ઉપરાંત દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો પણ આ પરેડમાં જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતના ટેબ્લોમાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું મોડેલ પ્રદર્શિત કરાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ ઉજવણીમાં પ્રથમવાર અમેરિકાના પ્રમુખ આવ્યા હોવાથી પ્રજાસત્તાક દિન વિશેષ બન્યો હતો. અમેરિકાના પ્રમુખ અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સવારે દસ વાગ્યે પરેડ નિહાળવા માટે રાજપથ પહોંચી ગયાં હતાં. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર, કેન્દ્રિય નેતાઓ, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સહિતના મહાનુભાવો પરેડ નિહાળવા રાજપથ પહોંચ્યાં હતાં.
આ પ્રજાસત્તાક દિનની પરેડની થીમ ‘નારી શક્તિ’ હતી. જેમાં સેનાની ત્રણેય પાંખના મહિલા સૈન્યદળે પરેડમાં ભાગ લીધો હતો. પ્રજાસત્તાક દિનની પરેડમાં થોડા વરસાદી છાંટા પડ્યા હતા, પરંતુ લોકોના ઉત્સાહમાં કોઈ અસર જોવા નહોતી મળી. બીજી તરફ, દેશના વિવિધ રાજ્યોમાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ઓબામાનું thumbs up
પરેડના મુખ્ય અતિથિ તરીકે અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને તેમનાં પત્ની મીશેલ ઓબામા રાજપથ પર પહોંચ્યા ત્યારે હાજર રહેલા હજારો લોકોએ તાળીઓ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. મોદી બાંધણીના સાફામાં નજરે પડ્યા હતા. જ્યારે વરસાદ અને ઠંડીના કારણે મિશેલ અને બરાક ઓબામાએ ઓવરકોટ પહેર્યો હતો. એક તબક્કે તો ઓબામા રાજપથ પર બનાવાયેલા બૂલેટ પ્રુફ બોક્સમાં જાતે હાથમાં છત્રી પકડીને ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા. લગભગ એક લાખ કરતા વધુ લોકો પરેડ જોવા માટે રાજપથ પર ઉમટ્યા હતા. જે રીતે લોકોએ ઓબામાના આગમનને વધાવ્યું હતું તે જોતાં એવું લાગતું હતું કે તેમણે રાતોરાત ભારતમાં ભારે લોકપ્રિયતા હાંસલ કરી લીધી હોય. પરેડમાં પહેલી વખત ભારતીય સેનાની ત્રણે પાંખની મહિલા ટુકડીઓને શામેલ કરવામાં આવી હતી. ભારતીય સેનાની શક્તિનું રાજપથ પર ફરી એક વખત પ્રદર્શન થયું હતું. આ પહેલા સર્વોચ્ચ લશ્કરી સન્માન અશોક ચક્ર ભારતીય સેનાના અધિકારી મેજર મુકુંદ વરદરાજન અને રાજપૂત રેજીમેન્ટના જવાન નિરજકુમારને એનાયત કરાયો હતો. આ બંને આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં શહીદ
થયા હતા.
પરેડના અંતિમ હિસ્સામાં ઓબામા દંપતી ભારતીય જવાનોના મોટરસાયકલ સ્ટંટ્સથી ખુશ થયા હતા. ઓબામાએ તો જવાનોના હેરતઅંગેજ સ્ટંટસને ‘થમ્બસ અપ’ની નિશાની કરીને બિરદાવી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ વાયુસેનાના વિમાનોએ નિયત ટાઈમ ટેબલ પ્રમાણે ફ્લાયપાસ્ટ કરી હતી. મંગળયાનની સફળતાનું સેલીબ્રેશન રાજપથ પર વિદ્યાર્થીઓના ડાન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
ચ્યુઈંગમ ચાવતા ઓબામા
બરાક ઓબામા પરેડ વખતે ચ્યુંઈગમ ખાતા હોય તેવી તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર ગણતરીના કલાકોમાં વાયરલ થઈ હતી. કેટલાક લોકોએ તેની સામે પણ વાંધો પડી ગયો હતો. ઓબામા અગાઉ પણ અનેક વખત જાહેર કાર્યક્રમોમાં ચ્યુંઈગમ ખાતા નજરે પડ્યા હતા. જોકે મોદી તેમને કંઈક કહી રહ્યા હતા તે જ વખતે ઓબામા મોઢામાંથી ચ્યુઈંગમ બહાર કાઢતા નજરે પડ્યા હતા. તે જ વખતે કોઈએ ખેંચેલી તસવીર જોત જોતામાં સોશ્યલ મીડિયા પર ફરતી થઈ ગઈ હતી. ઓબામા પહેલા એવા અમેરિકન પ્રમુખ હતા જેમણે ખુલ્લા આકાશ નીચે પ્રથમવાર બે કલાકનો સમય પસાર કર્યો હતો.
