નવી દિલ્હીઃ મધ્યમ વર્ગના પગારદારોનું દિલ જીતી લેતું બજેટ આપ્યા બાદ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને એક મુલાકાતમાં અબ્રાહમ લિંકનને ટાંકતા કહ્યું હતું કે આ વખતનાં બજેટમાં તમામ સ્કીમો લોકો દ્વારા, લોકો માટે અને લોકોની જ છે. આ આવકવેરામાં કાપ મુકનારૂં બજેટ છે. અમે બજેટમાં મધ્યમ વર્ગનાં લોકોનાં અવાજને વાચા આપી છે. પીએમ મોદી સંપૂર્ણપણે ટેક્સમાં ઘટાડો કરવા તેમજ કાપ મુકવા તૈયાર હતા પણ અધિકારીઓને તૈયારીમાં સમય લાગ્યો હતો.
તેમણે કહ્યું હતું કે મધ્યમ વર્ગનાં લોકોની ઘણા લાંબા સમયથી ફરિયાદો હતી કે તેઓ પ્રમાણિક કરદાતા હોવા છતાં તેમની ઈચ્છાઓ પૂરી કરાતી નથી. તેમની ઈચ્છાઓને વાચા આપીને બજેટમાં ટેક્સમાં ઘટાડો કરવાનું પગલું લીધું છે. ટેક્સનાં નવા રિજિમમાં રૂ. 12 લાખ સુધીની આવકને ટેક્સમાં માફી આપવાની જાહેરાત કરીને સરકારે મધ્યમ વર્ગનાં લોકોને ઘણી રાહત આપી છે. આ જોગવાઈથી આશરે 1 કરોડ કરદાતાઓ ટેક્સ અને રિટર્ન ભરવાની પળોજણમાંથી મુક્તિ મેળવી શક્યા છે. સરકારે રૂ. 1 લાખ કરોડની આવક ગુમાવવી પડશે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે સતત આઠમું બજેટ રજૂ કર્યું હતું. સંસદમાં રજૂ થયેલા વર્ષ 2025-26ના બજેટ અંતર્ગત થયેલી વિવિધ જાહેરાતો પૈકી એક મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં ભારતને રમકડાંના ઉત્પાદનમાં વૈશ્વિક લીડર બનાવવાનો ઇરાદો વ્યક્ત થયો છે.
રૂપિયામાં ઘટાડાને નકારતા નાણાંપ્રધાન
રૂપિયાના મૂલ્યમાં સતત થઈ રહેલા ઘટાડાની વાતને નાણાંપ્રધાન સીતારામને ફગાવી હતી. તેમણે કહ્યું કે ડોલર સામે રૂપિયાની આ અસ્થિરતા કાયમી નથી. હંગામી છે. તે ફક્ત ડોલર સામે જ ઘટી રહ્યો છે. અન્ય તમામ ચલણો સામે તે સ્થિર રહ્યો છે. ડોલર મજબૂત થઈ રહ્યો છે તેથી રૂપિયામાં અસ્થિરતા જોવા મળી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ) દ્વારા રૂપિયાને ઘટતો અટકાવવા માટે હાજર માર્કેટમાં વિદેશી હૂંડિયામણની અનામતોમાંથી 77 બિલિયન ડોલર છૂટા કર્યા હતા. રૂપિયાને ઘટતો બચાવવાની જરૂર પડશે ત્યારે આરબીઆઇ દ્વારા માર્કેટમાં હસ્તક્ષેપ કરાશે. અમે દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
કોર્પોરેટ ટેક્સનો કોઇ ઉલ્લેખ નહીં!
