લંડનઃ પ્રિન્સ ફિલિપની ૯૯ વર્ષે ચિર વિદાય બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વેસ્ટ મિસ્ટર એબી ખાતે ૯૯ વખત બેલ વગાડવામાં આવ્યો હતો. પ્રિન્સના જીવનના દરેક વર્ષને યાદ કરીને દર એક મિનિટે એક વખત ઘડિયાળનો ટકોરો વગાડવામાં આવ્યો હતો. આમ કુલ ૯૯ મિનિટ સુધી ૯૯ વખત ટકોરા વગાડીને તેમને યાદ કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ નેવીમાં મહત્ત્વનું યોગદાન આપનારા પ્રિન્સ ફિલિપની અંતિમ વિધિ દરમિયાન રોયલ નેવીના જવાનો સલામી આપવાના છે.
બીજી તરફ ગલ્ફના દરિયામાં ફરજ બજાવી રહેલી એચએમએસ પોલ્ટ્રોસ દ્વારા પોતાની ૪.૫ ઇંચની મુખ્ય તોપ દ્વારા ફાયરિંગ કરીને વોર હીરોને સલામી અપાઈ હતી. એડિલેડના પાર્લામેન્ટ હાઉસ અને અન્ય કોમેનવેલ્થ કન્ટ્રીઝ ખાતે શનિવારે સવારે પ્રિન્સ ફિલિપને આર્ટિલરી સેલ્યૂટ આપવામાં આવી હતી. લંડનના કિંગ્સ ટ્રૂપ રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા નેપિયર લાઈન્સ વૂલવિચ બેકે ખાતેથી પરેડ ગ્રાઉન્ડ સુધી પરેડ કરાઈ હતી. આ ટ્રૂપના ૭૧ ઘોડામાંથી ૩૬ ઘોડા સાથેની સિક્સ ૧૩ પાઉન્ડર ફ્લ્ડિ ગન્સ દ્વારા પ્રિન્સ ફિલિપને ગન સેલ્યૂટ આપવામાં આવ્યું હતું. આ ગન્સ પહેલા વિશ્વ યુદ્ધ સમયની છે.
રોયલ નેવીએ જણાવ્યું હતું કે, એચએમએસ ડાયમંડ વોરશિપે શુક્રવારે પોર્ટ્સમથથી પ્રસ્થાન કર્યું હતું. આ દરમિયાન તેના ઉપર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવાયો હતો. આ ઉપરાંત, લંડન, બેલફસ્ટ, કાર્ડિફ, એડિનબરા અને પોર્ટ્સમથ, પ્લીમથ અને રોક ઓફ જિબ્રાલ્ટરના નેવલ બેઝ ઉપરથી ૪૧ મિનિટમાં ૪૧ તોપની સલામી આપવામાં આવશે.