નવી દિલ્હીઃ ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી નવી દિલ્હી સ્થિત રાજપથ ખાતે આ વર્ષે પણ શાનદાર રીતે થઈ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ધ્વજવંદન કર્યા બાદની પરેડમાં સેનાની ત્રણેય પાંખના જવાનોએ જોશભેર ભાગ લીધો હતો. જેમાં ‘નેશનલ સિક્યુરિટી ગાર્ડ’ (એનએસજી)ના જાંબાઝોએ પ્રથમ વખત પરેડમાં ભાગ લીધો હતો. આ જવાનોની ટુકડી રાજપથ ઉપરથી પસાર થઈ ત્યારે લોકોએ તાળીઓના અવાજથી તેમને વધાવી લીધા હતા.
રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના વિજયચોકમાં બિટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ સાથે જ દેશનાં ૬૮માં પ્રજાસત્તાક દિવસની ચાર દિવસની ઉજવણીનું સમાપન થયું હતું. આ વખતે દેશી સંગીતની સુરાવલીઓએ સોનામાં સુગંધ ભેળવી હતી. ૧૯૫૦થી દર વર્ષે ૨૯ જાન્યુઆરીએ યોજાતા આ કાર્યક્રમમાં આર્મી, નેવી, એર ફોર્સ તેમજ સ્ટેટ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ૨૬ બેન્ડ દ્વારા જુદી જુદી ભારતીય અને પાશ્ચાત્ય ૨૬ ધૂનની સુરાવલીઓ છેડવામાં આવે છે. આ પ્રસંગને દીપાવવા અને માણવા રાષ્ટ્રપતિ બગીમાં બેસીને વિજયચોકમાં આવે છે.
નોટબંધીથી પારદર્શકતાઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારતનાં ૬૮મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેમણે લોકોને શુભેચ્છા પાઠવવા ઉપરાંત ભારતીય લોકશાહીની શક્તિ અને મહત્ત્વનો પણ પરિચય કરાવ્યો હતો. દેશમાં તાજેતરમાં આવેલા ઐતિહાસિક આર્થિક પરિવર્તન અંગે પણ તેમણે લોકોને સમજ આપી હતી. પ્રણવદાએ જણાવ્યું કે, તમામ રાજકીય પક્ષો જો એકજૂથ થતા હોય અને સમજૂતી સધાતી હોય તો એક સાથે ચૂંટણી યોજવામાં પણ કોઈ વાંધો જણાતો નથી. બીજી તરફ કહ્યું કે, આતંકવાદે ભારતમાં અશાંતિનું સર્જન કર્યું છે. તેને નાથવા માટે આપણે એકજૂથ થઈને સખત મહેનત કરવી પડશે.
તેમણે જણાવ્યું કે, દેશમાં લાગુ કરાયેલી નોટબંધી બ્લેક મનીને અટકાવવા માટેનો સૌથી મોટો નિર્ણય હતો. ખરેખર તેના કારણે બ્લેક મની પર વજ્રાઘાત થયો છે. આ સંજોગોમાં થોડા સમય માટે અર્થતંત્રમાં અસ્થાયી મંદીની અસર જણાશે પણ લાંબા ગાળે ખૂબ જ ફાયદા થવાના છે. નોટબંધીને કારણે ભારતીય અર્થતંત્રમાં પારદર્શકતા આવી છે અને હજી આવશે. વૈશ્વિક સ્તરે પડકારજનક સ્થિતિમાં પણ આપણું અર્થતંત્ર સારી રીતે ચાલી રહ્યું છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહી
મુખરજીએ જણાવ્યું કે, હું સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને આંતરિક સુરક્ષાદળોના જવાનોને વિશેષ શુભેચ્છા આપું છું. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત જ્યારે આઝાદ થયો ત્યારે તેની પાસે પોતાનું શાસન ચલાવવાના કોઈ દસ્તાવેજો નહોતા. આપણે ભાઈચારાની, વ્યક્તિત્વની ગરિમા જાળવવાની અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહિત કરવાનાં વચનો આપ્યાં. તે દિવસથી આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી બની ગયા.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, આપણે વૈજ્ઞાનિક અને માનવશક્તિના બીજા ક્રમના સૌથી મોટા ભંડાર છીએ. તે ઉપરાંત આપણી પાસે વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી સેના છે. ન્યુક્લિયર ક્લબના પણ છઠ્ઠા સભ્ય બની ગયા છીએ. અંતરિક્ષની દોડમાં સ્થાન ધરાવનાર છઠ્ઠો દેશ અને ઔદ્યોગિક શક્તિમાં દસમા ક્રમે આવનાર દેશ છીએ. એક સમયે ખાદ્યાન્ન આયાત કરનારા દેશ તરીકે ઓળખાતો ભારત હવે ઘણાં ખાદ્ય પદાર્થોનો નિકાસકાર થઈ ગયો છે.
