ન્યૂ યોર્કઃ આજથી ૨૦ વર્ષ પૂર્વે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક એવી કરુણાંતિકા બની હતી જેનાથી સમગ્ર વિશ્વ થથરી ગયું હતું. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ આતંકવાદી સંગઠન અલ-કાયદાએ પ્રવાસી વિમાનોનો મિસાઇલની જેમ ઉપયોગ કરીને જગપ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબલ્યુટીસી) અને સંરક્ષણ વિભાગના વડા મથક પેન્ટાગોનને નિશાન બનાવ્યા. આ હુમલાને અમેરિકાના ઇતિહાસનો જ નહીં, વિશ્વનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે.
ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકી હુમલો ૩ હજારથી વધુ માનવજિંદગી ભરખી ગયો હતો. મૃતકોમાં ફાયર વિભાગના ૩૪૩ અને પોલીસ તંત્રના ૬૦ જવાનો અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે પેન્ટાગોન પરના આતંકી હુમલામાં ૧૮૪ લોકોનાં મૃત્યુ થયા હતા. આ વિમાન હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ૩૭૨ બિન-અમેરિકન લોકોનો પણ સમાવેશ થતો હતો, જેમાં વિમાનના અપહરણકર્તાઓ સિવાય ૭૭ દેશના નાગરિકો પણ સામેલ હતા. આ હુમલાએ અમેરિકાના અર્થતંત્રને હચમચાવી નાંખ્યું હતું એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરની એ સવાર સામાન્ય દિવસો જેવી જ હતી. દિવસ શરૂ થતાં લોકો તેમના નિત્યક્રમ અનુસાર કામે લાગી રહ્યા હતા. લોકોને રતિભાર પણ અંદેશો નહોતો કે આ દિવસ સેંકડો જિંદગીને ભરખી જવાનો છે, આ દિવસ માનવતાના ઇતિહાસમાં આતંકી કલંકરૂપે નોંધાઇ જવાનો છે.
વિશ્વની સૌથી ઊંચી ઇમારતોની યાદીમાં સ્થાન ધરાવતા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં રોજિંદી ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. ૧૮ હજારથી વધુ કર્મચારીઓ તો કામે વળગી ગયા હતા. જોકે સવારે ૮-૪૬ કલાકે કંઇક એવું બન્યું કે સમગ્ર માહોલ ભયાવહ બની ગયો. તત્કાલીન યુએસ પ્રમુખ જ્યોર્જ બુશે આ ઘટનાને અમેરિકાના ઇતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો, જે એકદમ યથોચિત હતું.
કુખ્યાત આતંકી સંગઠન અલ-કાયદાના ૧૯ આતંકીઓએ ચાર અમેરિકન વિમાનોનું અપહરણ કર્યું. આમાંથી બે વિમાનો તેમણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ ઉડાવ્યા તો બે વિમાનને યુએસ ડિફેન્સના વડા મથક પેન્ટાગોન તરફ ઉડાવી જવાયા. પહેલું પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉત્તરીય ટાવર સાથે અથડાવાયું. આ ઘટના નિહાળનાર લોકોને પહેલાં તો એવું લાગ્યું કે આ એક દુર્ઘટના માત્ર છે. પરંતુ થોડીક જ મિનિટો બાદ ૯-૦૩ કલાકે બીજું એક વિમાન ઉડીને આવ્યું અને ધડાકાભેર દક્ષિણ બાજુના ટાવર સાથે ટકરાયું.
આતંકી હુમલાનો સિલસિલો આટલેથી જ ના અટક્યો. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બન્ને ટાવરો પર આતંકી હુમલાની કેટલીક મિનિટો બાદ ૯-૪૭ કલાકે પેન્ટાગોન પર પણ આ જ પ્રકારે આતંકી હુમલો થયો.
આતંકવાદના આ વરવા સ્વરૂપે આખી દુનિયાને હચમચાવી નાંખી. આતંકીઓએ અમેરિકાને આર્થિક ફટકો મારવાના બદઇરાદે વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું તો વિશ્વની મહાસત્તાને સંરક્ષણ ક્ષેત્રે નીચાજોણું કરાવવા પેન્ટાગોનને નિશાન બનાવ્યું હતું. આ બન્ને લક્ષ્ય સાથે અમેરિકાની આન-બાન-શાન જોડાયેલા હતા. અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થયું. આતંકી ઝનૂન સાથે શેતાની દિમાગ ભળે તો કેવી ખાનાખરાબી સર્જાય તે દુનિયાએ નરી આંખે નિહાળ્યું. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ૧૮ લાખ ટન કાટમાળ ખસેડવામાં નવ મહિનાનો સમય લાગ્યો હતો.
