ન્યૂ યોર્કઃ ભારત હાલમાં કોરોનાના બીજા મોજાનો સામનો કરી રહ્યું છે. સમગ્ર દેશમાં હાહાકારની સ્થિતિ છે, જે કેટલાક સમય પહેલાં વિશ્વના બાકીના વિકસિત દેશોની હતી. બ્રિટન, સ્પેન, અમેરિકા, ઇઝરાયલ, ઇટાલી જેવા દેશોમાં કોરોનાની રફ્તાર એટલી ઝડપી હતી તેટલી જ રફ્તાર હાલમાં ભારતમાં છે. આવા વિકસિત દેશોમાં પણ મેડિકલ માળખાકીય સુવિધાઓ ઓછી પડી ગઇ હતી. બેડ, ઓક્સિજન,વેન્ટિલેટર, પીપીઇ કિટનું સંકટ સામે આવ્યું હતું. પરંતુ આ દેશોમાં હવે સ્થિતી બદલાઇ ગઇ છે. તેનું એક માત્ર કારણ રસીકરણ છે. વિશ્વભરના નિષ્ણાતોનું માનવું છે કે વધુમાં વધુ રસીકરણ જ કોરોનાને રોકી શકે છે. વેક્સિનેશનનું પોઝિટિવ રીઝલ્ટ આપણને વિશ્વના છ દેશોમાં જોવા મળે છે. બ્રિટનમાં તો ૪૯ ટકા વસતીને વેક્સિન લાગી અને ૯૭ ટકા કેસ ઘટી ગયા છે. બ્રિટનમાં ગયા વર્ષે ૮ ડિસેમ્બરથી વેક્સિન ડ્રાઇવ શરૂ થઇ ગઇ છે. તે વખતે દેશમાં ૬૦ થી ૭૦ હજાર નવા કોરોના કેસ નોંધાતા હતા. હોસ્પિટલમાં બેડની અછત સર્જાઇ હતી. દરરોજ ૧૦૦૦ થી ૧૨૦૦ મૃત્યુ નોંધાતા હતા, પરંતુ જેમ જેમ રસીકરણનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ સ્થિતી સુધરવા લાગી. ફેબ્રુઆરી પછી બ્રિટનમાં સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. હવે બ્રિટનમાં રોજ માત્ર એકથી બે હજાર કેસ જ નોંધાય છે અને ૧૫ થી ૨૦ મૃત્યુ જ નોંધાઇ રહ્યા છે. સમગ્ર દેશમાંથી તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. સ્કૂલ-કોલેજો પહેલાંની જેમ ખુલી રહ્યાં છે.
અમેરિકામાં વેક્સિનેશનથી ૮૦ ટકા કેસ ઘટયા
ભારતમાં હાલ જે સ્થિતી છે તેવી સ્થિતી અમેરિકામાં સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી હતી. દરરોજ ૧થી ૩ લાખ લોકો કોરોના સંક્રમણનો ભોગ બનતા હતા. અહીં મોટા ભાગના લોકો માસ્ક ધારણ નહોતા કરતા. અમેરિકી ચૂંટણીમાં ભીડ પણ ઉમટી હતી. પરંતુ સમગ્ર દેશે હાર માન્યા વિના લડાઇ ચાલુ રાખી. હાલમાં ૩૯.૫૬ ટકા વસતીને વેક્સિન લાગી ચુકી છે. તેને કારણે સંક્રમણની ગતિ ૮૦ ટકા જેટલી ઘટી છે.
ફ્રાન્સ-જર્મનીમાં પણ સ્થિતિ સુધરી રહી છે
વેક્સિનેશનને પરિણામે સ્પેન, ફ્રાન્સ અને જર્મનીની સ્થિતી સુધરી રહી છે. સ્પેનમાં જાન્યુઆરી સુધીમાં દૈનિક ૨૫ થી ૩૦ હજાર કેસ સામે આવી રહ્યા હતા હવે ૮થી ૧૦ હજાર કેસ સામે આવી રહ્યા છે. ફ્રાન્સમાં ૧૮.૭૩ ટકા લોકોને રસી અપાઇ ચુકી છે. અહીં પણ હવે ૨૫-૩૦ હજાર કેસ જ સામે આવી રહ્યા છે. જર્મનીમાં પણ ૨૦ ટકા જેટલી વસતીનું કોરોનાથી બચવા માટે વેક્સિનશન થઇ રહ્યું છે.