બદલાતાં શીખવું પડશે
ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિ અંગે તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિએ આપણને અસહિષ્ણુ ભારતીય નહીં પણ તર્કવાદી ભારતીય બનાવ્યા છે.
આપણે સંઘર્ષ કરીને અહીંયાં સુધી પહોંચ્યાં તેમ હવે આગળ પણ વધીશું. આપણે બદલાતા સમય પ્રમાણે પરિવર્તનની સાથે પોતાને પણ બદલતાં શીખવું પડશે.
૮૯ મહાનુભાવોને પદ્મ પુરસ્કારો
પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૨૦૧૭ના વર્ષ માટે પદ્મ પુરસ્કારો મેળવનારા મહાનુભાવોના નામ ૨૫મી જાન્યુઆરીએ જાહેર કર્યાં હતાં. સાત મહાનુભાવોને પદ્મવિભૂષણ, સાતને પદ્મભૂષણ અને ૭૫ને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ હતી.
રાષ્ટ્રપતિ મુખરજીએ કહ્યું કે, ગુજરાતના સાત મહાનુભાવોને વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ પદ્મ પુરસ્કારો એનાયત થશે.
પદ્મવિભૂષણ મેળવનારા મહાનુભાવોમાં રાજકીય નેતા શરદ પવાર, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ગાયક યશુદાસ, આધાત્મિક નેતા એસ. જે વાસુદેવ, વિજ્ઞાન-પર્યાવરણ માટે ઉદિપી રામચંદ્ર રાવના નામની જાહેરાત થઈ હતી. આ સિવાય લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી એ સંગમા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન સુંદરલાલ પટવાને મરણોત્તર પદ્મવિભૂષણ એનાયત થશે.
પદ્મભૂષણ પણ સાત મહાનુભાવોને એનાયત થશે. ભારતીય મૂળના અને વિદેશી નાગરિકોને મળીને પાંચ પદ્મ એવોર્ડ્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય ૭૫ મહાનુભાવોને પદ્મશ્રી એનાયત થવાની જાહેરાત કરાઈ હતી. તેમાં ક્રિકેટર વિરાટ કોહલી, રમત ગમત ક્ષેત્રે દીપા કરમાકર, સાક્ષી મલિક, ગાયન-સંગીત ક્ષેત્રે કૈલાશ ખેર, અનુરાધા પૌંડવાલના નામનો સમાવેશ થાય છે.
કુલ ૮ ખેલાડીઓને પદ્મ પુરસ્કારો મળશે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રની કુલ ૧૯ મહિલાઓને સ્થાન મળ્યું છે. બિહારના સ્વામી નિરંજનાનંદ સરસ્વતીને યોગ માટે પદ્મભૂષણ આપવાની જાહેરાત થઈ છે. તો થાઈલેન્ડની રાજકુમારી મહાચકરી સિરિનધોર્નને પણ વિદેશી મહાનુભાવોની કેટેગરીમા પદ્મભૂષણ અપાશે.
આધ્યાત્મિક-સામાજિક ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ રત્ન સુંદર મહારાજને પદ્મભૂષણ એનાયત થશે. ગુજરાતના જાણીતા ગાયક પુરુષોત્તમ
ઉપાધ્યાયને આર્ટ-સંગીત ક્ષેત્ર માટે પદ્મશ્રી અપાશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વી.જી. પટેલ અને પત્રકાર વિષ્ણુ પંડયા, મેડિકલ ક્ષેત્રે ડો. સુબ્રતો દાસ અને ડો. દેવેન્દ્ર ડી. પટેલ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે ગેનાભાઈ પટેલને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે.
આ ઉપરાંત પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર સ્ટ્રાઇકમાં સામેલ ૪ અને ૯ પેરાટ્રૂપર્સના ૧૯ જવાનોને પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ વીરતા ચંદ્રકથી સન્માનિત કરાયા હતા.