ચંડીગઢઃ ભાજપે સતત ત્રીજી વખત ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસના વિજયની આગાહી કરાઇ હતી તેનાથી વિપરિત ભાજપે જ્વલંત વિજય મેળવીને સરકાર રચવાની તૈયારી શરૂ કરી છે.
હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીએ ચૂંટણી પરિણામો અંગે કહ્યું હતું કે, ‘સૌથી પહેલાં હું હરિયાણાના 2.80 કરોડ લોકોને દિલથી પ્રણામ કરું છું, તેમને અભિનંદન આપું છું. હરિયાણાની જનતાએ નરેન્દ્ર મોદીજીની નીતિઓમાં ખૂબ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ જીત હરિયાણાના ખેડૂતોની છે, આ જીત હરિયાણાના ગરીબો અને યુવાનોની છે. તેમણે મોદીજીની નીતિઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોએ ત્રીજી વાર ડબલ એન્જિનની સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.’
કોંગ્રેસ પરોપજીવી પાર્ટી છેઃ મોદી
હરિયાણામાં ભાજપની બમ્પર જીત બાદ જશ્નનો માહોલ છે. ભાજપના ટોચના નેતાઓ હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ પક્ષના વડામથકે પહોંચીને કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ એક એવી પરોપજીવી પાર્ટી છે જે પોતાના જ સહયોગીઓને ગળી જાય છે. કોંગ્રેસ એવો દેશ બનાવવા માંગે છે જ્યાં લોકો પોતાના વારસાને નફરત કરે. દેશવાસીઓ જેના પર ગર્વ કરે છે તેને તેઓ કલંકિત કરવા માંગે છે. ચૂંટણી પંચ હોય, દેશની સેના હોય, ન્યાયતંત્ર હોય. કોંગ્રેસ દરેક સંસ્થાને કલંકિત કરવા માંગે છે.
અબજોપતિ ઉદ્યોગપતિ સાવિત્રી જિંદાલ અપક્ષ તરીકે જીત્યાં
હિસાર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સાવિત્રી જિંદાલની 18 હજાર 941 મતોથી જીત થઈ છે. આ બેઠક પર કોંગ્રેસના રામનિવાસ બીજા ક્રમે રહ્યા છે. સાવિત્રી જિંદાલ બિઝનેસવુમન છે અને સજ્જન તથા નવીન જિંદાલનાં માતા છે. તેઓ હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યાં છે. 2024ની ચૂંટણી અગાઉ તેઓ ભાજપમાં જોડાયાં હતાં. 2023માં ફોર્બ્સની ભારતનાં ટોચનાં 10 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સાવિત્રી જિંદાલનું નામ ટોચ પર હતું. રિપોર્ટ પ્રમાણે સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 29 બિલિયન ડોલર છે.