તાલિબાને ૩૪ પ્રાંતીય રાજધાનીઓને બે અઠવાડિયામાં કબજે કરી લીધી. ફક્ત ૯૦ હજાર તાલિબાની આંતકી સામે ૩ લાખની વધુ સંખ્યા ધરાવતી અફઘાન સેનાએ સરેન્ડર કરવું પડ્યું. એટલે કે ૨૦ વર્ષ પહેલા જે તાલિબાની શાસનનો અંત આવ્યો હતો તે ફરીથી કાયમ થઇ ગયો છે. અહીં તાલિબાન સંબંધિત અમુક સવાલ અને જવાબો છે.
• તાલિબાન કોણ છે?ઃ ૧૯૮૦ની શરૂઆતના દિવસોની વાત છે. અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયનની સેના આવી ચૂકી હતી. તેના જ સંરક્ષણમાં અફઘાન સરકાર ચાલી રહી હતી. અનેક મુઝાહિદ્દીન સંગઠન સેના અને સરકાર સામે લડી રહ્યાં હતાં. આ મુઝાહિદ્દીનોને અમેરિકા અને પાકિસ્તાન પાસેથી મદદ માળતી હતી. ૧૯૮૯ સુધી સોવિયત યુનિયને પોતાની સેનાને પરત બોલાવી લીધી. તેની સામે લડનારા લડવૈયાઓ હવે પોતાની વચ્ચે જ લડી રહ્યા છે. આવો જ એક લડવૈયો મુલ્લા મોહમ્મદ ઉમર હતો. તેણે કેટલાક પશ્તૂન યુવાનો સાથે તાલિબાન આંદોલન શરૂ કર્યું હતું.
• તાલિબાન કઈ રીતે કામ કરે છે?ઃ કોઈ પણ દેશની સરકારની જેમ તાલિબાન પણ ચાલે છે. એમાં આખા સંગઠનનો એક વડો હોય છે. તે પછી ત્રણ ડેપ્યુટી નેતાઓ હોય છે. તેમની પાસે લીડરશિપ કાઉન્સિલ હોય છે, જેને રહબરી શૂરા કહે છે. એ પછી વિવિધ વિભાગોના કમિશન છે. દરેક પ્રાંત માટે અલગ ગવર્નર અને કમાન્ડરોની પણ નિમણૂક કરવામાં આવે છે.
• તાલિબાન કેટલી સંપત્તિ ઘરાવે છે?ઃ ૨૦૧૬માં ફોર્બ્સે તેનો વાર્ષિક બિઝનેસ ૨૯૬૮ કરોડ રૂપિયા બતાવ્યો હતો. રેડિયો ફ્રી યુરોપ અનુસાર ૨૦૧૯-૨૦માં તાલિબાનનું વાર્ષિક બજેટ આશરે ૧૧ હજાર કરોડ રૂપિયાનું હતું. કમાણીનું માધ્યમ અફીણની તસ્કરી, બોર્ડર પોસ્ટ તથા ખનન કંપનીઓની વસૂલી છે.
• હવે તાલિબાનનું નેતૃત્વ કોની પાસે છે?ઃ પહેલા મુલ્લા ઉમર અને પછી ૨૦૧૬માં મુલ્લા મુખ્તર મન્સૂરની અમેરિકી ડ્રોન હુમલામાં મોત બાદથી મૌલવી હિબ્તુલ્લાહ અખુંજાદા તાલિબાનના ચીફ છે.
• ૨૦ વર્ષ બાદ તાલિબાન આટલા મજબૂત કઇ રીતે બન્યા?ઃ ૨૦૧૨માં નાટો બેઝ પર હુમલો કરાયો. ૨૦૧૫માં કુંદુજ પર કબજો કરી તાલિબાને વાપસીના સંકેત આપ્યા. એપ્રિલમાં અમેરિકાની વાપસીની જાહેરાત થતા તાલિબાનને મોરચો માંડ્યો. ૨૦ વર્ષમાં ૬૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ અમેરિકાના હાથ ખાલી છે.