પોલિટિકલ સિસ્ટમના હાર્દમાં છે અને આ જ મૂલ્યોએ ગુજરાતની કરુણ ઘટનાઓ પ્રતિ પ્રત્યાઘાતોને આકાર આપ્યો છે. જે બની ગયું છે તેમાંથી શીખવાની, આવા રમખાણોનું પુનરાવર્તન થતું અટકાવવા તમામ શક્ય કરવું તેમજ આ સંપૂર્ણ અસ્વીકાર્ય હિંસા અને રમખાણોના કાવતરાખોરોને ન્યાય સમક્ષ ખડા કરવાનો સ્પષ્ટ નિર્ધાર જોવા મળે છે.’
લેબર પાર્ટી સમુદાયોને નિકટ લાવવાનું કામ કરે, વિભાજનનું નહિ
લોર્ડ ડોલર પોપટે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘યુકેની પાર્લામેન્ટ તમામ પાર્લામેન્ટ્સની માતા છે. આ લોકશાહીની દીવાદાંડી-પ્રતીક છે જ્યાં આપણે વાણી સ્વાતંત્ર્યની હિમાયત કરીએ છીએ. જોકે, એ બાબત પ્રકાશમાં આવી છે કે ઘણી વખત અન્ય રાજકીય એજન્ડા, જેમકે ભારતવિરોધી પૂર્વગ્રહને આગળ વધારવામાં પણ પાર્લામેન્ટરી સમયનો લાભ લેવાય છે. તાજેતરમાં પણ આ ઘણી વખત જોવા મળ્યું છે. હું તમામ પક્ષના પાર્લામેન્ટરિયન્સને ચર્ચાઓ અન્ય બાબતો માટે હાઈજેક કરી ન લેવાય તેની ચોકસાઈ કરવા અનુરોધ કરું છું.’
ન્યૂઝવીક્લીઝને સત્તાવાર નિવેદનમાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહાધ્યક્ષો અમીત જોગીઆ અને રીમા રેન્જર OBE એ જણાવ્યું હતું કે,‘ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણો ભારતના ઈતિહાસમાં કાળા સમયખંડનું પ્રતિબિંબ પાડે છે. આમ છતાં, ૨૦ વર્ષ પછી જૂના ઘાને સાજા કરવા અને સારા ભાવિનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે લેબર પાર્ટીએ ગત સપ્તાહે પાર્લામેન્ટમાં ચર્ચા યોજી હતી જે યુકેની લેબર પાર્ટી જે ક્ષેત્રોમાં વધુ તણાવ ઉભા કરી શકે અને ઉકેલો આપી ન શકે ત્યાં વિભાજનના હેતુને પાર પાડી રહેલી જણાય છે.
આ ચર્ચા લેબર પાર્ટી દ્વારા પાર્લામેન્ટમાં ભારતવિરોધી ઉશ્કેરાટની હિમાયત કરવાનું વધુ એક ઉદાહરણ છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને આ ઘટનામાં વ્યાપક ઈન્વેસ્ટિગેશન્સ કરવાના વ્યવસ્થાતંત્રો ધરાવે છે. ગુજરાતમાં આ બાબત ભારતની સુપ્રીમ કોર્ટ સહિત ઘણી ઈન્ક્વાયરીઓનું કેન્દ્ર બની છે.’
‘લેબર પાર્ટીએ સારા ભવિષ્યની ખાતરી માટે કોમ્યુનિટીઓને નિકટ લાવવા તરફ અને ઈતિહાસમાંથી પાઠ શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કન્ઝર્વેટિવ્ઝ અને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા વચ્ચે મતભેદો હોવાં છતાં, અમે ભારતને પ્રમોટ કરવા અને આપણા બે મહાન દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધોને આગળ વધારવાના મિશનમાં એકજૂટ છીએ. કદાચ લેબર પાર્ટીમાં અમારા મિત્રો તેમની પાર્ટી દ્વારા આગળ વધારાતી ભારતવિરોધી ઉશ્કેરાટની ભાષાનો ઉકેલ લાવવા બાબતે કામ કરી શકે.’
(ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા આ મુદ્દા પર સત્તાવાર નિવેદન મેળવવા અન્ય કેટલાક સાંસદો અને લેબર પાર્ટીના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ, મંગળવાર, ૧૫ ફેબ્રુઆરીએ આ લેખ પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે ત્યાં સુધી તેમના ઉત્તર મળી શક્યા નથી.)
સાબરમતી એક્સપ્રેસમાં આગચંપીએ ગોધરાકાંડનો પલિતો ચાંપ્યો
ગુજરાતના ઈતિહાસમાં ગોધરાકાંડ અથવા ગુજરાત રમખાણો તરીકે ચર્ચાસ્પદ બનેલી હિંસક ઘટનાઓની હારમાળાનો આરંભ રામ જન્મભૂમિ અયોધ્યાથી પરત થઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ પર હિંસક હુમલા સાથે થયો હતો. વર્ષ ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ મુસ્લિમોના ટોળાંએ ગોધરા ખાતે ટ્રેનના બે ડબ્બાને લગાવેલી આગમાં ૫૮ કારસેવક યાત્રીઓ સળગીને ભડથું થઈ ગયા હતા. આ પછી સમગ્ર રાજ્યમાં પ્રસરેલી કોમી રમખાણોની હુતાશણીમાં ૭૯૦ મુસ્લિમ, ૨૫૪ હિન્દુનો મોત થયાં હતા અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, મોતનો આંકડો ચર્ચાસ્પદ રહ્યો છે. આ ઉપરાંત, હિન્દુ અને મુસિલિમોના ધર્મસ્થાનો અને રહેઠાણોને પણ આગચંપી અને નુકસાન કરાયું હતું. ગુજરાતભરમાં બંને કોમ વચ્ચે હિંસા અને હુલ્લડોની ઘટના છેક જૂન મહિનાની મધ્ય સુધી ચાલતી રહી હતી. ગુજરાત સરકાર દ્વારા રચાયેલા નાણાવટી કમિશને સાબરમતી એક્સપ્રેસને આગ લગાવવાની ઘટનાને ‘પૂર્વયોજિત કાવતરું’ ગણાવ્યું હતું. બીજી તરફ,ગોધરા રમખાણોમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર વિરુદ્ધ તોફાનો ડામવામાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવાયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ) દ્વારા મુખ્યપ્રધાન બંધારણીય ફરજોને આધીન રમખાણોને ડામવામાં નિષ્ફળ ગયા હોવાના આરોપમાં ક્લીન ચીટ અપાઈ હતી.