શ્રીનગરઃ જર્મની, કેનેડા, ફ્રાન્સ, અફઘાનિસ્તાન સહિત ૨૫ દેશોના ડેલિગેટ્સે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિઓએ આર્ટિકલ - ૩૭૦ રદ થયાના ૬ મહિના બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા હતા. ગયા મહિને અમેરિકન રાજદૂતના નેતૃત્વમાં ૧૫ ડેલિગેટ્સે કાશ્મીરની મુલાકાત લીધી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે ગલ્ફ દેશોના ડેલિગેટ્સ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા.
સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રતિનિધિ મંડળે શ્રીનગર પહોંચતા પૂર્વે ઉત્તર કાશ્મીરમાં ફળ ઉત્પાદકો સાથે મુલાકાત યોજી હતી. અહીં તેઓ મીડિયા, સામાજિક સમૂહો અને જમ્મુ-કાશ્મીરના રાજનેતાઓને મળ્યા હતા. આ દરમિયાન ભારતીય સેનાએ વિદેશી ડેલિગેટ્સને ઘાટીમાં સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી આપી હતી તેમજ નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાકિસ્તાન કેવી રીતે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે તે વિશે પણ તેમને માહિતદાર કરાયા હતા. ડેલિગેટ્સની નવી બેન્ચમાં પોલેન્ડ, બલ્ગેરિયા અને ચેક રિપબ્લિકના યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.
ગયા વખતની મુલાકાતમાં અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટર સહિત બંગલાદેશ, વિયતનામ, નોર્વે, માલદીવ, દક્ષિણ કોરિયા, મોરક્કો, નાઇઝિરિયા અને અન્ય દેશોના ડેલિગેટ્સ કાશ્મીર ગયા હતા. ઈયુના ડેલિગેટ્સે કહ્યું હતું કે તે પોતાની મરજીથી પસંદ કરેલા નેતાઓને મળવા માગે છે એટલા માટે બાદમાં કાશ્મીર જશે.
લોકોમાં ઉત્સાહ છે, પ્રતિબંધો હટાવોઃ ફ્રાન્સ
ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનિને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય કરવા માટે અધિકારીઓ મહત્ત્વપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ છે ત્યારે હાલમાં લદાયેલા પ્રતિબંધો બને તેટલા જલદી હટાવી લેવા જોઈએ. રાજદ્વારીઓના પ્રતિનિધિ મંડળમાં સામેલ ફ્રાન્સના રાજદૂત લેનિને કહ્યું હતું કે આ યાત્રા મહત્ત્વપૂર્ણ હતી. એક રાજદૂતના રૂપમાં હું મારી નજરે પરિસ્થિતિ જોવા માગતો હતો અને સ્થાનિક અધિકારીઓ ઉપરાંત સ્થાનિક મીડિયા અને વેપાર સમુદાય સાથે વાતચીતનો મોકો મળ્યો. અધિકારીઓ પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને આર્થિક વિકાસ ઘણા પ્રયાસ કરી રહ્યા છે. આથી લોકોમાં ઉત્સાહ છે. હવે જે પ્રતિબંધો લાગેલા છે એને હટાવી દેવા જોઈએ.