ન્યૂ હોરાઈઝન્સ ફ્લાય-બાય પ્રકારનું યાન છે. મતલબ કે તેણે માત્ર પ્લુટોની સપાટી પાસેથી પસાર થઈને આગળ વધી જવાનું છે. ૧૪મી જુલાઈએ ન્યૂ હોરાઈઝન્સ પ્લુટોની સપાટીથી સૌથી નજીક પહોંચ્યું હતું. આ દિવસે પ્લુટો અને ન્યૂ હોરાઈઝન્સ વચ્ચેનું અંતર ‘માત્ર’ ૧૨,૫૦૦ કિલોમીટર હતું. આ અગાઉ પ્લુટોની આટલી નજીક કોઈ યાન પહોંચ્યું નથી. આ યાને મોકલેલી ઇમેજ જોઇને જ ખગોળશાસ્ત્રીઓન ખ્યાલ આવ્યો છે કે ધારણા કરતાં પ્લુટોનું કદ મોટું છે.
પ્લુટો નામકરણ
અમેરિક યુવા ખગોળશાસ્ત્રી ક્લાઈવ ટોમબાથે ૧૮ ફેબ્રુઆરી, ૧૯૩૦ના રોજ પ્લુટોનું અસ્તિત્વ શોધ્યું હતું. એ વખતની શોધ પ્રમાણે પ્લુટો નવમો ગ્રહ હતો. નવમો ગ્રહ શોધાયો એટલે નામકરણની કાર્યવાહી શરૂ થઈ. સમગ્ર જગતમાંથી નામ માટે સૂચનો મળ્યાં હતાં. આમાં ૧૧ વર્ષની એક છોકરીએ મોકલેલું પ્લુટો નામ પસંદ થયું. ગ્રીક ધર્મગ્રંથો પ્રમાણે પ્લુટો અન્ડરવર્લ્ડના દેવતા હતાં. એ નામ પસંદ થયું અને ૧૯૩૦ની ૨૪મી માર્ચે તેનું સત્તાવાર નામકરણ પણ કરવામાં આવ્યું. પછી તો વોલ્ટ ડિઝનીએ પોતાના એક કાર્ટુન કેરેક્ટરનું નામ પણ પ્લુટો રાખ્યું હતું.
પ્લુટો વિશે જાણવા જેવું
પ્લુટોનો એક દિવસ પૃથ્વીના ૨૪૮ વર્ષ બરાબર છે કેમ કે એ સૂર્યમાળામાં અત્યંત દૂર આવેલો છે. આથી સૂર્ય ફરતે તેને પ્રદક્ષિણા પૂરી કરવામાં ૨૫૦ વર્ષ નીકળી જાય છે. વળી તેની ભ્રમણકક્ષા લંબગોળ છે. કેટલોક સમય એવો આવે છે જ્યારે પ્લુટો નેપ્ચ્યુનની ભ્રમણકક્ષા કાપે છે. એટલો સમય પૂરતો એ આઠમો ગ્રહ બની જાય છે.
સૂર્યમાળાના સૌથી નાના ગ્રહ તરીકેની ઓળખ મેળવી ચૂકેલા પ્લુટોએ દાયકાઓ સુધી નવા ગ્રહ તરીકે સન્માન મેળવ્યું. દરમિયાન તેના પાંચ ઉપગ્રહો પણ મળી આવ્યા. જોકે ખુદ પ્લુટોનું કદ અત્યંત નાનું છે. અને તેનો વ્યાસ માત્ર ૨૩૭૦ કિલોમીટરનો જ છે. મતલબ કે પૃથ્વી કરતાં પાંચમા ભાગનો. તેનું દળ તો પૃથ્વીના કુલ દળના એક ટકા કરતાં પણ ઓછું છે. પૃથ્વી પર દસ ફીટ ઊંચો કૂદકો મારી શકતો વ્યક્તિ પ્લુટો પર કૂદકો મારે તો એ ૧૫૦ ફીટ સુધી ઊંચકાય!
ન્યૂ હોરાઈઝન્સનો અનંત પ્રવાસ
અડધી સદીમાં ન્યુ હોરાઈઝન્સ પહેલું યાન છે, જે પ્લુટોની નજીક પહોંચ્યું હોય. ન્યૂ હોરાઈઝન કલાકના ૪૯,૬૦૦ કિલોમીટરની ઝડપે પ્લુટો પાસેથી પસાર થઈ રહ્યું છે. લોન્ચિંગ વખતે ન્યૂ હોરાઈઝન્સની સ્પીડ પ્રતિ કલાક ૫૮,૫૩૬ કિલોમીટર હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ ઝડપ સામાન્ય વિમાન કરતાં ૧૦૦ ગણી વધારે હતી. અત્યાર સુધી પૃથ્વી પર ગયેલા કોઈ યાને આટલી ઝડપ હાંસલ કરી નથી. આમ હોરાઈઝન્સે પૃથ્વી પરથી રવાના થતાંની સાથે જ ફાસ્ટેસ્ટ સ્પેસક્રાફ્ટનો વિક્રમ નોંધાવી દીધો હતો.
પ્લુટો પાસેથી પસાર થયા પછીય યાન આગળ વધતું રહેશે. કુઈપર બેલ્ટના વિવિધ આકાશી પદાર્થો પાસે પસાર થશે અને આગળ આગળ ચાલ્યું જ જશે. ૨૦૨૬માં તેના પ્રવાસનો સત્તાવાર અંત આવશે - જો વચ્ચે કોઈ વિઘ્ન નહીં આવે તો. ચારેતરફ ફેલાયેલા કાળા ડિબાંગ બ્રહ્માંડમાં ધમધમાટી બોલાવતું ન્યૂ હોરાઈઝન્સ ઊડતું જ રહેશે. યાનમાં રખાયેલું ૧૦.૯ કિલોગ્રામ પ્લુટોનિયમ યાનને બળતણ પૂરું પાડે છે.
પ્લુટોઃ ગ્રહ કે અવકાશી પદાર્થ?
૨૦૦૬ પહેલાં સુધી તો પ્લુટોને સૂર્યમાળાના નવમા ગ્રહ તરીકેની ઓળખ હતી. જોકે ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને પ્લુટોનું ગ્રહ તરીકેનું પદ છીનવી લેતાં તેને હવે માત્ર અવકાશી પદાર્થ તરીકે ઓળખવો પડે તેમ છે. અલબત્ત, એ ચર્ચા સતત ચાલતી જ રહે છે કે પ્લુટોને ગ્રહ ગણવો કે માત્ર અવકાશી પદાર્થ? હવે ન્યૂ હોરાઈઝન્સ દ્વારા પ્લુટો અંગે વધારે જાણકારી મળશે એ પછી તેની ઓળખ નક્કી કરવામાં મદદ મળશે.