મુંબઈઃ મહાનગર મુંબઇમાં બુધવારે ભારતનો ભવ્યાતિભવ્ય લગ્નસમારોહ રંગેચંગે ઉજવાઇ ગયો. સાઉથ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયા ટાવરમાં યોજાયેલા શાનદાર સમારોહમાં મુકેશ અંબાણીના પુત્રી ઈશા અને અજય પીરામલના પુત્ર આનંદ સપ્તપદીના ફેરા ફર્યા હતા. શાહી ઠાઠમાઠ સાથે સંપન્ન થયેલા આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં હાજરી આપવા માટે ઉદ્યોગપતિઓ, ટોચના રાજકારણીઓ, બોલિવૂડ સ્ટાર્સ સહિત અનેકવિધ ક્ષેત્રની હસ્તીઓ એન્ટિલિયાની મહેમાન બની હતી.
વરરાજા આનંદ પીરામલ સિલ્વર કલરની વિન્ટેજ કારમાં આવ્યા હતા. આ સમયે તેમણે ત્યાં હાજર ફોટોગ્રાફરોથી પોતાનું મોઢું છુપાવી લીધું હતું. જાનૈયા વાજતેગાજતે નાચતાંનાચતાં એન્ટિલિયા પહોંચ્યાં હતાં, જ્યાં ઈશાના બન્ને ભાઇઓ અનંત અને આકાશે ઘોડા પર બેસીને તેમને આવકાર્યા હતા. વરરાજા આનંદ મોઢું ઢાંકીને મંડપમાં પહોંચ્યા હતા અને ઇશા સામે આવ્યા બાદ તેણે હાથ જોડીને કહ્યું હતુંઃ ‘મારી જિંદગીમાં સ્વાગત છે...’ પરંપરાગત ભારતીય પરિધાનમાં સજ્જ નવયુગલે હિંદુ ધાર્મિક વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં.
દિગ્ગજોની ઉપસ્થિતિ
આ નવયુગલના આશીર્વાદ આપવા વિવિધ ક્ષેત્રની અને દેશવિદેશની ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બોલિવૂડમાંથી સૌપ્રથમ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, પુત્રી શ્વેતા અને પૌત્રી નવ્યા નવેલી નંદા પહોંચ્યા હતા. બાદમાં અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા પહોંચ્યા હતા. સેલિબ્રિટિઓનું આગમન ચાલી રહ્યું હતું તે દરમિયાન સાંજે પાંચ વાગ્યે પીરામલ પરિવાર વાજતે-ગાજતે જાન લઈને આવી પહોંચ્યો હતો. દેશવિદેશની જાણીતી હસ્તીઓ, રાજનેતાઓ, બોલિવૂડ સ્ટાર્સ તેમજ ક્રિકેટર્સ સહિતના મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એન્ટિલિયામાં આમિર ખાન, હિલેરી ક્લિન્ટન, પ્રિયંકા ચોપરા-નિક જોનસ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, સચિન અને અંજલિ તેંડુલકર, શિલ્પા શેટ્ટી, આલિયા ભટ્ટ, ગૌરી ખાન સહિતની સેલિબ્રિટીઝની ઉપસ્થિતિ જોવા મળતી હતી. તો ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રફુલ્લ પટેલ, ઉદ્યોગપતિઓ સજ્જન જિંદાલ, આનંદ મહિન્દ્રા, કે. વી. કામથ, સંજીવ ગોએન્કા, ઉદય કોટક, રાહુલ બજાજ સહિતના કોર્પોરેટ દિગ્ગજો અને નેતાઓની હાજરી ઉડીને આંખે વળગતી હતી. આ ઉપરાંત હરભજન સિંહ અને તેની અભિનેત્રી પત્ની ગીતા બસરા, ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ સહિતના મોંઘેરા મહેમાનોની મોડી રાત સુધી આવનજાવન ચાલુ રહી હતી.