ઓબામા સામે શસ્ત્રોનુ પ્રદર્શન
અમેરિકા અને રશિયા વચ્ચેના સબંધો અત્યારે સારા નથી. યુક્રેનના મુદ્દે બંને દેશો એકબીજાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં એક એવી વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી જે ચર્ચાનો વિષય બની હતી. આ પરડ દરમિયાન અમેરિકન પ્રમુખ બરાક ઓબામા સામે રશિયન શસ્ત્રોનુ પ્રદર્શન થયું હતું. ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો વધુ ગાઢ ભલે બની રહ્યા હોય પરંતુ ભારતને શસ્ત્રો તો રશિયા પાસેથી જ મળે છે. આજે પણ ભારતીય સેનાની ત્રણે પાંખમાં ૮૦ ટકા શસ્ત્રો રશિયાના છે. આર્મીએ પોતાની મુખ્ય બેટલ ટેન્ક તરીકે ટી ૯૦ ટેન્ક રજુ કરી હતી. આ ટેન્ક રશિયન છે. આ જ રીતે બ્રહ્મોસ મિસાઈલ પણ ભારત અને રશિયાના સહયોગથી બનેલી છે. પરેડની શરૂઆતમાં અને અંતમાં ભારતીય વાયુસેનાએ રશિયન મેડ એમઆઈ ૩૫ તેમ જ સુખોઈ ૩૦, મીગ ૨૯ વિમાનો સાથે ફ્લાય પાસ્ટ યોજી હતી. આ તમામ એરક્રાફ્ટસ રશિયન બનાવટના છે. આ પરેડમાં અમેરિકા પાસેથી તાજેતરમાં ખરીદવામાં આવેલા સી ૧૩૦ હરક્યુલીસ વિમાનોને શામેલ કરાયા હતા. આ એક માત્ર અમેરિકન બનાવટનું વિમાન હતું જે પરેડમાં શામેલ કરાયું હતું. અત્યાર સુધીમાં ભારતને ડીફેન્સ ટેકનોલોજી આપવામાં અમેરિકા ખચકાતું રહ્યું છે ત્યારે કદાચ આ કાફલો જોયા પછી અમેરિકાની નીતિમાં પરિવર્તન આવશે કે કેમ તે જોવું રહ્યું. કારણકે ભારત માટે પણ અમેરિકન ડીફેન્સ ટેકનોલોજી એટલી જ અગત્યની છે જેટલું અમેરિકા માટે ભારતીય બજાર છે.
પરેડમાં મહિલાઓનો દબદબો
સેનાની ત્રણેય પાંખની મહિલા ટુકડીઓએ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર પરેડમાં ભાગ લીધો હતો. કેપ્ટન દિવ્યા અજીથકુમારે આ પરેડનું નેતૃત્વ કર્યું હતું. આર્મી એર ડીફેન્સ કોર્પ્સની દિવ્યા કુમારે પરેડમાં જ્યારે રાજપથ પર સલામી આપી ત્યારે લોકોની તાળીઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તો ઊભા થઈને મહિલા ટુકડીઓને બિરદાવી હતી. દિવ્યાએ કહ્યુ હતું કે જીવનમાં કદાચ આ પ્રકારની તક અને સન્માન એક જ વખત મળતું હોય છે. એનસીસીની મહિલા ટુકડીને પણ રાજપથ પર તાળીઓ અને ચિચિયારીઓ સાથે બિરદાવવામાં આવી હતી. એટલે સુધી કે આર્મડ વ્હીકલ પર પણ મહિલા અધિકારી નજરે પડી હતી. એરફોર્સ અને નેવીની મહિલા ટુકડીઓએ પણ રાજપથ પર જમાવટ કરી હતી. લશ્કરની કેટલીક રેજીમેન્ટની આગેવાની પણ મહિલા અધિકારીઓને સોંપાઈ હતી.