ચંડીગઢઃ પંજાબમાં સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી (‘આપ’)ની નવી સરકારમાં 10 વિધાનસભ્યોએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ કર્યા પછી તરત જ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી અને 25,000 સરકારી નોકરીઓ આપવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો છે. આ 25,000 નોકરીઓમાં 10,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં અને 15,000 જગ્યાઓ અન્ય સરકારી કચેરીઓમાં ખાલી છે. આ બધી જગ્યાઓે તાત્કાલિક ભરવાથી 25,000 યુવાઓને નોકરીઓ મળશે.
અગાઉ 16 માર્ચે પ્રોટેમ સ્પીકર ઈન્દરબીરસિંહ નિજ્જર સામે ભગવંત માને મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી તમામ 91 વિધાનસભ્યોએ હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. ચૂંટણીમાં આપેલા વચનનું પાલન કરતાં મુખ્ય પ્રધાન બન્યા પછી તરત જ ભગવંતસિંહ માને ભ્રષ્ટાચારવિરોધી હેલ્પલાઇન જાહેર કરી દીધી હતી.
માત્ર એક મહિલા પ્રધાન
ભગવંત માનની કેબિનેટમાં એક માત્ર મહિલા ડો. બલજિત કોર છે. સૌથી ધનવાન પ્રધાન બ્રહ્મશંકર જિમ્પા છે, તેમની પાસે રૂ. 8.56 કરોડની સંપત્તિ છે. સૌથી ગરીબ પ્રધાન લાલચંદ માન છે, તેમની પાસે માત્ર 6.19 લાખની સંપત્તિ છે. સૌથી યુવાન 31 વર્ષના હરજોતસિંહ બેઈન્સ છે, સૌથી વડીલ 60 વર્ષના કુલદીપસિંહ ધાલીવાલ છે. જ્યારે મીત હેયર અને હરપાલ ચીમા બન્ને આ સળંગ બીજી વખત ચૂંટણી જીત્યા છે.
કોમેડિયનમાંથી મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન ભગવંત માન સફળ કોમેડિયન હતા. તેઓ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ જેવા ટીવી શોમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને વીડિયો આલ્બમ બહાર પાડ્યા છે. માન સંગરુરથી બે વખત લોકસભામાં ચૂંટાયા હતા.
ભગત સિંહના નગરમાં શપથવિધિ
શહીદ ભગત સિંહ નગર જિલ્લા ખટકર કલાન ગામે યોજાયેલા શપથવિધિ સમારોહ પ્રસંગે નવનિયુક્ત મુખ્ય પ્રધાન માને જણાવ્યું હતું કે સરકારની કામગીરી આજથી ચાલુ થશે. અમે એક દિવસ પણ વેડફીશું નહીં. આપણે 70 વર્ષ મોડા પડ્યા છીએ. માને પોતાનું ટૂંકુ સંબોધન ચાલુ કરતાં પહેલા ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતાની કી જય અને બોલે સો નિહાલ જેવા સૂત્રો પોકાર્યા હતા. પોતાના પ્રવચનમાં તેમણે બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના સમસ્યાના ઉકેલનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી આપ સરકારની જેમ પંજાબમાં પણ સ્કૂલો અને હોસ્પિટલની હાલતમાં સુધારો કરવામાં આવશે. વિદેશથી લોકો પંજાબને જોવા માટે આવશે.
કાર્યકરોને સલાહઃ વિનમ્રતા છોડતા નહીં
તેમણે ચંદીગઢમાં પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળી દીધો હતો. માને આમ આદમી પાર્ટીના કાર્યકારોને વિનમ્રતા જાળવવાની સલાહ આપતા જણાવ્યું હતું કે કાર્યકારો અહંકારી બન્યા હોવાના કોઇ અહેવાલ આવવા જોઇએ નહીં. માને એકલાએ શપથ લીધા હતા. મંચ અને મેદાનમાં પીળી પાઘડી અને દુપટ્ટા સાથે ભગત સિંહના બલિદાનને યાદ કરાવતું રંગ દે બસંતી ગીત ગૂંજતું રહ્યું હતું.
બીજા રાજ્યમાં ‘આપ’ સરકાર
આમ આદમી પાર્ટી હવે દિલ્હી સિવાયના દેશને બીજા રાજ્યમાં સત્તા પર આવી છે. પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં આપને કુલ 117 બેઠકોમાંથી 92 બેઠક સાથે જ્વલંત વિજય મળ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સીએમને અભિનંદન આપીને પંજાબના વિકાસ અને રાજ્યોના લોકોના કલ્યાણ માટે સાથી મળીને કામ કરવાની ખાતરી આપી હતી.