અમેરિકાએ આ આતંકી હુમલા બાદ અલ-કાયદાના વડા ઓસામા બિન-લાદેનને ઝબ્બે કરવા માટે આકાશપાતાળ એક કરીને તેના માથે સાથે ૨૫ કરોડનું ઇનામ જાહેર કર્યું હતું. આખરે અમેરિકાએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને લાદેનને ઠાર માર્યો હતો અને તેના મૃતદેહને દરિયામાં દફનાવી દીધો હતો એ ઇતિહાસ જગજાહેર છે. જોકે આ હુમલા બાદ અમેરિકાએ તેની સરહદને એટલી મજબૂત કરી છે કે કોઇ આતંકવાદી સંગઠન તેની સામે આંખ ઉઠાવવાની હિંમત કરી શક્યું નથી.
આતંકી હુમલા કરતાં વધારે મોત કાટમાળના પ્રદૂષણથી
વર્લ્ડ ટ્રેડ સેન્ટર - ન્યૂ યોર્કના ટ્વિન ટાવરો પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા આતંકવાદી હુમલાના દુષ્પરિણામો હજુ અટકવાનું નામ લેતા નથી.
અમેરિકાના આર્થિક વૈભવના કેન્દ્રબિંદુ સમાન ન્યૂ યોર્કની ફાયર ફાઇટીંગ ટીમના પૂર્વ સભ્ય અને એક્ટર સ્ટીવ બુસેનીનું માનવું છે કે બિલ્ડિંગના કાટમાળના કારણે સર્જાયેલું પ્રદૂષણ હજુ પણ લોકોના જીવ લઈ રહ્યું છે. એ હુમલામાં ૩ હજાર લોકોના મોત નીપજ્યાં હતા, પણ તેથી વધારે મોત તો કાટમાળના ઝેરીલા પ્રદૂષણના કારણે બીમાર થયેલા લોકોના નીપજ્યા છે.
બુસેનીએ હુમલાના બીજા દિવસે એટલે કે ૧૨ સપ્ટેમ્બરના રોજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ કાટમાળ તોડી રહેલી ટીમ બકેટ બ્રિગેડના સભ્ય હતા. બિલ્ડિંગના ઉપરના માળ પરથી બાલ્ટીઓ ભરીને કાટમાળ નીચે લાવવામાં આવતો હતો. બુસેની જણાવે છે કે એક બોડી બેગની સાથે કોંક્રિટની ધૂળ જોઈને એક ફાયર ફાઇટરે જણાવ્યું હતું કે - આ ધૂળ કદાચ વીસ વર્ષ પછી આપણો જીવ લેશે. જોકે વીસ વર્ષ પૂરા થયા એ પહેલા કાટમાળના કારણે ફેલાયેલી બીમારીઓના સમાચારો આવવા લાગ્યા હતા.
આ વિષય પર બ્રિજેટ ગોર્મીએ ‘ડસ્ટઃ ધ લિંગરીંગ લેગસી ઓફ 9/11’ નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. બ્રિજેટના પિતા બિલીનું ૨૦૧૫માં કેન્સરથી મોત થયું હતું. ફિલ્મમાં જણાવાયું છે કે સરકાર અને ન્યૂ યોર્ક શહેરના અધિકારીઓ તો જાહેર કરી ચૂક્યાં છે કે ટાવરોના આસપાસની હવા સુરક્ષિત છે, પણ તેમાં કાર્સિનોજન નામના ઝેરીલા રસાયણનું પાતળું સ્તર છે.
નિષ્ણાતો જણાવે છે કે માનવત્વચા પર ભીનો સિમેન્ટ પડવાથી ચામડીમાં બળતરા થાય છે. આવું જ કંઇક અહીં બની રહ્યું છે. બુસેની જણાવે છે કે હું સાઇટ પર એક સપ્તાહ કરતાં ઓછો સમય રહ્યો હતો, પણ ઘરે ગયા પછી ખ્યાલ આવ્યો કે કશીક ગડબડ છે. મારે ડોક્ટર પાસે જવું પડ્યું હતું. ઘણા ફાયર ફાઇટર્સને શ્વાસોચ્છવાસની તકલીફ થઈ ગઇ, પરંતુ જેમની ઓળખ રક્ષક તરીકેની છે તેઓ પોતાની મુશ્કેલીઓ વિશે જણાવવાનું ટાળતા હોય છે.
ફાયર ફાઇટરને ૨૦ વર્ષ પછી પણ કફની સમસ્યા
ફ્રેન્ડ્સ ઓફ ફાયર ફાઇટર્સ નામની સંસ્થા કાર્યરત અને નિવૃત્ત ફાયર ફાઇટર્સને વિનામૂલ્યે આરોગ્યવિષયક સલાહો આપે છે. હુમલાના કેટલાક દિવસો પછી અમેરિકી કોંગ્રેસે પીડિતોને વળતર આપવા માટે ફંડ બનાવ્યું હતું. નાણાં પૂરા થઈ ગયા તો ફંડ માટે અભિયાન ચલાવવું પડ્યું. ૨૦૧૯માં આ માગ પૂરી થઈ. સંસ્થાના કહેવા પ્રમાણે પૂર્વ ફાયર ફાઇટર્સ ૨૦ વર્ષ પછી પણ કફ સહિતની અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અને ઘણાએ જીવ ગુમાવ્યા છે.