૩૩ વર્ષ પહેલાં પિતાનાં લગ્ન
ભરતનાટ્યમના એક કાર્યક્રમમાં ધીરુભાઈએ નીતાને જોયાં અને કાર્યક્રમના આયોજકો પાસેથી તેમનો ટેલિફોન નંબર મેળવ્યો. બીજા દિવસે ધીરુભાઈએ નીતાના ઘરે ફોન કરી પોતે ધીરુભાઈ અંબાણી હોવાની ઓળખ આપી. આ સમયે નીતાએ કોઇ તેની સાથે મજાક કરી રહ્યું હોવાનું ધારી લઇને સામો જવાબ આપ્યો હતો કે પોતે એલિઝાબેથ ટેલર બોલે છે.... આમ કહીને તેણે ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં ધીરુભાઈ તેના પરિવારને મળ્યા હતા અને તેમને કહ્યું કે પોતે નીતાને મુકેશની પત્ની તરીકે જોવા માગે છે. એક સાંજે મુકેશ અને નીતા સાઉથ મુંબઈના પેડર રોડ પર ગાડીમાં જતાં હતાં. સિગ્નલ પર કાર ઊભી રાખ્યા બાદ સિગ્નલ ગ્રીન થયા બાદ પણ મુકેશે કાર સ્ટાર્ટ ન કરી અને નીતાને પ્રપોઝ કરતાં પૂછ્યું કે, ‘મારી સાથે લગ્ન કરશો?’ અને એમ પણ કહ્યું કે જ્યાં સુધી નીતા જવાબ નહીં આપે, ત્યાં સુધી તેઓ કાર સ્ટાર્ટ નહીં કરે. નીતા માટે આ પ્રશ્ન અનઅપેક્ષિત હોવા છતાં, તેમણે હકારમાં જવાબ આપ્યો. આ પછી નીતા ઘણા દિવસો સુધી મુકેશ અંબાણીની સાથે મુંબઈની સિટી બસમાં ફર્યાં. પોતાના લગ્નમાં મુકેશભાઈએ ઘોડા પર બેસવાનો ઈન્કાર કરી દીધો હતો અને ઘોડાગાડીમાં બેસીને જ લગ્ન કરવા ગયા હતાં.
૬૩ વર્ષ પહેલાં દાદાનાં લગ્ન
વર્ષ ૧૯૫૫માં લગ્ન માટે ધીરુભાઈ ચોરવાડ આવ્યા હતા. કોકિલાબેનનાં મુક્તા ફઈબાના કહેવાથી ૧૮મી જાન્યુઆરી ૧૯૫૫ના રોજ ધીરુભાઈ અને તેમનાં મોટાં બહેન ત્રિલોચનાબેન કોકિલાબેનને જોવા પહોંચ્યાં. ધીરુભાઈને મેટ્રિક ભણેલી છોકરી જોઈતી હતી અને આથી જ કોકિલાબેનને મળ્યા પહેલાં તેઓ લગભગ ત્રીસેક છોકરીઓને રિજેક્ટ કરી ચૂક્યા હતા. તેમના ગયા પછી કોકિલાબેને તેમના પિતા રતિલાલભાઈને ધીરુભાઈના શ્યામ રંગ વિશેનો ખચકાટ રજૂ કર્યો હતો, પણ તેમનાં બાએ કહ્યું કે, ‘છોકરો ભલે શ્યામ હોય, પણ તેનું નસીબ કાળું નથી.’ બધાની સહમતિથી ૧૫મી ફેબ્રુઆરી ૧૯૫૫ના રોજ તેમની સગાઈ થઈ અને ૧૨મી માર્ચે લગ્ન લેવાયાં. લગભગ એકસો જાનૈયા સાથે જાન ચોરવાડથી ટ્રેનમાં જામનગર જાન પહોંચી. લગભગ ત્રણેક દિવસનું રોકાણ હતું. કેટલાક જાનૈયાઓએ તો જામનગર પહેલી જ વાર જોયું હતું. લગ્ન બાદ ગૃહપ્રવેશ પછી કોડાકોડીની રમતમાં પણ ધીરુભાઈએ ખેલદિલી બતાવીને વીંટી શોધીને કોકિલાબેનના હાથમાં આપતાં કહ્યું કે, ‘કોકિલા જીતી ગઈ.’