નાણાંપ્રધાને 2025-26ના બજેટમાં કોર્પોરેટ ટેક્સના ઉલ્લેખની ગેરહાજરીને લઈને ચર્ચા જગાવી છે. તેમનું ભાષણ વ્યક્તિગત આવકવેરામાં રાહત, રોકાણ પ્રોત્સાહનો અને જીએસટી સુધારાઓ પર કેન્દ્રિત હતું, ત્યારે કોર્પોરેટ ટેક્સ સ્પષ્ટપણે ગુમ રહ્યો હતો. આથી વ્યવસાયીઓ અને અર્થશાસ્ત્રીઓ સરકારના આગામી પગલા વિશે અનુમાન કરી રહ્યા છે. અનિશ્ચિતતામાં ઉમેરો કરતાં, નાણાંપ્રધાને જાહેરાત
કરી કે આગામી સપ્તાહે નવું આવકવેરા બિલ રજૂ કરાશે, જેના કારણે ઘણા એવું માને છે કે શું કોર્પોરેટ ટેક્સ ફેરફારો અલગથી જાહેર કરાશે.
છ દસકા જૂનો આવકવેરા કાયદો બદલાશે
નાણાંપ્રધાન સીતારામને છ દાયકા જૂના હાલના આવકવેરા કાયદાને બદલવા માટે આગામી સપ્તાહે નવું આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી. નવા ઇનકમ ટેક્સ કોડમાં સરકાર ‘પહેલા કરદાતા પર વિશ્વાસ અને પછી આકારણી’ના કન્સેપ્ટને આગળ વધારશે. 100થી વધુ જોગવાઈને અપરાધમુક્ત કરવા માટે જનવિશ્વાસ બિલ 2.0 રજૂ કરાશે અને રાજ્યોનો રોકાણલક્ષી ઈન્ડેક્સ પણ આ વર્ષે લોન્ચ કરાશે. હાલના આવકવેરા કાયદાને સર્વગ્રાહી બનાવી તેના પેજની સંખ્યામાં 60 ટકા ઘટાડો કરવા માગે છે. નવો આવકવેરા કાયદો સંપૂર્ણપણે નવો કાયદો હશે.
બજેટનું કદ રૂ. 50 લાખ કરોડને પાર
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે લોકસભામાં બજેટ પ્રસ્તુત કર્યું. 12 લાખ સુધીની આવકને કરમુક્ત કરવા સહિતના નાણાંપ્રધાનના વિવિધ પગલાના વિશ્લેષણમાં એક મોટા સમાચાર પર મોટાભાગના લોકોનું ધ્યાન જ ના ગયું. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. 2025-26ના સામાન્ય બજેટનું કદ એટલે કે સરકારી ખર્ચનો અંદાજ 50,65,345 કરોડ રૂપિયાનો છે કે જે ચાલુ નાણાકીય વર્ષ માટેના અંદાજિત ખર્ચની તુલનાએ 7.4 ટકા વધારે છે.
‘જનતા જનાર્દન કા બજેટ’ઃ વડાપ્રધાન
નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટને ‘જનતા જનાર્દન કા બજેટ’ ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આનાથી લોકોના હાથમાં વધુ પૈસા આવશે. આથી રોકાણમાં વૃદ્ધિ થશે અને વિકાસને ગતિ મળશે. મોદીએ ઉમેર્યું કે સરકારે યુવાનો માટે કેટલાય ક્ષેત્રો ખોલ્યા છે, જે ‘વિકસિત ભારત’ના મિશનને આગળ વધારશે. વડાપ્રધાને નાણાંપ્રધાન અને તેમની ટીમને ‘જનતા જનાર્દનનું બજેટ’ રજૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
મોદીએ કહ્યું કે સામાન્ય રીતે બજેટમાં સરકારની આવક વધારવા પર ધ્યાન અપાય છે, પરંતુ આ બજેટનું લક્ષ્ય લોકોના ખિસ્સામાં વધુ પૈસા નાખવા, બચત વધારવા અને નાગરિકોને વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવા માટે છે. આ માટે બજેટ મજબૂત આધાર તૈયાર કરે છે. મોદીએ કહ્યું કે બજેટમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે અનેક ઉપાયોથી ભારતીય ઉત્પાદનોને વિશ્વસ્તરે ચમકાવવાની તક મળશે.